“સંગીતકારને લોકો ભૂલી શકે છે, એમના સર્જેલા સંગીતને નહીં. ગુલામ હૈદરનું નામ સામાન્ય માણસને આકર્ષિત કરે કે ન કરે, એમનાં અસંખ્ય ગીતો આજે પણ લોકજીભે રમી રહ્યાં છે. ગુલામ હૈદરને સંગીતની દુનિયામાં અચળ સ્થાન અપાવવાનું કામ હિન્દી ફિલ્મ ખજાનચીએ કર્યું. આ ફિલ્મનાં ગીતો માત્ર ગીતો નહોતાં પણ ક્રાંતિના જન્મદાતા હતાં. ૧૯૩૦ના દાયકાના સૂરતાલના સુમેળવાળા સંગીત સામે બળવો પોકારનારાં ખજાનચીનાં ગીતોમાં નવી મેલોડી હતી, નિયમોનાં બંધન તોડીને મેળવાયેલી મોકળાશ હતી. ગુલામ હૈદરે પ્રથમવાર હિન્દી ફિલ્મસંગીતમાં પંજાબી રિધમ દાખલ કરી.”
સંજય વિ. શાહ
આ છોકરીનો અવાજ બહુ તીણો છે, નહીં ચાલે.” “તીણો હોય કે ગમે તે હોય, આ છોકરીને રિજેક્ટ ન કરો. એક દિવસ આવશે જ્યારે એ નૂરજહાં સહિતની બધી ગાયિકાઓને ઝાંખી પાડી નાખશે…”
૧૯૪૮ની શહીદ ફિલ્મ બનવામાં હતી ત્યારે શશધર મુખર્જી અને ગુલામ હૈદર વચ્ચે આ સંવાદ થયો હતો માસ્ટર વિનાયક સાથે સંકળાયેલી લતા મંગેશકર નામની યુવાન ગાયિકા વિશે. શમશાદ બેગમને ખોળનારા અને નૂરજહાંને ટોચ પર પહોંચાડવામાં નિમિત્ત બનનારા માસ્ટર ગુલામ હૈદર લતાની આવી ભલામણ કરી રહ્યાં હતા ત્યારે એમણે પોતે સપનામાંય વિચાર્યું નહીં હોય કે એમના શબ્દો સાચા પડશે અને લતા ભારતની સર્વશ્રેષ્ઠ ગાયિકા તરીકે સ્થાપિત થઈ જશે. લોકોની એવી માન્યતા છે કે લતાને એની ટેલેન્ટ પારખીને પહેલી મોટી તક ગુલામ હૈદરે આપી હતી. આ વાત સાચી ખરી, પણ ત્યારે આ સંગીતકારની કદાચ એવી કોઈ ગણતરી કે એમનો એવો કોઈ વિચાર નહોતો કે લતા ટોપમૉસ્ટ ગાયિકા બની જશે.
માસ્ટર ગુલામ હૈદરનો જન્મ ૧૯૦૮માં હવે પાકિસ્તાનમાં સ્થિત સિંધ પ્રાન્તના હૈદરાબાદ શહેરમાં થયો હતો. બાબુ ગણેશલાલ પાસેથી સંગીતની તાલીમ લેનારા યુવાન ગુલામે ઔપચારિક રીતે તો ડેન્ટિસ્ટ તરીકે શિક્ષણ પૂરું કર્યું હતું. પણ આ શિક્ષણ કરતાં વધારે માયા તો એને સંગીતની લાગી હતી. એટલે જ ઠરીઠામ થવાની ચિંતાને તડકે મૂકીને ડેન્ટિસ્ટ્રીને કાયમ માટે તિલાંજલિ આપી દીધી અને વાટ પકડી કલકત્તાની. મુંબઈ ફિલ્મોનું પાટનગર બનવાની રાહ જોઈ રહ્યું હતું ત્યારે કલાના લગભગ બધા જ ક્ષેત્રમાં કલકત્તા દેશમાં શિરમોર હતું. ત્યાં જઈ અને કશુંક કરી બતાવવાના કોડ ગુલામના હૈયાને ઝબકોળી રહ્યાં હતા.
