-સન્ડે રણકાર – સંજય વિ. શાહ
સુપર કન્ફ્યુઝન છે આ તો. હદની બહાર હસવું આવે તો પેટ દુઃખવા માંડે અને હદની બહાર રડવું આવે તો આંખો સાથે મન, મગજ, એકચ્યુઅલી તો આખું અસ્તિત્વ રિલેક્સ થઈ જાય. આપણે કોઈને ક્યારેય એમ કહેતાં સાંભળ્યા નથી કે, ‘જા, જેટલું હસવું હોય તેટલું હસી નાખ. મન હળવું થઈ જશે.’ પણ રડવાને મામલે તો રિપીટ રિપીટ સાંભળતા જ રહીએ છીએ, ‘રડી લે બકા, રિલેક્સ થઈ જઈશ.’
જે બકા અને બકી પેટભરીને રડી શકતાં નથી એ બધાં છે અનલકી. દિવસઆખો ડાચે નકલી સ્માઈલ લગાડવાની સખત ફેશન ફરતી થઈ ગઈ છે માણસોની માર્કેટમાં. ઓનેસ્ટી અને ઓપનનેસ સાથે રડવાનું કે લાગણી વહેંચવાનું તો થાય છે જ ક્યાં હવે?
જો જાગત હૈ વો પાવત હૈની જેમ હવે સ્ટેટમેન્ટ ચલણમાં આવવું જોઈએ, ‘જો રોવત હૈ વો જોવત હૈ.’ ડખા-જફાનો ડટ્ટો મુશ્કેટાટ મારવાનો જ નહીં મનના માથે. દબાયેલી લાગણીઓ જ ડેન્જરસ બીમારીઓનો ડાબલો ખોલી નાખે છે ક્યારેક. લાગણી વળી મોકળા મનના રુદનથી સારી રીતે કેમ વ્યક્ત થાય? ઓસ્કાર મળે કે ગ્રેમી કે ગોલ્ડન ગ્લોબ એવૉર્ડ, માણસ ખુશીમાંય રડી તો પડે જ. રુદન જ સુખની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે.
ઘાણીના બળદ પેઠે ખોટી વાણી અને ખોટી ખાખાખીખીની સરવાણી ચલાવશો ક્યાં સુધી? લેટ્સ સ્ટાર્ટ સમથિંગ ન્યુ. એવું કશુંક ન્યુ જેમાં શત પ્રતિશત ખાતરી સાથે સ્મિત પણ સર્જાય અને આંસુ પણ વહી જાય. ધેટ્સ હેપ્પીનેસ!


