[Published in Mumbai Samachar]

ચટાકેદાર વડાપાંઉ

ખાણીપીણી – અક્ષાંશ કુમાર

આ નંદકિશોર પુરવના હાથમાં કોઈક જાદુ ચોક્કસ છે. પચ્ચીસ વરસ પહેલાં એણે લોકોને ટિપિકલ મુંબૈયા નાસ્તો કરાવવાનું બીડું ઝડપીને રેંકડી શરૂ કરી. વેચવાનું શું તો કહે શહેરનાં ઓલ ટાઈમ ફેવરિટ વડાપાંઉ, સમોસાં અને જાતજાતનાં ભજિયાં.

આજે એની આ આઈટમ્સ આખું ચેમ્બુર મસ્તીથી ખાય છે. એમાંય પોસ્ટ ઓફિસ નજીકના ગાંવઠણ એરિયામાં જાવ અને કોઈકને પૂછો કે અલા ભ’ઈ, આંય સારાં વડાપાંઉ ક્યાં મળે, તો બધાની આંગળી એક જ દિશાએ દોરી જશે, નંદુની ગાડી તરફ.

‘‘સાંજે ચાર વાગ્યાથી હું વેપલો શરૂ કરું અને રાતના સાડાનવ વાગ્યા સુધી ચલાવું. ભાગ્યે જ એવું થાય કે મારો માલ ગરમાગરમ હોય ત્યારે ખપી જ જાય. એમાંય, પાસેની સેન્ટ એન્થની સ્કૂલના વિદ્યાર્થીઓ જેમણે બાળપણમાં મારે ત્યાં ટેસથી નાસ્તો કર્યો હોય અને હવે વિદેશ વસતા હોય, તેઓ અહીં આવે ત્યારે અચૂક નાસ્તો કરે.’’

નંદુનાં વડાપાંઉની ખાસિયત એના માવામાં છે. લસણ, આદુ, બટેટા, જીરું અને ગરમ મસાલો માવાને મસ્તીનો સ્વાદ આપે છે. એમાં વળી લીલી અને સૂકી ચટણીનું કોમ્બિનેશન વડાપાંઉ ખાવાની ખુશી વધારે છે. તેવી જ રીતે મગ અને અડદનાં ભજિયાં અને સમોસાં પણ સુપર સ્વાદિષ્ટ.

સામાન્ય માણસ તો ઠીક, મલાઈકા અરોરા ખાન અને શિલ્પા શેટ્ટી જેવી સ્ટાર્સે પણ નંદુનાં વડાપાંઉ બહુ ખાધાં છે. બેઉનું બાળપણ અહીં વીત્યું છે. મલાઈકા તો વળી આવીને પાર્સલ પણ લઈ ગઈ છે અને શિલ્પાએ આ વડાપાંઉનો સ્વાદ શાહરુખનેય ચખાડ્યો છે. તમે કયારે ચાખશો નંદુના વડાપાંઉ?

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel