ખાણીપીણી -અક્ષાંશ કુમાર

Shiv VadaPav at Kalidas Hall, Mulund

ઉકળતા તેલવાળા તવામાંથી ફાસ્ટ ફૂડની ઘણી આઈટમ નીકળે. મુલુંડ પશ્ચિમના કાલિદાસ હોલની સામે શિવ વડા પાંઉ નામનો સ્ટોલ છે. અજાણ્યાને તો એ નવાઈ પણ પમાડી શકે કે અહીં વળી આટલી બધી ગિરદી શા માટે રહે છે. જાણીતા માણસ કહેશે, ‘આ તો કાયમનું છે. આ સ્ટોલ પર વડા પાંઉ જ નહીં, સમોસાં, દાળ વડા અને ખાસ તો ભજિયાંની મસ્ત વરાઈટનો સ્વાદ જ અલગ છે.’

વહેલી સવારથી રાતના સાડાદસ સુધી અહીં ભીડ જ ભીડ રહે છે. એનો પ્લસ પોઈન્ટ એ છે કે વડાં, સમોસાં, કે ભજિયાં તવામાંથી નીકળે અને ગ્રાહકને ગરમાગરમ મળે. શેખર અને વિજય પવારના આ સ્ટોલ પર આમ પણ દરેક વસ્તુ ચટાકેદાર, એમાં વળી એ હોટ એન્ડ ફ્રેશ પીરસાય તેથી મજા પડી જાય.

શેખર કહે છે, ‘સામે જ કાલિદાસ હોલ હોવાથી અમારે ત્યાં ગુજરાતી-મરાઠી નાટકોના કલાકારોય મોટી સંખ્યામાં આવતા રહે છે. પાછું મુલુંડમાં ગુજરાતીઓની બહોળી વસતિ હોવાથી અમારા ગ્રાહકોમાં ગુજરાતીઓનું પ્રમાણ પણ વિશેષ છે.’ તેવી જ રીતે સ્થાનિક કોર્પોરેટર પણ શિવ વડા પાંઉ સ્ટોલના નિયમિત ગ્રાહક. શેખર ઉમેરે છે, ‘અચ્છે લોગ ખાને કે લિયે આતે હૈ તો ચીજ ભી અચ્છી દેની પડતી હૈ.’

વડાં-સમોસાં ઉપરાંત અહીં ગોટાભજી, કાંદા-બટેટાં-મરચાંનાં ભજિયાં, દાળ વડા વગેરેય ચપોચપ ખપે છે. એમાંય ભજિયાં પાંઉ અને મરચાંનાં ભજિયાં અહીંની વખણાતી આઈટમ્સ છે.

આ જગ્યા ત્રણેક વરસમાં અતિશય પોપ્યુલર થવાનાં અમુક દેખીતાં કારણ છે. એક તો સાતેક રૂપિયાથી શરૂ થતી વડા પાંઉ જેવી વસ્તુ સૌને કિફાયતી લાગે જ. વળી બેઉ પવારબંધુઓનો સ્વભાવ ગ્રાહકલક્ષી અને સફાઈના પણ તેઓ આગ્રહી. સાથે વસ્તુઓનો ટેસ્ટ એવો સમતોલ કે તીખું તમતમતું કે મિડિયમ ખાનારને પણ એનો સ્વાદ પરફેક્ટ લાગે.

છોગામાં એનું લોકેશન એવું જ્યાં માણસો મોટી સંખ્યામાં આવ્યા જ કરે. એ બધા સાથે વસ્તુ ગરમાગરમ પીરસાય એ વિશેષતા ઉમેરો એટલે કહેવું જ પડે, શિવ વડા પાંઉ જોરદાર છે.

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel