(સંગીતનાટક કૄષ્ણપર્વનું ગીત)
કવિ: સંજય વિ. શાહ ‘શર્મિલ’
તાંદુલની પોટલીમાં હૈયાના ભાવથી,
સુદામા જેવું જો વ્હાલ ભળે તો
ભવભવનો ટળશે ફેરો મોહનની મહેરથી,
સૌને સખા નંદલાલ મળે હો
સૌને સખા નંદલાલ મળે હો…
સાથે ભણ્યા ‘તા બેઉ સાથે રમ્યા ‘તા એ તો,
કાનો સુદામા પાસે દાણા ને દાવ લેતો
જોતો ‘તો સઘળું તોયે કહેતો ન કાંઈ કાનો,
ચૂપકે સુદામા હૈયે ધબકે એ છપનોછાનો
નોખા બે જીવ તોયે જાણે એક આયખું,
બેમાંથી કોણ કોને ના કળે હો?
બેમાંથી કોણ કોને ના કળે હો?…
એક ‘દી સુદામા આવ્યા કાનાને ઘેર વ્હાલા,
મનનું ના માગ્યું એણે તાંદુલનાં હેત ધર્યાં
એમાં તો વ્હાલાએ કરતબ કમાલ કીધી,
ઝૂંપડી સખાની એણે મહેલો મહેલાત કીધી
ઋણને ઉતાર્યું વ્હાલે સાગમટે સાનથી,
આવા સખાથી સંતાપ ટળે હો
આવા સખાથી સંતાપ ટળે હો…
_________


1 comment
egujarati says:
Jul 20, 2009
superb song….