કલકત્તામાં આલ્ફ્રેડ થિયેટ્રિકલ કંપની અને એલેકઝાન્ડ્રા થિયેટ્રિકલ કંપની એમ બે-બે જગ્યાએ ગુલામે હાર્મોનિયમવાદક તરીકે નોકરી કરી. નવા શહેરમાં પોતાના શોખને વ્યવસાય બનાવતા પૂર્વે અનુભવ મેળવવાનાં ગુલામનાં એ વરસો હતાં. આ બે કંપનીઓ ઉપરાંત જૅનાફોન રેકોડિંગ કંપનીમાં ટૂંકાગાળા માટે એણે કમ્પોઝરનું કામ પણ સ્વીકાર્યું. પ્રતિભાશાળી અને નોખો ચીલો ચાતરવાને થનગનતા ગુલામે ત્યાર પછી વળી વાટ પકડી લાહોરની ફિલ્મ ઈન્ડસ્ટ્રી હવે એનું લક્ષ્ય હતું.
ત્યાં જતાં જ ગુલામને રોશનલાલ અને રૂપકિશોર શૌરીની પિતા-પુત્રની સંગીતકાર બેલડી સાથે કામ કરવાની તક મળી ગઈ. એ જમાનો અત્યંત બાહોશ અને સંગીતનું ઊંડું જ્ઞાન ધરાવતા સંગીતકારોનો હતો. ગુલામ હૈદર આ દોરના સાક્ષી હતા, પ્રતિનિધિ હતા. હિન્દી ફિલ્મોમાં મોટો બ્રેક મળે એ પહેલાં ગુલામને દલસુખ પંચોલીની પંજાબી ફિલ્મ ગુલ્-એ-બકૌલીમાં સંગીત આપવાની તક મળી. બરકત મહેતા દિગ્દર્શિત આ ફિલ્મમાં હેમલતા અને આગા સલીમ રઝાની જોડી હતી. પંચોલી એ જમાનાના મોટા નિર્માતા હતા અને આ ફિલ્મથી એમણે પોતાના લાહોરસ્થિત નવા સ્ટુડિયો પરાધાનને ધમધમતો કર્યો હતો. પંચોલી અને ગુલામને આ ફિલ્મથી સાથે ફાવી ગયું. ગાયિકા નૂરજહાં સાથે પણ ગુલામનો તાલમેલ થઈ ગયો. ૧૯૩૯માં એકત્રીસ વરસની વયે આ ફિલ્મમાં સંગીત આપ્યા પછી બીજા જ વરસે પંચોલીએ ગુલામને બીજી પંજાબી ફિલ્મ યમલા જટમાં સંગીત આપવાની જવાબદારી સોંપી. આ ફિલ્મમાં ગુલામે શમશાદ બેગમને ઈન્ટ્રોડ્યુસ કરી, માત્ર એક ગીત સાથે. લાહોરના ઑલ ઈન્ડિયા રેડિયો માટે ગાતી શમશાદની જોડી ઉમરઝિયા બેગમ સાથે હતી. ઉમરઝિયા સમય જતાં ગુલામની પત્ની બની અને શમશાદ બેગમ બની ગુલામની ખોજ.
ગુલામ હૈદરને સંગીતની દુનિયામાં અચળ સ્થાન અપાવવાનું કામ ત્યાર પછીના વરસે આવેલી હિન્દી ફિલ્મ ખજાનચીએ કર્યું. આ ફિલ્મનાં ગીતો માત્ર ગીતો નહોતાં પણ ક્રાંતિનાં જન્મદાતા હતાં. ૧૯૩૦ના દાયકાના સૂરતાલના સુમેળવાળા સંગીત સામે બળવો પોકારનારાં ખજાનચીનાં ગીતોમાં નવી મેલોડી હતી. નિયમોનાં બંધન તોડીને મેળવાયેલી મોકળાશ હતી. ગુલામ હૈદરે પ્રથમવાર હિન્દી ફિલ્મસંગીતમાં પંજાબી રિધમ દાખલ કરી. વિવેચકોએ આંખો કાઢી પણ ખજાનચીના સંગીતની અપ્રતિમ અને અકલ્પનીય લોકપ્રિયતાએ ભલભલા ખેરખાંની બોલતી બંધ કરાવી નાખી. હિન્દી ફિલ્મસંગીતના ઈતિહાસનું એક પ્રકરણ ખજાનચીથી શરૂ થયું હતું અને એ ફિલ્મ પછી હિન્દી ફિલ્મસંગીત ક્યારેય પહેલાં જેવું જ રહ્યું.
