સન્ડે રણકાર – સંજય વિ. શાહ
પેલી સુપર શાયરી છે, ‘અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે? સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?’ વાહ વાહ કરાવતી કૈલાસ પંડિતની આ વાત સાંભળીને એક જણ બોલ્યું, ‘રિયલી યાર, સંજોગ બરાબર હોત તો…’ મનમાં થયું, તો શું? ભારતરત્નનો ખિતાબ લાવી બતાવત તમે? એક્ચુઅલી, સૌને એમ જ છે કે જેને સંજોગ ફેવરેબલ મળે એની દશા ફળેફૂલે છે. સાવ ખોટું છે. જે તપે છે તે ઝગમગે છે. ભીની ધરતીનેય તડકો ધગાવે પછી દાણો મળે છે. પાનખર વૃક્ષોની વલે કરે પછી જ વસંત મહોરે છે. સંજોગ અવળા હોવાને લીધે જિંદગી અવળી થઈ એવું નથી હોતું, યાર.
વળી આ સંજોગ કઇ બલાનું નામ છે? પુરુષના ચહેરે ઊગતી દાઢી છે એ? જેને ચાહો ત્યારે સટાસટ કરીને સાફ કરી શકાય છે? કે પછી સ્ત્રીના ચહેરે થતો શૃંગાર છે એ? જરાક સામગ્રી વાપરો કે નોર્મલમાંથી એ સુપર બ્યુટિફુલ થઇ જાય છે? સંજોગ વાસ્તવમાં જ કોઇની વિરુદ્ધ હોતા નથી. એને મૂલવવાની વૃત્તિ વાસ્તવિકતાથી વિરોધાભાસી હોઇ શકે છે ખરી. જેને નેગેટિવ જ જોવું હોય તેને સંજોગ કાળાધબ જ દેખાય. પોઝિટિવ રહેવા ધારે તેના માટે ડૂબતાના હાથમાં તરણું જેવી વ્યાખ્યા છે.
આપણે જો ચાલતાં ચાલતાં લથડીએ અને આકાશ લથડતું લાગે તો ભૂલ કોની? આકાશ તો જેમનું તેમ રહે છે. વિચારના જળને તકના પાત્રમાં રેડો તો એ તક ઝડપશે, અને તકલીફના પાત્રમાં રેડો તો તકલીફ વહોરી લેશે. વાંક પાણીનો નથી, પાત્રનો થયો. જાત સાથે કડક થયા વિના ચીન કે સચિન તેંડુલકર બનાતું નથી. કડક થવાનો ચાન્સ એટલે જ દરેક અવળા સંજોગ. પોતાના સંજોગ સામે લડો તો દુનિયા જીતી શકાય. બાકી પછી આ પંક્તિઓ ગાતા રહેવાય, ‘કશું ના હોય ત્યારે અભાવ નડે છે, થોડું હોય ત્યારે ભાવ નડે છે, જીવનનું એક કડવું સત્ય એ છે કે, બધું હોય ત્યારે સ્વભાવ નડે છે.’


