ડાહ્યો દીકરો, ઉમદા પતિ અને ગમતીલો સ્તાર. સદગુણના ત્રેવડા સમન્વયથી અભિષેકની લાઇફ સભર અને તરબતર થઈ ગઈ છે. સરકાર રાજ સહિતની એની આગામી ફિલ્મો એના સુખી જીવનને સોણલું બનાવે એવું એના ચાહ્કો નિ:શકપણે ઇચ્છે છે. બચ્ચન પરિવાર પણ.

સંજય વિ. શાહ
યોગાનુયોગ કહો કે રામગોપાલ વર્માની આગવી નજર, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયનાં લગ્ન પછીની આ વાત. સરકાર રાજના શૂટિંગમાં નવદંપતી પહોંચ્યું એ દિવસની. લગ્ન પછી એમણે ફિલ્મ માટે જે પહેલું દ્રશ્ય શૂટ કર્યું એમાં ફિલ્મનાં એ બેઉનાં પાત્ર પણ પહેલી જ વખત મળતાં હતાં. ફિલ્મમાં એશ બની છે અનિતા રાજન, જે શેપર્ડ પ્લાન્ટ નામની વૈશ્વિક કંપનીની સીઈઓ છે. અભિષેક છે સરકાર એટલે કે બિગ બીનો દીકરો શંકર.
આપણા સૌથી મોટા સ્ટાર ગણાતા અમિતાભે બીજા ઘણા પિતાની જેમ દીકરાને ફિલ્મનું નિર્માણ કરીને લૉન્ચ નથી કર્યો. એ સુખ સંજય દત્તને રૉકી થકી, અક્ષય ખન્નાને હિમાલયપુત્રથી, હ્રતિક રોશનને કહો ના પ્યાર હૈ થી અને ફરદીન ખાનને પ્રેમ અગનથી મળ્યું હતું. છોટે સરકાર ઉર્ફે અભિષેકને પિતાનો બધી રીતનો સપોર્ટ મળ્યો પણ પ્રોડયુસર તરીકેનો તો નહીં જ. હા, પિતા તરીકે બચ્ચને અભિષેકને બીજું ઘણું એવુ આપ્યું જે કોઈપણ દીકરાને મીઠી ઈર્ષ્યા કરાવે.
“મારાં મા-બાપ કયારેય એમનાં વ્યવસાયનો બોજ ઘરે લાવતાં નહીં,” બાળપણની વાતો વાગોળતાં એક મુલાકાતમાં અભિષેકે કહ્યું હતું, “પપ્પા કોઈ દિવસ મેકઅપવાળા ચહેરે ઘરે આવતા નહીં, એટલે એમના અભિનેતાં હોવાની વાત ઘરે ગોણ બની જતી, ભણતો ત્યારે મમ્મી-પપ્પા બેઉ સ્કૂલની દરેક પૅરન્ટ્સ ટીચર એસોસિયેશનની મીટિંગમાં આવતાં. સ્કૂલની દરેક ઈવેન્ટમાં પણ. પછી ભલે એમાં હું માત્ર ફૂલ બનીને સ્ટેજ પર ઊભો હોઉ.” પછી એક રસપ્રદ કિસ્સો ટાંકતાં એણે જણાવ્યું હતું, “યાદ નથી કઈ પણ પપ્પાની એક ફિલ્મ મેં જોઈ હતી, એમાં અમજદ ખાન પપ્પાને મુક્કા મારે એવી સિચ્યુએશન હતી. બીજા જ દિવસે મારું પપ્પા સાથે શૂટ પર જવાનું થયું જ્યાં અમજદ ખાન હાજર હતા. મેં તરત જઈને એમને કહ્યું: તમારી હિંમત કેમ થઈ મારા પપ્પાને મારવાની?”

