કાશ અગર જો હોતે ખાલી
કિસ્મતની આ મારી પ્યાલી
પ્રેમથી આખી ભરી દેત એ
દુ:ખને રાખત દૂર નિકાલી
અણગમતા ના રાખું પ્રશ્નો
વાત બધી બસ વ્હાલી વ્હાલી
દિલમાં રાખત એક બગીચો
સુખ વાવી દુ:ખ મૂળમાં ઘાલી
થાત બધુંયે બસ સારું સારું
ના કોઈ ચિંતા, ના કોઈ ગાલી
ઝગડો થાત નહીં બસ ક્યાંયે
ખુદને રાખત હું સંભાલી
થાય મને તો પળ પળ એવું
જિંદગી રહે સદા નિરાલી
એવું કંઈક હું કરું કે ખુદા
લઈ જાય મને જાતે ઝાલી
શર્મિલની આ વાતો સારી
એમાંની નહીં કોઈ ઠાલી
તેમ છતાં પણ મોટું દુ:ખ છે
નથી આ મારી પ્યાલી ખાલી
- સંજય વિ. શાહ ‘શર્મિલ’
(લગભગ સત્તર વરસ પહેલાં મેં આ કવિતા લખી હતી)

