સન્ડે રણકાર – સંજય વિ. શાહ
Published in Mumbai Samachar, Asia’s oldest newspaper
આ મથાળાના ચાર શબ્દો જ્યારે અને જ્યાં બોલાય, ત્યારે બાળપણથી શીખેલી એક વાત યાદ આવી જાય, ‘નહીં કહેતા કહેનાર જેવો સૌને કહેવા થનગનતો બીજો કોઇ નહીં.’ વાતાવાતમાં બોલી પડે, ભૈ માણસ છે, એ કબૂલ. પણ જરૂર નથી ત્યાં સુધી મૂંગો પડ્યો રહે તે ઇન્ટેલિજન્ટ માણસ છે. અને બકબકબકબક કરીને જે પોતાની એવી વાતોના વટાણા વેરી નાખતા હોય, જે વેરવાની જરૂર જ ન હોય, તેઓ પોતાના જ પાકા વેરી છે.
ચૂપ રહેશો જરા, પ્લીઝ? બે ટાઇમ ખા-ખા કરવાની જેમ દિવસમાં, ઓછામાં ઓછી બે નબળી, ચટપટી કરાવતી ક્ષણે પોતાને જ બોલવાની ના-ના કરવાની ફરજ પાડશો કે? મૌનથી ઊંચો મેજિક કોઇ નથી અને બિનજરૂરી બોલવા જેવી ઊંચી લમણાઝીંક કોઇ નથી. શું કામ બોલ્યો, તેવા તીખા સવાલથી બચવાનો ઉપાય એક જ છે, શું કામ બોલવું તેનો પરફેક્ટ આઇક્યુ કેળવવો.
ભાષણવીર નેતાઓની જેમ ગાંધીજી ભાષણવીર હતા કે? યાદ રાખો, જેઓ બબડતા જ રહે છે તેને લોકો જરૂર કરતાં વધારે ઓળખી જ જાય છે. જેઓ વધુ પડતા ઓળખાઇ જાય તેઓ લબડધક્કે લેવાઇ જાય છે. ચૂપકીદીને ચાતુર્ય સાથે બહુ નજદીકી છે. ચાતુર્ય શા માટે, ચૂપકીદીને પોતાનું માધુર્ય પણ છે. રાઇટ મોમેન્ટ પર બોલશો તો બહુ વજન પડશે તમારું. જીવન પણ બ્રાઇટ થશે તમારું. બાકી બોલબોલ કરતા રહેશો તો લોકો કંટાળીને એક દહાડો કહી દેવાના, ‘ઇ તો કિયે હવે…’


