-કલ્પના જોશી
નકારાત્મક અભિગમ પંક્ચર પડેલા ટાયર જેવો હોય છે. જ્યાં સુધી એને બદલો નહીં ત્યાં સુધી તમે ક્યાંય પહોંચી શકતા નથી. – અજ્ઞાત
એક એવી વ્યક્તિ છે જે કાયમ એના મિત્રવર્તુળમાં કહેતી ફરે કે મારે લાયક કોઈક કામકાજ હોય તો કહેજો. પણ જેવું કોઈક એને બે પૈસા કમાવાની તક જેવું કામ આપે કે પેલાની ફરિયાદો શરૂ થઈ જાય, ‘‘આ તો બહુ ટાઈમ માગી લેનારું કામ છે. આમાં પૈસા ઓછા છે. આટલું કામ કરવા માટે મારી પાસે ફુરસદ નથી.’’ કેટલી ખોટી ખામી ગણાય. એક એવી વ્યક્તિ પણ છે જે એની સોસાયટીના સેક્રેટરી સામે વારંવાર ફરિયાદ કરતી પહોંચી જાય. સીડીની ભીંત પર ગરોળી દેખાય તો ફરિયાદ, પોતાના ઘરમાં કોઈક પાર્ટી કરે તો ફરિયાદ. માણવા માટે મળેલા જીવનમાં, પોતાની અનુકૂળતા વિરુદ્ધનું કોઈપણ કૃત્ય થતું તેમને પાલવે નહીં. તેમનું ચાલે તો સૂરજનેય સ્ટેબિલાઈઝર લગાડીને એના તાપને ઓછોવત્તો કરવા ધસી જાય, અને વરસાદને અમુકતમુક જગ્યાએ વરસતો બંધ કરી નાખે. છોડો છોડો, આવો અભિગમ, આવી જડતા અને બધું મારી ઈચ્છા મુજબ થાય તેવા અભરખા, આજથી કાયમ માટે આઉટ. દુનિયામાં બધું ત્યારે જ સરસ સરસ લાગશે જ્યારે પોતે સરસ સરસ રહેશે.


