નદીકિનારો, ચારેકોર જંગલ ને પંખીઓના કલબલાટથી ભર્યું ભર્યું દૂરશેટ નવા વરસને આવકારવા આદર્શ સ્થળ છે
ઓફ્ફબીટ એક્સપ્રેસ – કલ્પના જોશી
‘આ વખતે ૩૧ ડિસેમ્બરે સાવ નવી જગ્યાએ જવું છે યાર!’
એક જણે આવું કહેતાં જ એનો ફ્રેન્ડ કૂદી પડ્યો, ‘રિયલી, દર વરસે એની એ ધમાલ, ભીડ, ઘોંઘાટ… લેટ્સ ડુ સમથિંગ ન્યુ.’
ન્યુ? ઓકે, ત્રીજા એક પાસે જવાબ તૈયાર હતો. ‘આપણે દૂરશેટ જઈએ. એકલા ફ્રેન્ડ્સ જઈએ તો પણ બેસ્ટ અને પરિવાર સાથે જઈએ તો પણ સુપર!’
શક્ય છે કે મુંબઈ-પુણે વચ્ચેના નાનકડા ગામ અને શાંત વાતાવરણમાં પાંગરતા વિશ્વ જેવા પિકનિક સ્પોટ નામે દૂરશેટ વિશે ઘણાએ સાંભળ્યું ન હોય. આ એવું સ્થળ છે જ્યાં ટિપિકલ ટૂરિસ્ટોનાં ટોળેટોળાં ઊમટતાં નથી. એનો ફાયદો એ કે અહીં પ્રકૃતિ આજેય ખૂબ સરસ રૂપ ધરાવે છે. નેક્સ્ટ પોઈન્ટ એ છે કે સુશિક્ષિત, શહેરી પ્રવાસીઓની દરેક જરૂરિયાત પૂરી કરે તેવી સગવડો તો અહી છે જ. મતલબ જો દૂરશેટ ગયા તો સારી હોટેલમાં રહેવાની, રેસ્ટરોમાં ભાવતાં ભોજન આરોગવાની ચિંતા કરવી પડતી નથી. ત્રીજો અને મોટો ફાયદો છે આ સ્થળ મુંબઈથી સાવ નજીક છે. બસ, પ્લાન કરો, કાર કાઢો અને સ્ટાર્ટ કરો. એક અદ્ભુત ઓવરનાઈટ કે વન-ડે પિકનિક તમને આવકારવા તૈયાર છે.
મુંબઈ-પુણે રોડ પર મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની તરફ નીકળો એટલે દાદરથી પોણાત્રણસો કિલોમીટર દૂર છે આ દૂરશેટ. એક્ઝેક્ટલી એ છે ખપોલી-પાલી હાઈવે પર. સહ્યાદ્રિ પવર્તમાળાના ખોળામાં રમતા દૂરશેટ પાસે અંબા નદી વહે છે. અત્યારે ડિસેમ્બર મહિનો અને મુંબઈમાં ભલે ઠંડીએ મનવાંછિત ચમકારો બતાવ્યો નથી, પણ દૂરશેટની વાત નોખી છે. ત્યાં અત્યારે એટલી ઠંડી તો પડે જ જેને માણીને મુંબઈગરાના ચહેરા લાલ ટમેટાં જેવા થઈ જાય.
નદીકિનારો, ચારેકોર ફેલાયેલા જંગલની લીલોતરી અને અસંખ્ય પંખીઓના કલબલાટથી દૂરશેટ આખો દિવસ બ્યુટિફુલ જ રહે છે. એમાંય પતંગિયાં જોવાના શોખીન જો જંગલમાં વોકી-ટોકી સેરસપાટો કરે તો એવાં એવાં પતંગિયાં જોવા મળે કે ન પૂછો વાત. આમ પણ, સુરક્ષિત ગણાતા અહીંના જંગલના થોડાક વિસ્તાર ટૂરિસ્ટમાં રાતના વોક લેવા જવા માટે જાણીતા છે. તેવી જ રીતે દૂરશેટ રોક ક્લાઈમ્બિંગ, રેપલિંગ, નદીના એક છેડેથી બીજે છેડે જવાની રમત વગેરે માટે પણ સાહ શોખીન પ્રવાસીઓમાં પ્રખ્યાત છે. ફેમિલી ક્રાઉડ માટે અહીં જંગલ વૉક છે, બાર-બે-ક્યુ સાથે ટેસથી ખુલ્લામાં વિવિધ વાનગી માણવાની સગવડ છે, મંડળી જમાવીને કેમ્પ-ફાયર નાઈટ કરવાની મસ્ત સગવડ છે અને બીજું ઘણું
બધું છે.