એ બાળક અભિષેક જૂનો થયો હવે. આજનો અભિષેક એની આગામી પાંચેક ફિલ્મો ગણી લઈએ તો ફોર્ટી પ્લસ ફિલ્મો કરીને ઘડાઈ ગયેલો કલાકાર છે. પડદા પર એ પોતે માર ખાઈ ચૂક્યો છે અને વિલનોને માર મારી પણ ચૂક્યો છે. એથી મોટી વાત કે એણે નિષ્ફ્ળતાના મારને પણ બહુ સારી રીતે જીવી અને જીરવી લીધો છે. ઈન ફેક્ટ, એની છેલ્લી બે મહત્વની ફિલ્મ ઝૂમ બરાબર ઝૂમ અને લાગા ચુનરી મેં દાગ પણ સરિયામ નિષ્ફળ હતી, જૂની વાત થઈ આ. કેમ કે હવે સરકાર રાજ સહિત આશાસ્પદ ગણાતી મિશન ઈસ્તનબુલ, દ્રોણ, દિલ્લી સિક્સ અને દોસ્તાના જેવી ફિલ્મો એના જાદુને ફરી ઝળહળતો કરવા તૈયાર છે. સૌથી પહેલી આવશે સરકાર રાજ, અફ્ફ્કોર્સ.
રામુએ નબળા સર્જનની આગ લગાડીને એના ચાહકોને નિ:શબ્દ ભલે કરી નાખ્યા, અમિતાભ જેવા દરજ્જેદાર અભિનેતાને આજે પણ એનામાં ખૂબ શ્રદ્ધા છે, “કલાકાર તરીકે મને રામુ જેટલો પડકાર ઘણા વખતથી કોઈ નથી આપ્યો,” એવા અર્થની વાત બિગ બી અમસ્તા કરે નહીં. અભિષેક પણ પિતાની જેમ પોતાના સર્જકોમાં ભારોભાર ધરાવે છે. એટલે જ શરૂઆતના તબક્કામાં એને બેહદ નિષ્ફળતાનો સ્વાદ ચખાડનાર અપૂર્વ લાખિયા, ગોલ્ડી બહલ, રામુ જેવા સર્જકોની સાથે એણે છોડ્યો નહીં. હા, ૨૦૦૪માં યુવા સાથે શરૂ થયેલા સફળતાના દોરને ટકાવી રાખવા એ હવે ચૂઝી જરૂર બન્યો છે. એ પહેલાંના વર્ષમાં પાંચ-પાંચ ફિલ્મો એની રિલીઝ થઈ હતી. ૨૦૦૭માં, મહેમાન કલાકારવાળી શૂટઆઉટ એટ લોખંડવાલા અને આગ સહિત એ પાંચ ફિલ્મોમાં દેખાયો. પણ શરૂઆતમાં આવેલી ગુરુની સફળતાને ધોઈ નાખી બાકીની બધી ફિલ્મોએ.
એટલે જ સરકાર રાજની સફળતા અભિષેક માટે મહત્વની છે. લગ્ન પછી એશ સાથેની એની આ પહેલી ફિલ્મ છે. “મને મળેલી લગભગ બધી ઑફર્સ મેં સ્વીકારી છે. હું બેઝિકલી એવો કલાકાર છું જેને ભરપૂર કામ કરવું ગમે છે,” એવું ક્યારેક કહેનાર જુનિયર બી આજકાલ ફિલ્મોની પસંદગીમાં ઠાવકો થયો છે એ વાતમાં બેમત હોઈ શકે નહીં. એટલે જ છેલ્લાં ચારેક વર્ષથી એ કાં તો પોતાના મિત્રોની, યશરાજની કે રામુ જેવા સર્જકની ફિલ્મમાં જ દેખાય છે. છતાંય દરેક ફિલ્મને પોતાનું ભાગ્ય હોય છે એ નાતે અભિષેકની ઘણી ફિલ્મો નિષ્ફ્ળ ગઈ.
પહેલાંની અને આજની એની નિષ્ફળતામાં જરા ફરક છે જો કે. નવોદિત, હોંશીલા, બચ્ચન નામથી દબાયેલા અભિષેકની ફિલ્મો નિષ્ફ્ળ જતી ત્યારે દોષનો ટોપલો એના માથે ઢોળાતો. હવે એવું નથી. અત્યારની એની નિષ્ફળ ફિલ્મો બહુધા મલ્ટિસ્ટારર અથવા ખૂબ મોટા ગજાના સર્જકની ફિલ્મો છે. એકલપંડે એ જેમાં ચમક્યો એવી ગુરુ અને જેનો મોટાભાગનો ભાર એના માથે હતો એ બ્લફ્માસ્ટર સફળ રહી. પહેલાં એ મેગાસ્ટાર પિતાનો દિકરો માત્ર હતો. આજે પોતાનાંમાં એક સ્ટાર છે. એશ સાથે લગ્ન પછી એનામાં નવો આત્મવિશ્વાસ અને ખાસ્સું ગાંભીર્ય છલકે છે એ અલગ.

સાનંદાશ્વર્ય કહો કે બચ્ચનનાં સંસ્કાર પણ અભિષેક અને એશનું લગ્નજીવન પ્રથમ જ વર્ષમાં ધાર્યા કરતાં વધારે સુંદર અને દર્શનીય રહ્યું છે. એશ આજે પણ ફિલ્મોમાં બિઝી બિઝી છે અને અભિષેક સહિત એનાં સાસું-સસરા પણ સતત એની પડખે છે, સલમાન, વિવેક અને કરિશ્મા ભૂતકાળ બની ગયાં છે બેઉ માટે અને ગોસિપિંગ કરનારાઓ માટે.
પડદા પર આ બેઉની કેમિસ્ટ્રી ગુરુમાં જામી હતી અને ઉમરાવ જાનમાં વખોડાઈ હતી. જોવાનું એ છે કે સરકાર રાજ સાથે સાચુકલાં પતિ-પત્ની એમના ફિલ્મી ટ્યુનિંગને કઈ નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. અભિષેકના શબ્દોમાં કહીએ તો, “બે કલાકાર વચ્ચેની કેમિસ્ટ્રીનો આધાર તેઓ જે પાત્ર ભજવતા હોય એના પર નિર્ભર કરે છે. કલાકાર પાત્રમાં જાન રેડવાની પ્રયત્ન કરે તો પણ સ્ક્રિપ્ટમાં ઉમદા કેમિસ્ટ્રી ના ખીલે તો બધું નકામું. ઉમરાવ જાન નિષ્ફ્ળ ગઈ તો સૌએ કહ્યું કે હું અને એશ સાથે જામતા નથી. વળી ગુરુ જોઈને સૌએ ફેરવી તોળી નાખ્યું અને કહ્યું, વાહ! શું ફેન્ટાસ્ટિક જોડી છે.”
બસ, અભિષેકની આગામી ફિલ્મોથી દર્શકો કહે કે વાહ, શું એકટર છે એનાથી રૂડું બીજું શું હોઈ શકે? સો, વેઈટ એન્ડ વૉચ ફોર સરકાર રાજ.
(આ લેખ ચિત્રલેખા જૂથના ફિલ્મ સામયિક જીના જૂન, ૨૦૦૮ના અંકમાં કવર સ્ટોરી તરીકે પ્રસિદ્ધ થયો હતો. એ વખતે રામુની સરકાર રાજ ફિલ્મ આવવાને આરે હતી. જી સામયિકનો હું આશરે પાંચેક વરસ કાર્યકારી તંત્રી હતો)
* ** ** ** *

