(Published in Mumbai Samachar)
-સન્ડે રણકાર – સંજય વિ. શાહ
લોકોને આદત છે, આંગળી આપનારનો પહોંચો ઝાલી લેવાની. અસમંજસ, અવઢવ અને દ્વિધા સૌથી મોટી અણઆવડત છે. જે માણસે આની ગુલામી કરી છે એની સાથે દુનિયા કાયમ બાર્ગેઈનિંગ કરતી જ રહે છે. એટલે જ તો, પોતાને ડિસ્કાઉન્ટ કરશો તો લોકો અને ઘડિયાળનું લોલક, બેઉ તમારી સાથે લોચા કર્યે જ રાખશે.
માણસ ટેલન્ટેડ ન હોય તો ચાલે, કન્ફ્યુઝ્ડ ન હોવો જોઈએ. માણસની આવડત મોડી પુરવાર થાય તો ચાલે, એનો એટિટ્યુડ ફટાક દઈને પુરવાર થઈ જવો જોઈએ. શાહરુખ પણ આમ તો ટીવીનો ઝીણો-નોટ-સો-ઈમ્પોર્ટન્ટ એક્ટર હતો. એણે સુપરસ્ટારડમ પછી મેળવ્યું, પણ પોતાના એટિટ્યુડથી દુનિયાને પહેલેથી કહી દીધું, ‘એક દિવસ એટલો મોટો સ્ટાર બનીશ કે…’
શાહરુખ બનવા માટે સંઘર્ષ કરવો જ પડે છે. પણ સંઘર્ષ કરતાં વધુ ઈમ્પોર્ટન્ટ છે મગજનો તેવર પુરવાર કરવો. મળી જાય એ માણી લેવું એવી ફિલસૂફી સાધુને શોભે. સંસારીએ તો મેળવવું હોય એ મેળવવા માટે મચી જ પડવું પડે. પૂજા કર્યા પછી ગોર મહારાજ બંધ કવરમાં દક્ષિણા લેતા એ દિવસો ગયા. હવે તો એનેય અૅડવાન્સમાં કહેવું પડે છે કે ફી કેટલી મળશે.
એટલે જ તો કહીએ છીએ, બાર્ગેઈનબાજી બંધ કરો. એક પણે આવડતને ચકચકિત કરો, બીજી પણે એટિટ્યુડને અફલાતૂન કરો. તમારા માથે જેવો સ્ટેમ્પ લાગશે તેવું તમારી લાઈફનું પરબીડિયું બનશે. મોંઘા નહીં પણ મૂલ્યવાન તો બનવાનું જ, કેમ કે એના થકી જ શત્રુઓય સલામ કરતા થશે અને કહેશે, ‘આની સાથે ભાવતાલ કરાય જ નહીં’.