અષ્ટવિનાયક શ્રીગણેશનાં બે સ્થાનક, પાલી અને મહાડ વચ્ચે દૂરશેટ આવેલું છે. એનાથી થોડે દૂર એ જગ્યા છે જ્યાં છત્રપતિ શિવાજીએ કરતલબ ખાનને યુદ્ધમાં પરાજિત કર્યો હતો. બીજી તરફ ઉદ્ધાર નામની જગ્યા છે જ્યાં ગરમ પાણીના ઝરા છે. આ ઝરાના પાણીમાં ઔષધીય ગુણો પણ ખરા જ.
દૂરશેટના લોકલ સાઈટસીઈંગમાં મંદિર, જૂના જમાનાના માહોલની મીઠાશ દર્શાવતી અમુક જગ્યાઓનો સમાવેશ પણ થાય છે. રહેવા-ખાવાપીવાની અહીં ચિંતા નથી. સામાન્ય માણસને પરવડે તેવી સારી હોટેલ્સથી માંડીને સફારી લોજ, ફોરેસ્ટ લોજ વગેરે બધું છે. સામાન્ય દિવસોમાં અહીંના રિસોર્ટમાં ત્રણ-ચાર જણનો પરિવાર આઠ-દસ હજારમાં સંતોષકારક વીકએન્ડની મજા માણી શકે છે. ગ્રુપમાં જનારા ફ્રેન્ડ્સ માટે પણ દૂરશેટ સાવ નજીક આવેલું આદર્શ સ્થળ છે. ખાસ તો જ્યાં ભીડ ન હોય એ જગ્યાએ જે જલસો પડે તેની પર્સનલ અનુભૂતિ કરવા માટે.
આખો દિવસ, અત્યારે શિયાળાના દિવસોમાં, અહીંનું વાતાવરણ ખુશનુમા રહે છે. દૂરશેટમાં ઘણી જગ્યાએથી સહ્યાદ્રિ પવર્તમાળાનો નજારો જોવાનો આનંદ પણ સાવ અલગ છે. કપલ જો અહીં વહેલી સવારે નીકળી પડે અને ચાલતાં ચાલતાં નદીકિનારે જાય, બેસે અને વાતચીત કરે તોય એમનો દિવસ વસૂલ થઈ જાય. વળી અષ્ટવિનાયક શ્રીગણેશનું શ્રી બલ્લારેશ્વર મંદિર દૂરશેટમાં છે. છેક ઈસવી સન ૧૭૬૦માં બંધાયેલા આ મંદિરના મહિમાની વાત કરવાની જરૂર જ ક્યાં છે? તેવી જ રીતે ઈસવીસન ૧૭૨૫માં પેશવા સરદાર રામજી મહાદેવ વરદ વિનાયક બિવાલકરે અહીં વરદ વિનાયક મંદિરનું નિર્માણ કર્યું હતું. આ મંદિરની વિઝિટ પણ દૂરશેટ જનારાએ કરવી જ રહી.
વળી પાછા ૩૧ ડિસેમ્બરની વાત પર આવીએ હવે? ખરેખર જેમને દર વરસે ટિપિકલ પાર્ટીમાં જઈને નવા વરસને આવકારવાનો કંટાળો આવતો હોય તેમના માટે દૂરશેટ એક વાર ખેડવા જેવી જગ્યા છે. પોતાનું વાહન લઈને ત્યાં પહોંચી જવામાં મજા છે અને ૩૧ ડિસેમ્બરની રાતે મિત્રો-પરિવાર સાથે કેમ્પ ફાયર કરતાં કરતાં નવા વરસને આવકારવાથી એક યાદગાર અનુભવ મળશે એ પણ ચોક્કસ છે. તો પછી વિચાર શાનો કરવાનો, દૂરશેટ જવાની તૈયારી કરવા માંડો.


