- કલ્પના જોશી
બે જુદાં જુદાં ઘરની વાત છે. બેઉ ઘરમાં એક જ દિવસે નવું રેફ્રિજરેટર વસાવવામાં આવ્યું. એક જ સરખું. દસ-બાર મહિના પછીની વાત. એક ઘરમાં રેફ્રિજરેટર આજે પણ એટલું જ નવું લાગતું હતું જેવું ખરીદયું ત્યારે હતું. ઘરના લોકો પોતાની વસ્તુની કેવી કાળજી લેતા હશે તેનો ખ્યાલ એના પરથી આવતો હતો. બીજા ઘરમાં રેફ્રિજરેટર ખૂબ ટળી ગયું હતું. એની હાલત જોઈને કોઈક વિચારે કે આ પાંચ-સાત વરસ જૂનું હશે. પૈસા ખર્ચીને લીધેલું વસ્તુ વિશેની બેદરદારી જાણે એ ઘરમાં છલકતી હતી. બેશક, આટલું વાચીને કોઈ વિચારેય ખરું કે પહેલા ઘર જેવું જ આપણે વર્તવું અને જીવવું જોઈએ. સારો વિચાર છે, પણ એની અમલબજવણી કોણ કરશે? દરવાજો અને બારીઓ ઉઘાડી હોય તો ખબર ના પડે તેમ ધૂળ તો ઊડતી ઘરમાં આવે જ. વસ્તુની કાળજી લેવામાં ઘરની વ્યક્તિઓ બીજા પર જવાબદારી ઢોળે તો વસ્તુઓ બગડવાની જ. જેઓ વસ્તુ સાચવતા નથી તેઓ વ્યક્તિ સાચવવામાં પણ નબળા ઠરતા હોય છે. તેઓ પ્રગતિ સાધવામાં, સાચા નિર્ણય લેવામાં, આયોજન કરવામાં પણ મોળા પડવાના જ. બધું એકબીજા સાથે ગાઢપણે સંકળાયેલું છે એ કોણ જાણતું નથી? જાણવા છતાં સૌ એના પર અમલ કરતા નથી. આપણે અમલ કરવો છે?


