-કલ્પના જોશી
અમીષાએ શોકેસની બહાર ગ્લાસ કાઢ્યો હશે. ભૂલમાં એને ટીવી ઉપર મૂકી દીધો હશે. એના પતિએ રિમોટ લેવામાં ઉતાવળ કરી અને હાથ લાગ્યો ગ્લાસને. ધડામ દઈને ચારેકોર કાચ વેરાઈ ગયા. પછી શરૂ થઈ ગઈ આક્ષેપબાજી. પતિ કહે તે ગ્લાસ ખોટી જગ્યાએ શું કામ મૂક્યો, તો અમીષા કહે તમારી આંખો ફૂટી ગઈ હતી? આવું ખાસ્સું ચાલ્યું. ભૂતકાળમાં પણ જે ચીજો તૂટીફૂટી હતી એ બધાનાં કડવા સ્મરણ થયાં. વસ્તુ ગઈ, વાત ગઈ છતાં વિવાદ અકબંધ રહ્યો. ઘરની શાંતિમાં તિરાડ પડી ગઈ છતાં બેમાંથી કોઈ શાંત પડે જ નહીં. કોઈ સમજવા જ તૈયાર નહીં કે વસ્તુઓ નશ્વર હોય છે અને ઘરની શાંતિ ઈશ્વર હોય છે. તૂટ્યાફૂટ્યા વિનાયે ઘરની અનેક ચીજો કાળક્રમે ફેંકવામાં કે બદલવામાં આવે છે. જે નથી બદલાતું એ ઘરના, ઘરની વ્યક્તિઓ છે. થવા કાળે તો માણસ પાસે હોય એ પૈસા પણ કશેક પડી જતા હોય છે. તો પછી ખોટેખોટું વાતનું વતેસર કરવાનો અર્થ જ નથી. આજે પણ કદાચ કંઈક તૂટી જાય અને ગુસ્સો આવે તો જીભ પર કાબૂ રાખવાનો અને મનોમન રટણ કરવાનું, ‘‘શાંતિ તો અકબંધ રહેવી જ જોઈએ.’’


