ગઝલકારઃ દાગ દહેલવી

ગાયકઃ પંકજ ઉધાસ

સંગીતઃ અબ્બાસ-બાજવા

મોટા ગજાના શાયર દાગ દહેલવીને અંજલિ આપતું ગઝલ આલબમ શાયર રિલીઝ કરવાનો આનાથી ઉચિત સમય કદાચ બીજો કોઈ હોઈ શકત નહીં. વરસાદની મોસમ પૂરબહારમાં ખીલી છે. ફિલ્મી સંગીત ઘણા સમયથી ટાઢુંબોળ છે અને શ્રોતાઓ ખાસ્સા તલપાપડ થયા છે કશુંક અદભુત અને સુખદ સાંભળવાને. એટલે અત્યારે પંકજ ઉધાસના ગઝલ આલબમથી વધુ રસપ્રદ આલબમ બીજું કોઈ કદાચ હોઈ જ શકત નહીં.પંકજ ઉધાસ એ ગાયક છે જેમણે એકલે હાથે ગઝલ કાવ્ય પ્રકારને ત્રણ દાયકાથી વધુ સમય સુધી આમ આદમી સુધી પહોંચાડવાનું મોટું કામ સફળતાપૂર્વક કરી બતાવ્યું છે. શાયર આલબમ ખરીદી લો, સારા સંગીતમાંની તમારી શ્રદ્ધા આ આલબમ જરૂર જીવંત રાખશે.


આલબમની બધી જ ગઝલો ધીમી ધૂન ધરાવતી હોવી છતાં બધી પોતપોતાની આગવી ઓળખ સર્જી જાય છે. આમ પણ, ગઝલ હોય છે મૂળે જ આવા જ મિજાજમાં સંગીતબદ્ધ થવાને અને લોકો સુધી પહોંચવાને.

પહેલી ગઝલ ‘ગઝબ કિયા’ પીડા, પ્રેમ અને ઊંડા મનોભાવથી છલકતા શબ્દોથી સભર છે. એની ગાયકી અને એનું કૉમ્પોઝિશન બેઉ ધીમાં છે, કશાય બિનજરૂરી મ્યુઝિકના ઘોંઘાટ વિના. એની સાદગી એનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ પુરવાર થાય છે. માત્ર એક જ વાર સાંભળતાંવેંત આ ગઝલ મન અને હ્રદયમાં નિશ્ચિત સ્થાન જમાવવામાં સફળ થાય છે.

આલબમની સૌથી સારી ગઝલમાં સ્થાન પામે તેવી ગઝલ છે, ‘આપકા ઐતબાર કૌન કરેં? રોઝ કા ઇંતઝાર કૌન કરેં?’ એનો ઉપાડ જ એકદમ અસ્ર્થપૂર્ણ અને સ્પર્શી જાય તેવો છે. ફરી એકવાર, સાવ ઓછાં વાદ્યોનો ઉપયોગ અને અસરકારક કંઠ આ ગઝલને અનોખી આભા બક્ષે છે. કર્ણપ્રિય અને યાદ રહી જાય તેવી ગઝલ. એના પછીની ગઝલ, ‘ખાતિર સે યા લિહાઝ સે’ હળવા તાલ સાથે એક ખાલીપાની અસર સર્જતી શરૂ થાય છે. સંબંધોમાં થતા ખેલ અને અંતરાત્મા વિશેની વાતો એના શબ્દોમાં નિરુપાય છે. સારા શેર સાંભળવાને ટેવાયેલા લોકોને આના શેર ગમવાના.

‘દિલ ગયા તુમને લિયા’ આ લખનારની વધુ એક ફૅવરિટ ગઝલ છે આ આલબમની. સુખદ આશ્ચર્ય એ વાતનું પણ છે કે લગભગ બધી જ ગઝલો ધીમી હોવા છતાં કેવી રીતે આલબમની સંગીતકાર બેલડી અને ગાયક ભેગા મળીને આટલી સચોટ ઇફૅક્ટ ઊભી કરી શક્યા છે. એ પણ સંગીતનો મર્યાદિત પણ કલ્પનાશીલ ઉપયોગ કરીને! આ ગઝલમાં જેવો વાંસળીનો ઉપયોગ થયો છે તે નોંધપાત્ર છે.

‘રંજ કી જબ ગુફ્તગુ હોને લગી’ અત્યાર સુધીની ધીમી ગતિથી જરા જુદું તરી આવતી ગઝલ છે. એ પણ સારા માટે જ. જરાક વધુ ગતિનું સંગીત, થોડા જુદાં વાદ્યો અને ગાયકીની પણ થોડી નોખી છટા ગઝલને મજાની બનાવે છે. એનું સંગીત અમુક અંશે કોઇક જૂનાં ગીતોની યાદ તાજી કરાવતું ભલે લાગે પણ હકીકત એ છે કે સંગીત તાજગીસભર અને પોતાની રીતે અલગ છે. આ ગઝલમાં લોકોમાં ઇન્સ્ટન્ટલી હિટ થવાની તાકાત છે તેવું જરૂર કહી શકાય.

‘ક્યૂં ચુરાતે હો’ ગઝલમાં કેન્દ્રસ્થાને છે આંખો. આ ગઝલ પણ ધીમી, સૉફ્ટ અને સ્વીટ છે. જો કે એના શબ્દો ખૂબ અસરકારક નથી. જો આ ગઝલ એકવારમાં ગમી જતી નથી તો એને સ્કિપ કરવાની પણ ઇચ્છા થતી નથી. પછી આવે છે એવરગ્રીન વિષય જામની ગઝલ, જેના શબ્દો છે, ‘ વાયીઝ બડા મઝા હો.’ જામ અને માશૂક વિશેની અનેક લોકપ્રિય ગઝલોની પંગતમાં બેસે તેવી છે આ ગઝલ. શબ્દો સરસ મજાના અને કદાચ આ ગઝલ સાંભળવાની વધુ મજા આવે આછી રોશનીમાં બેઠા બેઠા, જ્યારે હૈયું ભારે થઈ ગયું હોય ત્યારે.

‘ઝબાન હિલાઓ તો’ છેલ્લી ગઝલ છે. આલબમના ઑવરઑલ મિજાનને અનુરૂપ આ ગઝલ પણ ધીમી છે અને કર્ણપટલ પર સહેલાઈથી સચવાઈ જાય છે. એમાં જે દર્દ છે તે આ ગઝલની તાકાત છે.

પંકજ ઉધાસ શાયરમાં એમના શ્રેષ્ઠ ફૉર્મમાં છે એ વાત પાકી. આ લખનારને આ રિવ્યુનું સમાપન કરતી વખતે એમનું જ બીજું એક આલબમ રૂબાઈ યાદ આવે છે, જેમાં એમણે ઉમર ખય્યામની અમર રચનાઓને વધુ અમરત્વ આપ્યું હતું. શાયરથી પંકજભાઈએ હવે લોકો સુધી દાગને દમામદાર રીતે પહોંચાડ્યા છે. સાંભળો દિલથી.

ગમ્યું… તો સૌને જણાવો!!

SocialTwist Tell-a-Friend

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://bit.ly/bhK4LU)

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel