Movie Review: Mallika બે કલાકનું નિર્મમ ખૂન: મલ્લિકા



મલ્લિકામાં શીના નય્યર * Sheena Nayyar in MALLIKA


બૅનરઃ પરસૅપ્ટ પિક્ચર કંપની, ગ્લૉરિયસ, પીપીસી હૉરરટેઇનમેન્ટ

દિગ્દર્શકઃ વિલ્સન લુઇસ

કલાકારો: શીના નય્યર, સમીર દત્તાણી, હિમાંશુ મલિક, પૂજા બલુટિયા, સુરેશ મેનન

રૅટિંગઃ ૧/૨

સંજય વિ. શાહ

એક તો આખી ફિલ્મ જોવાની. પછી એની વાર્તા શી હતી એ જોવા માટે ફિલ્મની વૅબસાઇટ પણ જોવાની! કમાલ છે! મલ્લિકા નામને જ કદાચ વરદાન છે.

વિલ્સન લુઇસ ડિરેક્ટેડ મલ્લિકા એટલે પ્રશ્નાર્થ ચિહનોનું ચીડિયાઘર. આ વિલ્સન લુઇસ કોણ છે એ પણ ઇન્ટરનેટ પર જોવાનું. અમે જોયું. માસ કમ્યુનિકેશન કરનાર વિલ્સને હો સકતા હૈ, મુસ્લિમ – બટ નૉટ અ ટૅરરિસ્ટ, જેવી ફિલ્મો (મૂળે ફેસ્ટિવલની) બનાવી છે. મલ્લિકાને લઈને એ માસ અર્થાત સામાન્ય દર્શકોની દુનિયામાં પધાર્યા છે. શાને પણ?

મલ્લિકાનું એક દ્રશ્ય * A Still from MALLIKA


સંજનાને (શીના નય્યર) ગેબી શક્તિ પ્રાપ્ત છે. એ જ્યાં રહે એ જગ્યાનો ભૂતકાળ એને દેખાય. એવું મલ્લિકાધફિલ્મડૉટકોમ વેબસાઇટ પર વાચ્યું. ફિલ્મમાં નહીં દેખાયું બરાબર એટલે. પોતાની આ ગેબી શક્તિથી એની જિંદગી હેરાન છે. વૅબસાઇટ પર વાચ્યું. કંટાળીને એ છુટકારો મેળવવા વેકેશન પર જાય છે (એ ફિલ્મમાં દેખાયું) ખેજારતા કિલ્લા પર. રસ્તામાં એને સાહિલ (સમીર દત્તાણી) ભટકાય છે. એય ફિલ્મમાં દેખાયું, ખોટું નહીં બોલું. બેઉ ખેજારતા પહોંચે છે. પછી ખૂનાખૂની, લાશાલાશી, લોહાલોહી, બાથાબાથી (એટલે બધી હિરોઇનોનું એક પછી એક બાથટબમાં પડીને ટુ-પીસમાં નહાવું), ચીસાચીસી, લોચાલોચી, ફેંકાફેંકી… કાયકો દેખી, મલ્લિકા? :(

મલ્લિકાનું એક પાણીદાર દ્રશ્ય * Another still from MALLIKA


પચ્ચીસ ટકા ડાયલોગ અને પંચોતેર ટકા મૌનવ્રત સાથે ફિલ્માવાયેલી મલ્લિકાને સપ્ટેમ્બર સુધીમાં આવેલી સૌથી બંડલ ફિલ્મનો એવોર્ડ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે એનાયત કરી દઈએ. તોસ્તાન ખર્ચ પછી ફિલ્મ આટલી મોળી, અસ્પષ્ટ અને બિનઅસરકારક બને એ નવાઈ જ. નિર્માતાઓ છતાં કેવા મુસ્તાક કે મલ્લિકાના પ્રમોશનમાં કરોડો રૂપિયાનું ખૂન કરી નાખ્યું. સ્પેશિયલ ઇફૅક્ટ્સ અને અચાનક આવતી ચીસોથી દર્શકો ડરી જશે એવું એમણે ધાર્યું હશે? કે સુરેશ મેનનનો ધડમાથા વિનાનો, નાના પાટેકરના અવાજમાં બોલતા ઇન્સપેક્ટર ગિરપડેનો ટ્રેક ગલીપચી કરાવશે એવું એમણે માન્યું હશે?

મલ્લિકામાં શીના નય્યર * Sheena Nayyar in MALLIKA


બધાં એક્ટર્સ, શીના હોય કે સમીર, સુરેશ હોય કે હિમાંશુ… પૂરેપૂરી નિષ્ઠા અને ઇમાનદારી સાથે ફિલ્મની વાર્તા અને એના દિગ્દર્શનની બધી કન્ફ્યુઝનને નિભાવી જાય છે. થમ્બ્સ ડાઉન ટુ ધૅમ ઑલ. ગીત, સંગીત પણ એટલું જ આઉટ ઑફ પ્લૅસ. સિનેમેટોગ્રાફી એની જગ્યાએ ઠીકઠાક પણ અર્થ શો? એડિટિંગ થકી પ્રવાહ સર્જાયો છે કે થીગડાં મરાયાં છે, રિયલી ખબર નથી. વિલ્સન માટે એટલું જ કહીશું: બૅટર લક નૅક્સ્ટ ટાઇમ. પણ મલ્લિકા માટે ચોખ્ખુંચટ કહી દેવું પડે: જિંદગીના કીમતી બે કલાકનું ખૂન કરવું પોસાય તો… વૅલ, જાવ, મલ્લિકા રાહ જુએ છે.

(વી આર ફેમિલીનો રિવ્યુ રવિવારે દિવસ ઉઘડતા મુંબઈ સમાચારમાં વાચો અને પછી આ જગ્યાએ)

(Read We Are Family review in MUMBAI SAMACHAR on Sunday and then at this place)

ગમ્યું… તો સૌને જણાવો!! SocialTwist Tell-a-Friend

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel