આકાશ આજકાલ મતવાલું થયું છે. ઘડીકમાં એ સાવ સ્વેતલ થઈ જાય છે તો ઘડીકમાં થઈ જાય છે કાળું ડીબાંગ. ગણ્યાગાંઠ્યા ત્રણ-ચાર મહિનામાં એણે ધરતીની આઠ મહિનાની તપસ્યાનું સાટું વાળી દેવાનું છે વરસીને. આ આકાશ અને ધરતી વચ્ચે કોઈ લેખિત કરાર થયા નથી તો પણ કેમ બેઉ આમ યુગોથી મોસમનાં વસ્ત્રો ધારણ કરીને આખી સૃષ્ટિનો કારભાર ચાલતો રાખી રહ્યાં છે? પહેલાં ધરતી વાદળ બનાવે અને પછી આકાશ રાજી રાજી થઈને એ વાદળમાંથી વરસાદ ફગાવે. ડહોળાયેલું પાણી, દેડફાયેલું પાણી, દરિયાનું પાણી અને નાળાનું પાણી, પાણીનું રૂપ કોઈપણ હોય પણ કુદરતનો ખેલ એને વરસાદનું પાણી બનાવીને એક જ રંગમાં ઢાળી દે જેથી સૃષ્ટિ સંચાલનના રંગમાં ભંગ પડે નહીં. કેવી અજાયબ ગોઠવણ છે આ બધી.
આપણેય જો વરસાદની જેમ હોઈએ તો? આપણેય આપણી સૃષ્ટિમાં જળની જેમ રંગ, રૂપ, આકાર અને જડતા વગરના થઈ જઈએ તો? શું છે કે આપણને તો ટેવ પડી મંતવ્યોના કૂવામાં જ ધૂબાકા મારતા રહેવાની. એમાંથી બહાર નીકળવાનું કોઈ કહે તો તરત ડોકું નકારમાં ધૂણાવીને કહી દેવાનું, “ના હોં. મેં તો નક્કી કર્યું એટલે કર્યું.” શું નક્કી કર્યું? અને શું કામ નક્કી કર્યું? નક્કી કર્યા પછી જીવન સુલભ થયું કે અકારું થયું એનો વિચાર પણ નહીં કરવાનો? કાશ્મીર હમણાં ભડકે બળી રહ્યું છે. હમણાં શું કામ, વરસોથી બળી રહ્યું છે. ભારતે નક્કી કર્યું કે કાશ્મીર એનું, પાકિસ્તાને ગધેડી પકડી કે કાશ્મીર અમારું અને કાશ્મીરીઓએ નક્કી કર્યું કે બધાના નક્કી કરવા વચ્ચે અમારે ફૂટબોલની જેમ ફંગોળાવું. સમજણના દુકાળમાં અને તંત છોડવાના નકારમાં બધું કોરુંધાકોર છે અને બધે અંધેર છે. ઓછામાં પૂરું એક ઘા ને બે કટકા કરીને ક્યાં કોઈને વણજોઈતું મૂકી દઈને સાચું પામવું છે?
સાધુ કહે છે કે મારે તો બસ રામ અને એનો પ્રતિસ્પર્ધી કહે છે કે પૂજાય તો ખાલી કૃષ્ણ જ. મુલ્લાજીને મહમ્મદ પયગંબર સિવાય કોઈ દેખાતું નથી અને ઇશુના અનુયાયીઓને ગૉડના માર્કેટિંગ સિવાય કાંઈ ભાવતું નથી. ભગવાન જો સર્વસ્વ હોય તો સખેદ નોંધવું પડે કે ભગવાન પણ આપણે વરસાદ જેવો નિ:સ્વાર્થ અને નિર્ગુણ રાખ્યો નથી. વરસાદનું રૂપ ખરેખર ભગવાન કરતાં વધુ પવિત્ર અને સર્વસ્વીકાર્ય છે. વરસાદ વિશે કોઈ વિખવાદ નથી અને વરસાદ પડે જુદી જુદી કોમના લોકો એવું કહેતા નથી કે આ વરસાદ હિંદુ પાણીનો છે અને આ ખ્રિસ્તી પાણીનો.
વરસાદ પડે તો બસ, ભીજાંવું રહ્યું અને વરસાદને કોઈ નામ નહીં આપવાનું. અને જિંદગીમાં થઈ શકે તો વરસાદ જેવા જ થઈ જવાનું. કો’ક પર મોહીએ તો એવા મોહી પડવાનું કે સામાને ભીંજાવી પોતે તરબતર થઈ જવાનું. ઝરમર હોઈએ કે ધોધમાર, વરસીએ તો સારા ભાવ સાથે વરસવાનું. જળોની જેમ પોતાની વાતને વળગ્યા વિના બસ જળની જેમ સુખસર્જક રહેવાનું. આપણે આવીએ તો સૌ રાજી થાય અને આપણે જઈએ તો સૌ આપણી વિદાયથી અજંપો અનુભવે. આપણા માટે ના કોઈ ખરાબ બોલે કે આપણે ના કોઈનું ખરાબ કરીએ. આપી આપીને એવા અમીર થઈએ કે ખાલીખમ થઈ જવું એ પણ ઉત્સવ થઈ જાય. અને જ્યારે જ્યારે જેને ફરી મળીએ એ કહે કે, “સારું કર્યું લો ફરી પધાર્યા.”
(photo courtesy – http://fc06.deviantart.net/fs28/f/2008/074/2/0/Love_after_Rain_by_Jayantara.jpg)
************


