Mumbai Samchar – સરબસર પૂર્તિ – મંગળવાર, ૧૨-૦૭-૨૦૧૧
- નક્ષત્ર શાહ
‘‘મીઠીબાઈ કોલેજ પાસેનો પેલો ઢોસાવાળો નહીં? એ મારા મામા. એમને ત્યાં મેં બાર-તેર વરસ કામ કર્યું. ગયા વરસે પોતાની આ લારી શરૂ કરી. મગજમાં બે વાત ઠસાવીને, સ્વાદના શોખીનોને ગુણવત્તાથી જીતવા છે. એમાં ઉમેરી દીધી અથાક મહેનત…’’ અને બસ દેબાશિષ મટિયાની ઢોસાની દુકાને દમ દેખાડી દીધો. માણસ બંગાળી, ખાવાની આઈટમ સાઉથની અને એમાં પાછો ચાઈનીઝ ટચવાળો ચીની ઢોસોય મળે અને પંજાબી ટચવાળો ઢોસોય મળે. કાંદિવલી -મલાડના લોકોને જલસો અને દેબાશિષને તડાકો પડી ગયો.
સાંઈબાબા ઢોસાની ગાડી પર પૂરી પચાસ ટાઈપના ઢોસા મળે. ઉત્તપાની અને ફ્રેન્કીની વરાઈટીઝ જુદી. જેની સાથે સ્પર્ધા છે તેવી બે એસ્ટાબ્લિશ્ડ ઢોસાની ગાડીઓની જેમ અહીં ઈડલી નથી મળતી. પણ ઢોસા એવા કે એકવાર ખાધા તો પાછા આવવું જ પડે. ટનાટન સ્વાદ ને ભાવની સોંઘારત, પ્લાસ્ટિકની શીટ પાથરેલી પ્લેટ અને નાળિયેરની તથા સાઉથની જાણીતી પાઉડર ચટણી (જે બહુ ઓછી લારીઓ પર મળે છે), એના કોમ્બિનેશનથી થાય છે કમાલ. ઢોસાની જૈન વરાઈટીઝ, જિની ઢોસા, ચિલી પનીર ઢોસા, પિત્ઝા ઢોસા, શેઝવાન ઢોસા, ચીઝ સ્પિનાચ ઢોસા, કોકટેલ ઢોસા, ખડા મૈસુર મસાલા… કયો ઢોસો ખાવો એ ક્યારેક મીઠી મૂંઝવણ થઈ જાય અહીં. સાંજે ચારેક વાગ્યાથી રાતના બારેક વાગ્યે ધમધમતી આ લારી પર પાંચેક જણનો સ્ટાફ છે. નાળિયેરની ચટણી બગડે નહીં તે માટે બબ્બે વખત ઘરે બનાવેલી ચટણી આવે છે. વળી લારી આસપાસ પ્રમાણમાં ઠીક ઠીક ચોખ્ખાઈ, તેથી રસ્તે ઊભા રહી ખાવામાં ચીતરીયે ચડે નહીં.
સાંઈ ઢોસાનો રેગ્યુલર કસ્ટમર થઈ ગયેલો યુવાન દીપક શાહ કહે છે, ‘‘આનો ઢોસાનો આથો ક્યારેય ખાટો હોવાનું મેં ફીલ નથી કર્યું. ચટણીનો ટેસ્ટ એકસરખો જ હોય અને પરફેક્ટ. પાછું ઢોસાનો મસાલો અને મૈસુર મસાલામાં ઉમેરાતી ચીજોનું કોમ્બિનેશન એટલું મસ્ત છે કે મજા પડી જાય.’’ સાચી વાત છે, તેથી જ તો વરસભરમાં ભરપૂર ગ્રાહકો ઢોસા ખાવા સાંઈના શરણે જ આવે છે. તમેય ચોક્કસ ચાખજો, નક્કી ખુશ થશો.


