રીડિંગ રૂમ – સંજય વિ. શાહ
Published in Mumbai Samachar, Asia’s oldest newspaper
‘દસેક દિવસ પહેલાં જ હરકિસન મહેતાની નવલકથા વેરનાં વળામણાં વાંચવાની મેં શરૂઆત કરી હતી. એમાં જગ્ગા ડાકુનું પાત્ર, આઝાદી પહેલાં અને પછી, સાથે એનો પત્ની સિવાયની સ્ત્રી વીરો માટેનો સોફ્ટ કોર્નર અને હનુમાન સિંહનું પાત્ર… એ બધાથી હું એવો જકડાયો છું આ નવલકથા સાથે કે ના પૂછો વાત. હવે તો સોએક પાનાં વાચવાનાં બાકી છે. લાગે છે બે-ચાર દિવસમાં તો વળામણાં વચાઈ જશે.’
તારક મહેતા કા ઊલટા ચશ્મા સિરિયલમાં બાઘાનું પાત્ર ભજવતા બહુ જાણીતો થનાર યુવા અભિનેતા તન્મય વેકરિયા એની વાચનની વાત વિશે આવું જણાવીને સરસ મુદ્દો ઉમેરે છે, ‘આટલાં વરસ મેં મોટેભાગે અંગ્રેજી પુસ્તકો જ વાંચ્યાં છે. સિક્રેટ, ધ મોન્ક હૂ સોલ્ડ ઈઝ ફેરારી તો જાણે મોઢે છે. અને શિડની શેલ્ડનની અનેક નવલકથાઓ પણ વાચી છે. ધ અધર સાઈડ ઑફ મિડનાટ, સ્કાય ઈઝ ફોલિંગ… હવે પપ્પાના સૂચનથી ગુજરાતી પુસ્તકો વાચવા માંડ્યો છું. હવે પછી હું રજનીકુમાર પંડ્યાની રોમાંચરેખા વાચીશ. અને પછી વળી પપ્પાને પૂછીશ, વ્હોટ નેકસ્ટ?’
અભિનયની વ્યસ્તતા વચ્ચે જે નવરાશ મળે એનો તન્મય વાચવા માટે સદુપયોગ કરે છે, ‘વચ્ચે વાચવાનું ઓછું થયું ત્યારે એમ લાગતું હતું જાણે જીવનમાં કશુંક ખૂટે છે. ફરી વાચતો થયો છું ત્યારથી કોઈક ગજબની તાજગી સતત અનુભવાતી રહે છે. વાચન માટે તો કહીશ કે જૈસી જિસકી સોચ, લેકિન કુછ તો પઢના હી ચાહિયે રોજેરોજ!’


