સન્ડે રણકાર – સંજય વિ. શાહ
દુનિયામાં ત્રણ ટાઈપના માણસ હોય છે- સફળ, નિષ્ફળ અને ડફર. સફળ માણસો ચર્ચા કરતા નથી, એક્શન લે છે. નિષ્ફળ માણસો એક્શન લીધા કરે છે, પણ આયોજન કરતા નથી. સૌથી ખરાબ છે ડફર માણસો. પોતાને નહીં મળેલી સફળતાની ચર્ચા તેઓ કરે છે અને નિષ્ફળતાને બદલી નાખવા માટે ક્યારેય આયોજન કરતા નથી. ધરાર કરતા નથી.
દુનિયાના દરેક ફિલ્ડમાં એકસરખી હાલત છે. ખરેખર વિચારનારા કરી બતાવનારા કે કરાતા, નહીં કરાતા દરેક કામ પાછળનું પરફેક્ટ કારણ જાણતા અને જણાવી પણ શકતા હોય છે. બાકીના બધા દલીલબાજો હોય છે. ગામને પાદરે, શહેરમાં નાકે અને ચાવાળાના ગલ્લે આ લોકો સુપર હિટ હોય છે. તેઓ બધું કરવા સમર્થ હોય છે, પણ પોતાનું ખરું સામર્થ્ય સમજવામાં જ સૌથી નબળા હોય છે.
સબળા થવા માટે જીભનો ઉપયોગ ઓછો કરવાનો હોય. ખાસ કરીને બડાશ હાંકવા માટે કે અજાણ્યાઓ સામે. જે કરતબગાર છે તેને કદરદાન મળી જ રહે છે. એ આત્મવિશ્વાસ તમારા આચરણથી જ જગત સુધી પહોંચે છે. જેઓ કરી શકે છે તેઓએ બતાવવાની જરૂર નથી. કાયમ બીજાને આંખો ફાડીને જોતું આ જગત સુપીરિયર ટેલન્ટને જાતે જ પારખી લે છે. એના પછી દોડવા માટે ઢાળ પણ સામેથી મળી જાય છે. અને ટોચ સુધી પહોંચવા માટે ટેકરી પણ જડી જાય છે.
એ કેટેગરીની જાળમાં ફસાવું ન હોય તો ફ્રીડમ પડાવી લો. પોતાની ભૂલભરેલી માન્યતાઓથી, દલીલોથી, ભૂતકાળની સિદ્ધિઓથી અને વર્તમાન સંજોગોથી. ભગવાન પ્રકાશ રોજ વેરે છે પણ એક જ સૂર્ય થકી. મહત્ત્વાકાંક્ષાના વિશ્વને પ્રકાશિત કરવા માટે પણ એક જ સૂર્ય પર્યાપ્ત છે. સાચા ફોકસનો, ફોગટની વાતોથી મુક્તિનો અને વિચારવાની નિષ્પક્ષ આદતનો એ સૂર્ય, હે ભગવાન, તમારી લાઈફમાં પણ ઝળહળજો.



