-ખાણીપીણી – અક્ષાંશ કુમાર
Published in Mumbai Samachar, Asia’s oldest newspaper
રમઝાનનો પાવન મહિનો ચાલે છે ત્યારે શહેરની એક એવી જગ્યાની મુલાકાત લઈએ જ્યાં, સ્વસ્ત આણિ મસ્ત, વેજ અને નોન-વેજ ખાણીપીણી માણી શકાય? માહિમમાં જાણીતી ચર્ચથી જરા આગળ, ચર્ચગેટ દિશામાં આવે છે કેફે મેરાજ. હબીબભાઈ એન્ડ ફેમિલીની આ નાનકડી હોટેલની ખાસિયત છે ચોખ્ખાઈ, સસ્તાઈ અને સ્પીડ. ત્રણેય મોરચે એનો ઝંડો એવો ઊંચે ઊડે છે કે ના પૂછો વાત. નોન વેજ ખાનાર અહીં મટન, ચિકન અને ઈંડાની આઈટમ્સની જયાફત ઊડાડીને ખુશ થઈ જાય, તો વેજ ખાનાર માટે મિક્સ સબ્જી, દાલ ફ્રાય અને અહીંની સુપર પોપ્યુલર મસૂરની દાળ ખાઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય. રમઝાનમાં સાંજથી સવાર કેફે મેરાજ ધમધમે, બાકીના મહિનાઓમાં પરોઢિયે ચારેક વાગ્યાથી મધરાત પછી ધીમે ધીમે એનો ધમધમાટ આટોપાય. પેટપૂજા કર્યા પછી અહીંની સ્વાદિષ્ટ ચા પીવાથી સ્વાદનો મામલો વધુ સંગીન થઈ જાય. હમણાં રમઝાનમાં શહરી અને ઈફટારી માટે લોકોનાં અહીં ટોળાં ઉમટે છે. એક વાત ધ્યાન રહે, સાવ સામાન્ય માણસનેય પરવડે તેવી આ જગ્યા છે, પહેલીવાર જનારને તો ક્યારેક બિલ જોઈને આંચકો પણ લાગે, ‘‘આટલું ઓછું બિલ?!’’ વત્તા, બધી હોટેલની જેમ અહીં એકસકલુઝિવ ટેબલ મેળવવાની રાહ જોવાની જ નહીં, ખાસ તો બેઉ ટંકના ભોજનના પીક અવર્સમાં, જગ્યા મળે ત્યાં બેસી જવાનું. મોંઘવારીએ હદ કરી છે તેવા જમાનામાં કેફે મેરાજ રિયલી હોટેલ કરતાં વિશેષ તો સૌને પરવડે તેવી સ્વાદિષ્ટ ખાધાખોરાકી મોસ્ટ રિઝનેબલ રેટમાં આપતી અનન્ય જગ્યા છે. વત્તા, અહીંની સર્વિસ, માલિક પરિવારની મૃદુતા તમને વધુ ખુશ કરશે એનીયે ખાતરી. તો પહોંચો બોસ, કેફે મેરાજમાં.


