-કલ્પના જોશી
ટ્રેનમાં એક જણ બે સીટની વચ્ચે ઊભો હતો. પાછળથી બીજો પ્રવાસી આવ્યો. ભીડમાં ઘણાને જેમ ધક્કામુક્કી કરવાની સ્વાભાવિક ટેવ હોય તેમ તેણે આગળના પ્રવાસીને એણે ધક્કો દીધો. પેલા ભાઇએ અમસ્તા પાછળ વળીને જોયું, તો નવો પ્રવાસી કહે, ‘‘ક્યા દેખતા હૈ બે?’’ થોડીવારે બેઉને બેઠક મળી. બેઉ બેઠા. જેણે ધક્કો માર્યો હતો તે ખૂબ અકળાઇને બેઠો હતો. જેણે ધક્કો ખાધો એનો ચહેરો નિશ્ચિંત હતો. તેણે જ વાતચીત શરૂ કરી, ‘આ છાપું તમે વાચો છો, એ વાચીને શું મળ્યું?’’ અક્કડ થયેલા પ્રવાસીએ પહેલાં તો ઘૂરકીને જોયા કર્યું. પછી બોલ્યો, ‘કાંઇ નહીં.’ પેલા શાંત ભાઇ કહે, ‘વાંધો નહીં. આ છાપું ખરીદવાને જેટલા રૂપિયા ખર્ચ્યા, તેટલા જ રૂપિયાના હિસાબે, મહિને જે ખર્ચ થાય, તે પૈસા આજે લેજો. સ્ટેશનેથી ઘરે જતી વખતે તેમાંથી બાળક માટે કશુંક લેજો. ફળ લેજો, પહેરણ લેજો, રમકડું લેજો, પણ લેજો. આ છાપું બેશક તમને આનંદ-જ્ઞાન આપે છે, પણ બાળકને કશુંક લઇ આપ્યા પછી તેના ચહેરાનો આનંદ જોઇને જે સુખ તમે પામશો તે આનાથી પણ વિશિષ્ટ હશે.’ પેલા અક્કડ પ્રવાસીની આંખો પહોળી થઇ ગઇ. આજુબાજુના સૌ પણ વિચારતા થઇ ગયા. એક ધક્કો શારીરિક અને એક લાગણીનો, કયો વાજબી ગણવો?


