જર્મનીમાં ઈ-કોલી નામના બેક્ટેરિયાએ હાહાકાર મચાવ્યો એ પછી આખી દુનિયા સામે આ પ્રશ્ન આવીને ઊભો છે

ઓર્ગેનિક ફૂડ

-નક્ષત્ર એસ. શાહ

Published in Mumbai Samachar, Asia’s oldest newspaper

ક્યારેક બીમારી નામની બલા લીલોતરી અર્થાત્ શાકભાજીના સ્વરૂપમાંય આવી શકે, આવું તમને કોઈ કહે તો માનવામાં આવે ખરું? ના, પણ એનો વરવો અનુભવ હાલમાં જ જર્મની સહિત યુરોપના દેશોને અને અમેરિકાને પણ થયો. એય એવી અનપેક્ષિત રીતે કે ન પૂછો વાત. ઓર્ગેનિક ફૂડ એટલે કે પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલાં શાકપાન ખાવાનું ઘેલું ત્યાં સૌને લાગ્યું છે. એવાં આ શાકપાનને હાલમાં આભડી ગયા એક વિચિત્ર બેકટેરિયા અને થયો ઉધામો. ઈ-કોલી નામના આ બેકટેરિયાને લીધે એક પછી એક એમ એકાવન જર્મનનું મોત થયું. સરકાર સફાળી જાગી તો ખરી, પણ ત્યાં સુધીમાં તાંડવ તો થઈ જ ગયું. હવે, આ લખાય છે ત્યારે, ઈ-કોલીએ મચાવેલો હાહાકાર ઓફિશિયલી પૂરો થયાનું જર્મન સરકારે જાહેર તો કર્યું છે, પણ યુરોપની પ્રજાનાં હાંજા ગગડી ગયા છે. એક જ સવાલ ત્યાં સતત ચર્ચાઈ રહ્યો છેઃ ઓર્ગેનિક ફૂડ ખરેખર સ્વાસ્થ્ય માટે વધારે સારું કહેવાય?

ઓર્ગેનિક ફૂડ

હવે એક બીજા વિવાદ તરફ ધ્યાન આપો. ઓર્ગેનિક ફૂડ પાછળ સૌ ઘેલા થયા છે ત્યારે અમેરિકા, યુરોપના અનેક નિષ્ણાતોએ એક સંશોધન હાથ ધર્યું. રાસાયણિક ખાતર, આધુનિક દવાઓના છંટકાવ અને નિંદામણ દૂર કરવા માટે વપરાતા એન્ટિબાયોટિકસ વાપરીને થતી ખેતી એક તરફ રખાઈ. ઓર્ગેનિક સ્ટાઈલ મતલબ સંપૂર્ણપણે નૈસર્ગિક રીતે ખેતી કરીને ઉગાડાતી ચીજોને બીજી તરફ રખાઈ. બેમાંથી ચડે કોણ અને ચકાચક કોણ એ માટે સઘન તપાસ શરૂ થઈ. પચાસ-પચાસ વરસના રેકોર્ડ તપાસવામાં આવ્યા અને તારણ શું નીકળ્યું? ખેતી ગમે તેવી રીતે થાય અને લીલોતરી-અનાજ ગમે તે રીતે ઉગાડો. બેઉ રીતે ઊગતી કુદરતી દેનમાં પૌષ્ટિકતા અને સ્વાસ્થ્યકારી ગુણ-અવગુણ તો એકદમ સરખા જ રહે છે. ન કણભાર વધારે, ન કણભાર ઓછા.

