-કલ્પના જોશી

Happy New Year

નવું વરસ આવી ગયું. છેલ્લાં બે દિવસ લોકોએ એકમેકને ઢગલાબંધ શુભેચ્છાઓ આપી. સૌ જાણે હંગામી ધોરણે બધી તકલીફો ભૂલી ગયા. નવું વરસ એટલે નવી આશાઓ, નવો ઉત્સાહ અને પોતે સુખી થવા સાથે બીજાને સુખી કરવાનો પ્રસંગ. પછી સવાર પાછળ સવાર અને રાત પાછળ રાતનો નિરંતર ક્રમ શરૂ થઈ જાય. જીવનની ઘટમાળ એનું કામ કરવા માંડે. દિનચર્યા એટલી સાધારણ થઈ જાય જાણે નવા દિવસની કોઈ મહત્તા નથી. પણ ત્રણસો પાંસઠ દિવસે વરસ બદલાય એની ઉજવણી કરતાં ચોવીસ કલાકે દિવસ બદલાય તેની ઉજવણી વધુ થવી જોઈએ. સમયની ક્ષણભંગુરતા અને કાયમ પરિવર્તનના મહાગુણને સ્પષ્ટ કરવા જ તો દિવસ બન્યો છે. આજે, અત્યારે, આ ક્ષણે જેને નવું વરસ લાગે, નવો દિવસ ગમે અને પેલી ઉજવણીનો ઉત્સાહ જેનામાં છલકતો જ રહે એ સૌથી સુખી છે. કોઈપણ ક્ષણને અમસ્તી પસાર કરવાની જેને ટેવ નથી એ સુખી છે. જે બીજાને પણ સુખી કરે છે એ સુખી છે. જેને આશાવાદી બનવા નિમિત્તની જરૂર પડતી નથી એ સુખી છે. એવા પ્રબળ સુખસર્જક બનવાની મજા અનોખી છે. એ મજા આજથી માણવાની છે. સૂર્યોદય સાથે સુખની શરૂઆત અને નિદ્રા સાથે નિરાંતની સુવાસ, આટલું તો રોજ મેળવવાનું છે. એમાં ક્યાંય બાંધછોડ નહીં કે કંટાળો નહીં. એનું જ નામ રોજ નવું વરસ છે.

VN:F [1.9.10_1130]
Rating: 10.0/10 (1 vote cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
નવું વરસ એટલે નવી આશાઓ, નવો ઉત્સાહ , 10.0 out of 10 based on 1 rating
Related Posts with Thumbnailspixelstats trackingpixel