સન્ડે રણકાર – સંજય વિ. શાહ
સીધી-સરળ વાત છે. જે કામ હૈયાથી થાય છે, તેના પર દુનિયા ઓવારી જાય છે. એ કામ થવું જોઈએ પૂરી પ્યોરિટી સાથે. પારકા સૂચન, મંતવ્ય કે રિએકશનના કરપ્શન વિના. દુનિયાને આપણું કામ કેવું લાગશે એની ચિંતા કોણે કરવાની? આપણે કે દુનિયાએ?
બાથરૂમમાં ગાતો ગૌરવ કે લગ્નમાં ફટાણાંના ફટાકડા ફોડતી ફાલ્ગુનીભાભી, બેઉમાં કોમન વાત એક જ છે. બેઉ પોતાની મસ્તી માટે, નિજાનંદ માટે ગળાને દિલથી ફાડી નાખે છે. સાંભળનારને કેટલો આનંદ મળે છે એની ચિંતા શી કરવાની? શાહજહાંએ પોતાના પ્રેમ માટે તાજમહેલ બાંધ્યો, એને મોન્યુમેન્ટ તરીકે દુનિયા નવાજે તેના માટે નહીં. જિંદગી પારકા ગણિતથી ચાલે તો નકરો લોચો થાય. માર્ક ટ્વેઈન ચોખ્ખું કહે છે, ‘સફળ થવા માટે બે ચીજ જોઈએ, ઈગ્નોરન્સ અર્થાત્ અજાણપણું અને કોન્ફીડન્સ અર્થાત્ આત્મવિશ્વાસ. જેઓ ઉતારી પાડે છે, ધરાર સુધારવાને નામે તમને બદલી નાખવાને, એમને આઉટ કરી નાખો. એલેનોર રૂઝવેલ્ટનો મત છે, ‘તમારી સંમતિ વિના કોઈ તમને હલકું સાબિત કરી શકતું નથી.’
વજનદાર અર્થાત્ બેસ્ટ થવા માટે પોતાની રીતે, પોતાના વાસ્તે, પોતાના દમ પર ચાલવાની પ્રૅક્ટિસ પાડો. એક દિવસમાં એવાં આઠ-દસ કામ તો સૌ કરે જ છે, જેમાં એ કોઈ કરપ્શનને પ્રવેશવાની પરવાનગી આપતા જ નથી. પછી વરસો વીતે કે દિવસો વીતે. વ્યક્તિ જેમ અંગત મિજાજ મુજબ નહાય છે, ભાવે તે ખાય છે, ડાબે કે જમણે પડખે ગાદલે પટકાય છે અને ઊંઘમાં નેચરલ નસકોરાંની ધડબડાટી બોલાવ્યે જાય છે, તેમાં કરપ્શનને અવકાશ જ નથી. આવા જ જક્કીપણા સાથે બધે બધાં કામ કેમ ન થાય? બેશક થાય, બુદ્ધિ જો સમજી જાય કે ખપ નથી એ બધી વાત માટે, દુનિયા તેલ પીવા જાય. જરૂર છે ત્યાં સૌનું સાંભળો, નથી ત્યાં જિગરને બોલવા દો. એના કહ્યા મુજબ વર્તો, પછી જુઓ. યુ વિલ બી અ વિનર.