Organic Food

બોલો, આમ છતાં વિદેશ તો ઠીક, ભારતમાંય ઓર્ગેનિક, ઓર્ગેનિકની માળા જપીને કેટલાય અપમાર્કેટ લોકો ચીજોના કયાંય વધારે દામ આપીને ઓર્ગેનિક ફૂડ ખરીદતા થયા છે. આ ટ્રેન્ડનો તગડો લાભ મોટી મોટી સુપરમાર્કેટ્સ મનભરીને લે છે. સીધી વાત છે. સાદો ગોળ, દાખલા તરીકે, પચાસ રૂપિયે કિલો પડે, તો ઓર્ગેનિક ગોળ એનાથી દોઢ-બે ગણો મોંઘો પડે. એવું જ કાકડીનું છે, કોબીનું છે, મેથીનું છે અને પાલકનું છે. આવું તો શું ખાવું અને કેટલા રૂપિયા ખર્ચીને ખાવું?

Organic Food ( ઓર્ગેનિક ફૂડ )

જર્મનીમાં શું થયું? સરકારી દાવા મુજબ એમ થયું કે ઈજિપ્તની જર્મનીમાં મેથીનાં જે બીજ કે પાન ખેતી કાજે મંગાવાયાં એની સાથે દેશમાં ઈ-કોલી નામના બેકટેરિયા આવ્યા. પછી એ ગ્રસી ગયા અન્ય ખેતી પેદાશોને. એરચેરિશિયા કોલીનું ટૂંકું નામ છે ઈ-કોલી. રાસાયણિક ભાષામાં એને નંબર ૦૧૫૭ઃ એચ-સેવન તરીકેય ઓળખાય છે. માત્ર ખેતી પેદાશો શા માટે, ઈ-કોલીનો હાઉ જાગ્યા પછી તપાસ કરતાં સ્કોટલેન્ડ અને અન્ય દેશોમાં તો પીવાનું પાણી સપ્લાય કરતાં તળાવોમાંય એની ભયજનક માત્રા મળી આવી. પરિણામ એ આવ્યું કે અમુક પ્રાન્તના સત્તાધીશોએ લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરવી પડી, ‘બાપલા, પાણી પીઓ તો ઉકાળીને પીઓ બાકી…’

E Coli Bacteria

શું કહે છે આ ઈ-કોલી? ડોકટર્સના મતે ઈ-કોલીના લીધે થાક વર્તાય, ઊલટી થાય અને ડાયેરિયા પણ થાય. આ બધાં લક્ષણ જેવાં વર્તાય તેવા માણસો એના મળની ત્વરિત ચકાસણી કરાવવી જોઈએ. ઈ-કોલીને લીધે ઈનિ્દ્રયો અને રકતકણોને ગંભીર નુકસાન પહોંચે છે. એની માત્રા લીલોતરીમાં હોવી જોઈએ તેનાથી વધુ થતાં જ યુરોપમાં ઈ-કોલીએ તોફાન મચાવ્યું. માણસોના જીવ ગયા, નિષ્ણાતો ધંધે લાગી ગયા અને એલ્ડી, લિડલ જેવી સુપરમાર્કેટ્સમાં ઓર્ગેનિક ફૂડનું વેચાણ સડસડાટ નીચું ચાલ્યું ગયું. અહેવાલો કહે છે કે ત્યાં કાકડીનું વેચાણ ચાલીસ ટકા તો લિટસ, ટમેટાં જેવી લીલોતરીનું વેચાણ ઈ-કોલીએ ત્રીસેક ટકા ઘટાડી નાખ્યું. માત્ર જર્મની નહીં, ઈ-કોલીએ સ્વીડન, અમેરિકામાંય સૌને ભયનું લખલખું એવું દેખાડયું કે ઓર્ગેનિક ફૂડના વપરાશ વિશે સૌ દ્વિધા અનુભવી રહ્યા છે.

