સન્ડે રણકાર – સંજય વિ. શાહ
સિડની શેલ્ડન આ લખનારના એક ફેવરિટ લેખક. દુનિયા માટે નોવેલિસ્ટ અને એક જમાનાના ઓસ્કર એવૉર્ડ વિનર ફિલ્મ રાઈટર. લવરમૂછિયા હતા ત્યારે તેમણે આત્મહત્યા કરવાનો સ્ટુપિડ વિચાર કર્યો હતો. પિતાને ખબર પડતાં દીકરાને તેમણે રોક્યો નહીં, પ્રેમથી પણ રોકડું સમજાવ્યું, જીવીશ તો લાઈફની વાર્તામાં અણધાર્યું તોય મનગમતું પાનું ઉમેરાશે.
યસ, એકદમ હિમાલયછાપ સત્ય છે આ. એમાં સુફિયાણી સ્ટાઈલનો આશાવાદ જુઓ તો રોન્ગ, સમજદાર સ્ટાઈલનો કોન્ફિડન્સ જુઓ તો તો ગ્રેટ. આ કોન્ફિડન્સ જ કરેક્ટ લાઈફનું હોકાયંત્ર છે અને યાદ રાખજો, ક્યારેય કોઈ બાબત પૂર્ણપણે ગમે એટલી અદ્ભુત હોતી નથી. સોસાયટીમાં સો ફ્લેટ હોય તો પણ જેને પાડોશી ગણાય તેવા બે-ચાર જ હોય. ફિલ્મ આખી જોવાય પણ ગમે તો એક-બે ગીત અને દશ્યો. નવલકથા રસથી વાંચીનેય મગજ પર ઘર તો એક જ પાત્ર કરે. એ જવા દો, શ્રીનાથજી જઈનેય આખેઆખા ભગવાનના આંખ ભરીને દર્શન કરવાથીયે વધુ આનંદ તો મુખારવિંદમાં ખોવાઈને સાનભાન ભૂલી જવામાં જ.
સુખની, સંતોષની રાબનો સ્વાદ માણવો છે? તો ખરાબ સમયને સહન કરી નાખો. એનાથીયે આગળ કહીએ તો એન્જોય કરી નાખો. ક્યોં કિ હર એક અપ્સ એન્ડ ડાઉન્સ ઈમ્પોર્ટન્ટ હોતા હૈ. જય-વીરુ કે સાથ ગબ્બર હો તો શોલે પિક્ચર બનતા હૈ. ઝીરો નિરાશાવાદ જ સર્વોચ્ચ આશાવાદના શ્રી ગણેશાય નમઃ છે. અત્યાર સુધી થયું એ તેલ પીવા ગયું, હવે પછી શું? આ સુપરડુપર, શક્યતાના સાત સમંદર પોતાનામાં સમાવતા સવાલમાં ચાલો ડૂબી જ જાઓ. ઘરમાં ઝાડુ વાળીને ધૂળ ગઈ તો મનમાં ઝાડુ ફરે તો ચિંતા અને શૂળ જાય. પછી તો પાકું જ થઈ જાય કે નવી ગિલ્લી નવા દાવની જેમ દુનિયાને કહેવાઈ જ જાય, ‘એય બોસ, હજી એક ગેમ થઈ જાય’ કેમ કે, પિક્ચર અભી બાકી હૈ દોસ્ત… સમજા ક્યા?


