-સન્ડે રણકાર – સંજય વિ. શાહ
Published in Mumbai Samachar, Asia’s oldest newspaper
માણસ ક્યારે હારી જતો હોય છે? મોટા ભાગે એ લાસ્ટ પોઈન્ટ પાસે જ, જ્યાંથી એના જીતવાની શરૂઆત થઈ શકી હોત. ટોમ લેન્ડ્રીએ કહ્યું છે, ‘વિજેતા ક્યારેય પ્રયત્ન છોડતો નથી.’ પ્રોબ્લેમ એય છે કે વિજેતા થવાનો બધો મસાલો ધરાવનારના માઈન્ડને પણ કરપ્ટ અર્થાત ભ્રષ્ટ કરી નાખતા બે વિલન અત્રતત્રસર્વત્ર હાજર છેઃ એક તો શિખામણના નામે ડહાપણ ડહોળતા દોઢડાહ્યા વેલવિશર્સ અને બે, દમ તોડી નાખે તેવા સંજોગ.
એ લોકો જેઓ સત્તરસો ને સાઠ વાર ફેઈલ થયા હોય છે તેમનેય બીજાને ફૂલગુલાબી ટિપ્સ આપવી બહુ ગમતી હોય છે. એની ઉપર ટોપિંગ કરી દો ભૂતકાળની નિષ્ફળતાનું.
માણસના ભવિષ્યનો મોટો મદાર એને ભૂતકાળથી લાગતા ભય, અને ભયની વર્તમાન પર થતી
અસરથી છે. ધરતીકંપ અને સુનામી આવ્યા પછી જાપાન બેઠું થાય, કકડભૂસ થયેલું કચ્છ ફરી ધમધમતું થાય, પણ જેની છાતી ગઈ કાલે પરાજિત થયાના વિચારથી બેસી જ જાય એને કોણ બેઠું કરે?
હિંમત નથી કરતી એવું મનમાં ઠાંસી દો એટલે તમે લાઈફટાઈમ લુઝર થઈ જ જાઓ. અને બોસ, અહીં તો લોકલમાં છલાંગ મારી ટ્રાવેલ કરવામાંય હિંમત લાગે છે. તો પછી જે થયું એનો થડકો અનુભવીને થાકવું શા માટે કે હારવું શા માટે? કેટલાય વિનર્સમાં પોતાને જોઈ શકનારે અરીસા સામે રોદણાંના રડાય, ‘આવું હું પણ કરી શકત, પણ…’
મેલો આ ‘પણ’ અને મચી પડો ફોરએવર.