ગુલામ હૈદર હવે સેલેબલ સંગીતકાર બની ગયા હતા. ત્યાર પછીના વરસે એમણે નૂરજહાં સાથે ખાનદાન જેવી વધું એક મેગા હિટ ફિલ્મ આપી. ૧૯૪૨ની આ ફિલ્મથી નૂરજહાંએ હિરોઈન તરીકે પડદા પર પર્દાપણ કર્યુ હતું. આ ફિલ્મના દિગ્દર્શક શૌકત હુસેન રિઝવી હતા. ખાનદાનના સેટ પર જ શૌકત અને નૂરજહાં વચ્ચે પ્રેમ પાંગર્યો હતો જે ૧૯૪૪માં લગ્નમાં પરિવર્તિત થયો હતો અને ખાનદાન એ ફિલ્મ હતી જેના પછી ગુલામ હૈદર અને નૂરજહાં વચ્ચેનું ટ્યુનિંગ તૂટતું જવાનું હતું, પૂરા એક દાયકા માટે.
ખાનદાનની સફળતા પછી ગુલામ હૈદર ફાઈનલી મુંબઈ સ્થાયી થયા. કલકત્તાથી લાહોર જઈને ત્યાંથી એમણે ત્યાર સુધી કામ કર્યું હતું, ગુલામને મુંબઈ આવવા માટે જરૂરી પ્રોત્સાહન આપનાર એક પરિબળ હતું ફિલ્મીસ્તાનનો જન્મ. એ જમાનામાં બૉમ્બે ટોકિઝ સૌથી શક્તિશાળી સ્ટુડિયો હતો. અશોક કુમાર, દિગ્દર્શક જ્ઞાન મુખર્જી અને ફાઈનાન્સર રાયબહાદુર ચુનીલાલ કોહલી જેવા લોકોએ ભેગા મળીને ફિલ્મીસ્તાન નામનો નવો ચોકો બતાવ્યો ત્યારે એની પ્રથમ ફિલ્મમાં સંગીત આપવાની તક ગુલામ હૈદરને મળી. એ ફિલ્મ હતી ચલ ચલ જે નૌજવાન. અશોક કુમાર પર ફિલ્માવાયેલું બોલો હર હર મહાદેવ અલ્લાહ-ઓ-અકબર એ ગુલામ હૈદરનું એ ફિલ્મનું એક મહત્વનું ગીત હતું.
ગુલામ હૈદરે આ અરસામાં ફુલ અને હુમાયું, જેવી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું. દરમિયાન, ઈન્ડસ્ટ્રીઝમાં ખબર પ્રસર્યા કે નૂરજહાં અને એના પતિએ ભેગા મળીને શૌકત આર્ટ પ્રોડકશન્સ નામની નવી કંપની શરૂ કરીને ફિલ્મ નિર્માણમાં ઝંપલાવવાની પાકી યોજના બનાવી છે અને એ વાત પણ ચર્ચાવા માંડી કે જૂગ્નું નામની આ ફિલ્મમાં એમણે યુસુફ ખાન નામના નવા યુવાનને હીરો તરીકે અજમાવવાનો નિર્ણય લઈ લીધો છે. ગુલામ હૈદર માટે જો કે સૌથી મહત્વની વાત એ હતી કે નૂરજહાંએ આ ફિલ્મમાં સંગીતકાર તરીકે એને લેવાને બદલે ફિરોઝ નિઝામીને લીધા. નૂરજહાની આ હરકત સાંખી લેવી પડે એવી મામૂલી સ્થિતિમાં ગુલામ હૈદર નહોતા. ૧૯૪૭માં જૂગ્નું રિલીઝ થઈ અને એ વખતે જ ભાગલા વિશેની હવા આખા દેશ પર છવાયેલી હતી. નૂરજહાં અને ગુલામ હૈદર જેવાં અમુક કલાકારો વિભાજિત ભારતને ગુડબાય કહીને પાકિસ્તાનભેગાં થવાના હતાં એ પણ ફાઈનલ જ હતું. પણ એવું થતા પહેલાં બેઉ પક્ષે મુંબઈમાં હજી થોડાક કામ કરી જવાના હતા.
(Published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper ancestor on Wednesday, 11 February 2004)
ગમ્યું… તો સૌને જણાવો!!






