સન્ડે રણકાર-સંજય વિ. શાહ

MUMBAI TERRORIST
બર્થડેમાં બાળકો ફુગ્ગા ફોડે તેમ આતંકવાદીઓ મુંબઈમાં બૉમ્બ ફોડી રહ્યા છે. બ્લાસ્ટ થયા હોય તેનાથી વધારે કહેવાના. જાનમાલનું થયું હોય તેનાથી વધારે નુકસાન કહેવાનું, ભલે જેમના જીવ કકળવાના હોય તે કકળે. મુંબઈગરાના નસીબમાં નથી સુરક્ષા કે નથી શાંતિ, પણ સ્વભાવમાં તો હોય. જેટલી ઊંચી ઇમારતો આ શહેરમાં નથી તેટલા ઊંડા ઘા એના આત્મા પર કોરી નાખ્યા છે કમબખ્ત આતંકવાદીઓએ. ધન ઝાઝું છે, જીવવાનું ઓછું અને જીવતરને જંજાળ વચ્ચે સીવવાનું તો રોજેરોજ છે. માનવસર્જિત મુશ્કેલીઓના પ્રલયમાં પટકાયા છીએ આપણે, પણ મનમાં ઉધમને બદલે લય તો હોય. બ્લાસ્ટ થાય ત્યાં બીચ પર ફરવા જતા હોય તેમ જવાય કઇ રીતે? અંધાધૂંધી ફેલાયેલી હોય એવામાં અલેલટપ્પુની જેમ એલફેલ વાતો ફેલાવાય કઇ રીતે? બગીચાનો માહોલ એનાં ફૂલોની ખુશ્બુથી અને પંખીના કલરવથી ક્લિયર થાય. શહેરનો મિજાજ એના માણસોના વર્તનથી ક્લિયર થાય. ઇન્ડિયાનું ઇઝરાયલ બન્યું છે આપણું શહેર તો આપણે હવે યહૂદીઓ જેવી સમજદારી, શાંતિ અને સભ્યતા રાખ્યે જ છૂટકો. લન્ચબોક્સ સાથે ટ્રેનમાં ચડશું તો ખરા આપણે, પણ જીવતા ઉતરશું કે લાશ બનીને એની કોઇ ગેરન્ટી રહી નથી હવે. તોય જીવને ધરપત આપવી પડશે, જીભને કરવત બનતી ખાળવી પડશે અને ઉપરવાળા પર અસીમ આસ્થા રાખવી પડશે. ગમેતેમ તોય આ શહેર આપણું અને આપણે આ શહેરના. પરદેશથી પાપ અને વાઢકાપનાં પારેવડાં ઊડતાં આવ્યાં જ કરે છે મુંબઈમાં. એનાથી ડગમગી જઇશું તો હારી જઇશું. બફાટ કરી ભયના સામ્રાજ્યનો ડંકો વગાડે તે બીજા, નહીં કે મુંબઈગરા. શહેરના આકાશ પર ઊડતાં અમન, એકતા અને આત્મવિશ્વાસનાં કબૂતરોને જા, જા કરે તેય બીજા. બુદ્ધિપૂર્વક વર્તીને બદમાશોને તો દેખાડી જ દઇએ કે આપણે કઇ માટીના બન્યા છીએ. અને કહી દઇએ મુંબઈને કે દોસ્ત, હર હાલમાં અમે તારી સાથે છીએ.
VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]

