મુંબઈ, તા. ૦૧ ફેબ્રુઆરી: ગુજરાતી ફિલ્મ, સિરિયલ અને રંગભૂમિના વિશ્વવિખ્યાત નિર્માતા, લેખક, દિગ્દર્શક અને કલાકાર બિમલ માંગલિયાનું સોમવારે સવારે નિધન થયું હતું. છેલ્લા થોડા સમયથી તેઓ લંગ્મ્સ કૅન્સરથી પીડાતા હતા. ૬૯ વરસના બિમલભાઈ બેએક મહિના પહેલાં જ દહીંસર રહેવા આવ્યા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને બે દીકરીઓ છે. બિમલભાઈ બ્રિટનના હાઉસ ઑફ કૉમન્સમાં સન્માનિત થનારા પહેલા અને એકમાત્ર ગુજરાતી કલાકાર હતા. એમના કાર્યોની નોંધ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ્સની આગામી આવૄત્તિમાં લેવાય એવી સબળ શક્યતા છે. વિદેશમાં ગુજરાતી રંગભૂમિની આજ સુધીની સૌથી લોકપ્રિય અભિનેત્રી પ્રતીમા ટી. સાથે બિમલભાઈએ અત્યંત સફળ જોડી બનાવી હતી. આ જોડીએ પાછલાં ઘણાં વરસોમાં એકએકથી ચડિયાતાં નાટકો અમેરિકા, યુરૉપ અને અન્ય રાષ્ટ્રોમાં ભજવ્યાં હતાં.
૧૯૭૩માં બિમલભાઈએ એમની કારકીર્દિ શરૂ કરી હતી. લેખક-દિગ્દર્શક તરીકે એમની પહેલી ગુજરાતી ફિલ્મ પર ભવની પ્રીત હતી. કાશ્મીર અને આસપાસના પરિસરમાં શૂટ થનારી એ પહેલી ગુજરાતી ફિલ્મ હતી. રંગભૂમિ સાથેનો બિમલભાઈનો નાતો અત્યંત ગાઢ હતો. પ્રદીર્ઘ કારકીર્દિમાં એમણે સોથી વધુ નાટકોનું લેખન અને દિગ્દર્શન કર્યું હતું. એ ઉપરાંત એમની અન્ય એક સફળ ફિલ્મ શેણી વિજાનંદ હતી. એમના અતિસફળ અને પ્રચલિત નાટકોમાં પારકાં બૈરાં સૌને ગમે, કન્યાદાન, પત્ની સદ્ધર તો પતિ અદ્ધર, વર મારો સૌથી સારો, નણંદ ભોજાઈ, માણસ મહેંકે માટીથી વગેરેનો સમાવેશ થાય છે.
પારકાં બૈરાં સૌને ગમે એટલું સફળ હતું કે દેશ-વિદેશ મળીને આ નાટકના અઢી હજારથી વધુ પ્રયોગ થયા હતા. ભારતની બહાર, અમેરિકા, યુરૉપ, આફ્રિકા સહિત અનેક જગ્યાએ ગુજરાતી નાટકોને પહોંચાડવાનું અને પ્રચલિત કરવાનું શ્રેય બિમલભાઈને જાય છે. પોતાના કાર્યકાળમાં બિમલભાઈએ લગભગ દરેક કલાકાર અને કસબી સાથે કામ કર્યું હતું. એમનાં આ કાર્યો અને એમનું યોગદાન એટલું પ્રભાવશાળી હતું કે બ્રિટન સરકારે પણ એની નોંધ લીધી અને ૨૦૦૫માં હાઉસ ઑફ કૉમન્સમાં એમને આમંત્રિત કરીને એમનું સન્માન કર્યું હતું.
સોમવારે સવારે બિમલભાઈની અંતિમવિધિ બોરીવલી પૂર્વના સ્મશાનગૄહમાં કરવામાં આવી હતી. એમના પરિવારજનો ઉપરાંત રંગભૂમિ, ફિલ્મ અને ટીવી જગતના અનેક લોકો એમને અંતિમ વિદાય આપવા ઉપસ્થિત રહ્યા હતા. એમની પ્રાર્થના સભા ગુરુવારે સાંજે ચારથી છ વાગ્યા દરમિયાન વિલે પાર્લે પશ્ચિમ સ્થિત સન્યાસ આશ્રમમાં રાખવામાં આવી છે.

