વાતવાતમાં કેમ ભરાતાં અશ્રુ આમ નયનમાં?
વહ્યું નથી કે વહેવાનું નહીં દુ:ખ ક્યારેય રૂદનમાં!
સૌને દુ:ખ છે તેમ છતાં સૌ કોઈ તો નથી રડતા,
હસીને સહેશો? રડી રડીને? ખૂબી છૂપી ચયનમાં!
બધી વ્યથાઓ ભૂલી જઈને ચહેરો હસતો રાખો,
કે ના બગડે દશા કોઈની જોઈ તમારા વદનમાં!
રહે નહીં જો દુ:ખ સખણું થઈ હ્રદયમાં ટૂંટિયું વાળી,
બહાર એને ફેંકો સાચા-ખોટા કારણ કે પ્રહસનમાં!
સમજો તો હવે સમજો કે આ સીધીસાદી વાત છે,
હસતા રહેશો ઘણું જણાશે જીવવાસમ જીવનમાં!
શર્મિલ અમે તકલીફો પણ હસતાં હસતાં સહેશું,
જન્મારાનો સાર શોધીશું જઈને અમે કફનમાં!
- સંજય વિ. શાહ ‘શર્મિલ’

