રીડિંગ રૂમ
- સંજય વિ. શાહ
(Published in Mumbai Samachar, Asia’s oldest newspaper)
‘‘મૂળે તો મને વાંચવાનો શોખ નહોતો. પછી સાહિત્યશોખીનોના સમાગમમાં આવવાથી વાચવાની પ્રેરણા મળી. કલાકાર તરીકે મારે લખેલા શબ્દોને જ પાત્રમાં ઢાળવાના હોય. વાચવાનો શોખ વિકસતો ગયો તેમ એના લાભ, વાંચનથી પાત્રને નિખારવામાં મળતી આડકતરી સહાય, બધાથી સુપરિચિત થતો ગયો.’’ ગુજરાતી રંગભૂમિ અને ટેલિવિઝનની ગુલાલ સિરિયલમાં ઝળકતો યુવાન અભિનેતા સચીન પરીખ કહે છે.
આજ કાલ એ એના શ્વસુર ડો. અશ્વિન વસાવડા લિખિત તર્પણ નામનું પુસ્તક વાંચે છે. તર્પણ વિશે એ કહે છે, ‘‘ચાલીસેક નાની વાર્તાઓનો સંપુટ તર્પણ ઘણી અદ્દભુત વાતો સામે લાવે છે. આમાં જ ગોડફાધર નામની વાર્તા પણ છે. એમાં સરવાણી નામની એવી યુવતીની વાત છે જેને ખ્યાલ નથી કે એને ઉછેરનાર લાગણીશીલ વ્યક્તિ એના સગા પિતા નથી. તર્પણની વાર્તાઓ ઈન્ટરનેટ અને પ્રકાશનોમાં પણ ઘણી જગ્યાએ છપાઈ છે. આમાંની વાર્તાઓને ઘણાં ઈનામ પણ મળ્યાં છે.’’
ક્યારેક સળંગ બે-ચાર દિવસમાં તો ક્યારેક કટકે કટકે સચીન પુસ્તકને ન્યાય આપે છે, ‘‘ગુજરાતી પુસ્તકો ઉપરાંત એલ્કેમિસ્ટ, કાઈટરનર જેવાં ઈંગ્લિશ પુસ્તકો અને અખબારોમાં આવતી પ્રેરણાદાયી વાતો વાંચવી પણ ખૂબ ગમે મને. સુરેશ દલાલનાં ઝલક પુસ્તકોની સિરિઝ તો વારંવાર વાચું. એમાં ચરિત્ર ઘડતર, માનસ પરિવર્તન, પ્રમાણિકતા વગેરેની વાતો વાંચીને ખૂબ જ પ્રેરિત થાઉં છું.’’ અને વાંચવાની આદત વિશેની સૌથી રસપ્રદ વાત જણાવતાં એ કહે છે, ‘‘પુસ્તક વાંચ્યા પછી ઘણીવાર એનાં નામ જ ભૂલી જવાય છે મારાથી!’’