ગાયનું છાણ

એક થિયરી એવી છે કે ઈ-કોલી ઓર્ગેનિક પ્રોડકટમાં આવ્યા ભળતા માર્ગે. નૈસર્ગિક ખેતીમાં ખાતર તરીકે ગાયનાં છાણ જેવા પદાર્થ વપરાય, દવાને બદલે જીવાતો – પક્ષીઓની મદદથી ખેતીમાં વિષ ફેલાવતા જીવજંતુનો સફાયો કરાય અને નિંદામણ દૂર કરવા માટે એન્ટિબાયોટિકસને બદલે વારાફરતી એક પછી બીજી પેદાશની ખેતી કરાય. મુશ્કેલી ત્યાં આવી કે ગાયનું છાણ ભલે ખાતર તરીકે વપરાયું પણ એ ગાયે જે ખાધું એમાં તો એના પેટમાં પ્લાસ્ટિક અને બીજી મોડર્ન ગંદકીઓ તો ગઈ કે નહીં? છાણમાં લોચો તો ઓર્ગેનિક ખેતીમાં ઘાણ થાય જ. ભારત કરતાં પાછું વિકસિત દેશોમાં તો ખોરાક, જમીન, હવા બધું પ્રદૂષિત કરતી ચીજોની માત્રા ભયજનક હદે વધારે તેથી માણસ તો માણસ, ગાય પણ કયાંથી બચે આફતથી?

Organic Food

ઓર્ગેનિક ખેતી ત્યારે જ સાર્થક ઠરે જ્યારે એમાં વપરાતાં છાણ કે જીવાત વગેરે બધું ઓર્ગેનિક હોય. આ નિયમને વળગી રહીે કેટલા ખેડૂતો ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે એ એક અઘરો સવાલ છે. વળી, ભારતમાં ઓર્ગેનિકના ટેસડા લેનારને તો એય ખબર નથી પડતી કે જે પદાર્થ એણે લીધો એ રિયલી ઓર્ગેનિક છે કે નહીં. અમેરિકામાં, દાખલા તરીકે, કોઈ પણ ચીજને ઓર્ગેનિક ફૂડ તરીકે વેચવા માટે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરના ઓર્ગેનિક સર્ટિફિકેશન પ્રોગ્રામ પાસેથી પ્રમાણપત્ર મેળવવું જ પડે છે. જર્મનીમાં ઈ-કોલીની તકલીફ થઈ તો સરકારે ત્રણ અઠવાડિયામાં કડક પગલાં લઈને પીડાને સમૂળગી ડામી નાખી છે. કમસે કમ એવો દાવો તો થયો જ છે સરકારનો. ભારતમાં શું થાય? ઓર્ગેનિક ખરેખર ઓર્ગેનિક છે એની પહેલાં તો આપણને જાણ નથી. એમાં જો ઓર્ગેનિક ફાર્મિંગના પાપે ઈ-કોલી કે એવું કાંઈક અહીં થાય તો કેટલા લોકોના જીવ જોખમમાં મુકાય એ વિચાર જ થથરાવી મૂકનારો છે.

ડોકટર સંદીપ સોનિગ્રા કહે છે, ‘હવામાંથી પ્રદૂષણ કાઢો તોયે નીકળે નહીં તેમ ખાધાખોરાકીમાં ઘર કરી ગયેલાં બધાં દૂષણ કાઢવા ઈચ્છીએ તોય નીકળે એવી આજે સ્થિતિ નથી. ખરેખર પરંપરાગત પદ્ધતિથી ઓર્ગેનિક ખેતી થાય તો બેશક લીલોતરી અને અનાજ સારી કવોલિટીનાં ઊગે. પણ એ માટે રૂપરેખા, ધારાધોરણ અને શિસ્ત ત્રણેયનો સમન્વય થવો જ જોઈએ.’ વાત ખરી છે. એવું નહીં થાય ત્યાં સુધી ઓર્ગેનિક ફૂડ અસલ કે નકલ, સેફ કે ડેન્જરસ, એ ઠરાવવાનું કામ સામાન્ય માણસની પહોંચ બહારનું જ રહેવાનું. એટલે જ ઓર્ગેનિક ખાઓ કે મોડર્ન, જે ખાઓ તે સાચવીને ખાવાનું.

VN:F [1.9.10_1130]
Rating: 1.0/10 (1 vote cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
ઓર્ગેનિક ફૂડ કેટલું અસલ?, 1.0 out of 10 based on 1 rating
Related Posts with Thumbnailspixelstats trackingpixel