સંજય વિ. શાહ

Dr. Bhavanaben Trivedi

નેપીઅન્સી રોડમાં રહેતાં ડૉ. ભાવના ત્રિવેદી માટે વાચન એટલે કાયમી શોખ અને વાચન માટે સમય કાઢવો એ છે લાખેણો સવાલ. એ સવાલના જવાબમાં તેઓ સસ્મિત જણાવે છે, ‘કહેવાય છે કે જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. તે નિયમ મુજબ જ મુંબઇમાં રહેવા છતાં જે વાચનના શોખીન છે તેઓ યેનકેન રીતે વાચવા માટે સમય તો કાઢી જ લે છે. ક્યારેક રાતના ઊંઘતા પહેલાં, ક્યારેક પ્રવાસ કરતી વખતે કે પછી કોઇકની એપોઇન્ટમેન્ટ લઇને મળવા જઇએ ત્યારે કરવી પડતી પ્રતીક્ષા વખતે.’

૪૬ વરસના જીવનમાં અઢળક પુસ્તકો ડૉ. ત્રિવેદીએ વાચ્યાં છે. તેથી જ, ફેવરિટ પુસ્તક ક્યાં તે પ્રશ્નના જવાબમાં પણ તેઓ સરસ વાત કહે છે, ‘એટલું બધું વાચ્યું છે કે થોડાં પુસ્તકોને નોખાં તારવવાં અઘરાં છે. વાચનારને દરેક પુસ્તક કશુંક નોખું શીખવતું અને પ્રેરતું હોય છે. છતાં અમુક નામ કહું તો પાઉલો કોહેલોનું ધ અલ્કેમિસ્ટ, ગાંધીજીનું સત્યના પ્રયોગો, ખાલેદ હોસેનીનું થાઉઝન્ડ સ્પેન્ડિડ સન્સ, અને મારા મન-હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતું બ્રેન્ડા બાર્નબેનું બિયોન્ડ ધ સિક્રેટ્સ અને ભગવદ્ગીતા, જે અદ્ભુત છે.’

અત્યારે તેઓ એપલના સ્થાપક, સ્વ. સ્ટીવ જોબ્સની અનધિકૃત આત્મકથા આઇકોન વાચી રહ્યાં છે. લગભગ અડધું પુસ્તક તેમણે વાચ્યું છે. તેના વિશે તેઓ ઉમેરે છે, ‘કોઇ પણ આત્મકથા સામાન્ય માણસને ખૂબ પ્રેરણા આપે છે. જોબ્સની આત્મકથામાં એક હાઇસ્કૂલનો છોકરો, ઇલેક્ટ્રોનિક્સનો દીવાનો કેવી રીતે એપલ જેવી વિરાટ કંપની સર્જે છે તેનું રસાળ નિરુપણ છે. ઉપરાંત તેઓ રીડર્સ ડાઇજેસ્ટ, તારક મહેતાની ઊંધાં ચશ્માં સિરીઝ, લીગલ અને મેડિકલ જર્નલ્સ વગેરે પણ વાચે છે. વાચનનો શોખ તેમને બાળપણથી છે. વાચનરસિયા પિતાને પગલે તેમણે મિયાં ફુસકી, બકોર પટેલ, અમર ચિત્રકથા સાથે વાચનનો શોખ વિકસાવ્યો હતો. હોમિયોપેથી હોવા સાથે બાળકોની સાઇકો-એનાલિટિકલ ટ્રેનિંગમાં પણ નિષ્ણાત થનારાં ડૉ. ભાવના ત્રિવેદીને વ્યવસાયે પણ વાચનમાં પળોટ્યાં, ‘આ બધી ડિગ્રી માટે ખૂબ વાચવું પડે. તેથી પણ વાચવાનો શોખ ઉત્તરોત્તર વિકસતો ગયો. હું તો સૌને કહીશ કે શરીરને કસાયેલું રાખવા જેમ જિમ કામ કરે તેમ વાચન કામ કરે મગજને કસાયેલું રાખવા માટે’. આ ટિપને તમે પણ અનુસરો, ફાયદો થશે.

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel