આવતા અઠવાડિયે આપણે ત્યાં ચાઈનીઝ એનિમેશન ફિલ્મ, ‘નેર જાહ ટુ’ રિલીઝ થશે. અત્યાર સુધીમાં દુનિયા આખીની બોક્સ ઓફિસ પરથી એ 2.1 બિલિયન અમેરિકન ડોલર, એટલે આપણા રૂ. 17,850 ઉસેડી ચૂકી છે. આટલી આવક આજ સુધી કોઈ હોલિવુડ એનિમેશન ફિલ્મ પણ કરી શકી નથી. અમેરિકા અચંબામાં છે, દર્શકો આનંદમાં છે. યાંગ યુ તરીકે પણ ઓળખાતા ચીની લેખક-દિગ્દર્શક જિયાઝોઈની આ ફિલ્મ એમની જ આ નામની 2019ની ફિલ્મની સિક્વલ છે. ચીનના એક પૌરાણિક પાત્ર અને સોળમી સદીની નવલકથા પર આધારિત આ ‘નેર જાહ ટુ’ જાન્યુઆરીમાં ચીનમાં પ્રદર્શિત થઈ. ચીનના નવા વરસી ઉજવણીના પહેલા દિવસે. રૂ. 680 કરોડમાં બનેલી ફિલ્મે, ટૂંકમાં અને અત્યાર સુધીમાં, એના રોકાણ કરતાં છવીસગણી આવક કરી લીધી છે. હજી તો ભારતમાં, અન્યત્ર રિલીઝ બાકી છે. હજી તો થિયેટ્રિકલ રિલીઝ પછી થતી આવક બાકી છે.
ચીનના બુલડોઝરથી એન્ટરટેઇનમેન્ટની ધરતી ચગદાવાની આ કદાચ શરૂઆત છે. બોલિવુડ અને સાઉથની ફિલ્મો બસો, પાંચસો અને હજાર કરોડ (રૂપિયાની, યાદ રહે) આવક કરે કે જમીનથી બેં વેંત ઊંચે ચાલે છે. એમણે ફટાફટ ગંભીર વિચાર શરૂ કરી દેવાનો છે. હોલિવુડને તો આપણે ક્યારેય પહોંચી શક્યા નથી. ચીની આક્રમણ ઝંઝાવાત બનશે ત્યારે શું થશે?
હજી એક ઉદાહરણ લઈએ. ગયા વરસે ‘યોલો’ નામે એક ચાઇનીઝ ફિલ્મ આવી હતી. જિયા લિન્ગ નામની મહિલા કોમેડિયન-અભિનેત્રીની ફિલ્મમેકર તરીકે એ બીજી કૃતિ હતી. એનો નિર્માણખર્ચ રૂ. 850 કરોડ હતો અને એનો અત્યાર સુધીનો, માત્ર બોક્સ ઓફિસ પરનો વેપાર, રૂ. 4,118 કરોડ છે. લો બોલો, ક્યાં આપણી રૂ. સો કરોડને આંબતી ફિલ્મોની અધધધ લાગણીઓ અને ક્યાં આ આંકડા?