(Published in Mumbai Samachar)
સન્ડે રણકાર – સંજય વિ. શાહ
જોન ગાર્ડનરનું એક અદ્ભુત વાક્ય છે ‘કંપનીમાં મહત્ત્વના કર્મચારીઓની નિમણૂક કરતી વખતે માત્ર બે ક્વોલિટીઝ જોવી – જજમેન્ટ અને ટેસ્ટ. આ બે સિવાયનું લગભગ બધું જ ખરીદી શકાય છે.’ વાત ભલે નોકરી, નિમણૂક અને કંપનીની છે, પણ આ રૂલ લાઈફની બધી વાતમાં પરફેકટલી લાગુ પડે છે. જજમેન્ટ અને ટેસ્ટ, આ બે ગુણથી કોઈનીયે પર્સનાલિટી કેટલા પાણીમાં છે તેનો પટ પટ આઇડિયા મળી જાય છે.
ડુક્કરને બેસવા માટે ગટર કે ઉકરડો જ ફાવે. અન-ટેસ્ટફુલ માણસ અને યોગ્ય નિર્ણય નહીં લઈ શકતો માણસ દરેક રૂપમાં માથે વાગે જ વાગે. ટેસ્ટ ઊંચો તો માણસ બેસ્ટ. ઘણા ગરીબોનાં ઘર સોજ્જાં અને પૈસાદારોનાં ઘર પથારાથી અસ્તવ્યસ્ત હોય એનું કારણ ટેસ્ટ નહીં તો શું? કેટલાય જણ ત્રણ જોડ કપડાંમાં રોજેરોજ એવા સુઘડ થઈને નીકળે કે જોનારને થાય, ‘આના ઘેર વોર્ડરોબ છે કે કપડાંનો શોરૂમ?’ ઘણાને દેવનું દીધું બધું મળ્યું હોવા છતાં પેન્ટ-શર્ટની પરફેક્ટ જોડ બનાવવાનીયે ગતાગમ ન હોય અને નિર્ણયની વાત આવે તો એવી કઈ વાત છે લાઈફમાં જ્યાં નિર્ણયશક્તિ ઈમ્પોર્ટન્ટ નથી? પેન્ટ-શર્ટના સિલેક્શનમાં છે તો નિર્ણયશક્તિ જ મહત્ત્વની.
સર્કલ એવું રાખો જેમાં આ બે મુદ્દે ઉત્તમ માણસોનો સાથ મળે. તમે ભૂલો તો એ વારે અને એ ભૂલે તો તમે વારો. ઝરમર વરસાદમાંય દસ મિનિટ નીકળી પડો તો આખેઆખા ભીંજાઈ જવાય. સારા જજમેન્ટ અને ટેસ્ટવાળા થોડા જ લોકોની સંગત રાખો તો આખી જિંદગી સુખેથી જીવી જવાય. શો નિર્ણય છે તમારો?


