રોજ મને લો મોત મળે છે
અને મને એ રોજ છળે છે!
આજે આવું કાલે આવું
માણસ જેવું એ વર્તે છે
કંટાળ્યો છું હું થાક્યો છું
મારી હાલત કોણ કળે છે?
સાંભળવાને કાન છે ખુલ્લા
કહેવા કોને હોઠ મળે છે?
સાત ભવોના પાપ ભર્યા છે
આ ભવ એનો બોજ રળે છે
સખાવતોના નામે ઢોંગી
રૂપિયા આપી નામ રળે છે
અંધારાનું લશ્કર આવ્યું
ગભરું સૂરજ તેજ ગળે છે
સંબંધોનો હેતુ ચાહત
ચાહતમાં તો જાત બળે છે
ગમે તેટલાં હો વર્ષો પણ
શર્મિલ જીવન કોણ કળે છે?
- સંજય વિ. શાહ ‘શર્મિલ’

