રીડિંગ રૂમ સંજય વિ. શાહ
Published in Mumbai Samachar, Asia’s oldest newspaper on Tuesday 20 December 2011
‘‘દીકરી ઘરનું અજવાળું છે અને તેનાં લગ્ન થઈ જવાથી એ ભૂતકાળ થઈ જતી નથી,’’ તેવી લાગણીશીલ ભાવનાને કાંદિવલીનાં રીટાબહેન અક્ષરશઃ જીવે છે, અક્ષરશઃ એટલા માટે કે ભૂપત વડોદરિયાનું લોકપ્રિય પુસ્તક ‘દીકરી વહાલનો દરિયો’ તેમના હૈયાની સૌથી નજીક છે. આ પુસ્તક વિશે તેઓ અત્યંત રસપ્રદ છતાં સચોટ વાત કરે છે, ‘‘આખું પુસ્તક એટલું ઈન્ટરેસ્ટિંગ છે કે એક બેઠકે વાંચી શકાય. પણ વાંચવા બેસો કે આંખમાંથી આંસુની ધાર પણ છૂટે અને મારી દીકરીની યાદોમાં હું ખોવાઈ જાઉં.’’
ગૃહિણી રીટાબહેનને વાચનનો ખૂબ શોખ છે. અત્યારે તેઓ શ્રી મહાપ્રભુજીના જીવનની વિસ્તૃત માહિતી આપતું વલ્લભાવતાર વાંચે છે. ત્રણસોથી વધુ પાનાંના આ પુસ્તક વિશે તેઓ કહે છે, ‘‘મહાપ્રભુજીની બેઠકો આખા દેશમાં છે એની મને જાણ હતી. પણ વલ્લભાવતાર વાંચતા મને વિગતે જાણવા મળ્યું કે તેમણે દેશમાં વૈષ્ણવ ધર્મનો કઈ રીતે પ્રચાર કર્યો. તેમણે પોતાનું જીવન ભગવાનના ચરણે સમર્પિત કરી દીધું હતું. વૈષ્ણવ ધર્મનો ઈતિહાસ અને તેના ફેલાવા વિશે જાણવા માટે આ પુસ્તક આદર્શ સ્ત્રોત છે.’’
હરકિસન મહેતાની નવલકથા વાંચતા તેમને એવી લાગણી થવા માંડે છે જાણે પોતે પણ તેમાનું એક પાત્ર હોય, અને બધું તેમની આસપાસ થઈ રહ્યું હોય. નવલકથાઓ સાથે રીટાબહેન આધ્યાત્મિક ગ્રંથો અને સામયિકોનું પણ રસપાન કરે છે. વસ્તારી પરિવારના દીકરી અને પુત્રવધૂ હોવાથી ભલે રીટાબહેનને વાંચવાનો સમય સહેલાઈથી મળતો નહીં પણ તેઓ કહે છે, ‘‘નાનપણથી જ મને વાંચનનો શોખ. દિવસે વાંચવા ના મળે તો રાતના વાંચવાની ફુરસદ હું કાઢી લેતી. લગ્ન થયાં, દીકરીઓ મોટી થઈ પછી તેઓ રાતના ભણતી હોય ત્યારે હું એમને સથવારો આપવા પુસ્તક વાંચતી. હવે જો કે જવાબદારીઓ ઓછી થઈ હોવાથી વાંચવા માટે ખાસ્સી મોકળાશ મળે છે.’’
વાંચવાના રૂડા શોખ વિશે તેઓ ગૃહિણીઓને એક અદ્દભુત ટિપ આપે છે, ‘‘ગૃહિણી વાંચન દ્વારા નવું શીખી શકે છે અને એ જ્ઞાન પોતાના સંતાનો સુધી પહોંચાડી શકે છે. સાથે નવી પેઢી ગુજરાતી ભાષાથી દૂર થતી જાય છે ત્યારે ઘરના મોટા લોકો ધારે તો બાળકોને આપણી ભાષાનું જ્ઞાન આપી શકે છે.’’ બહુ જ સુંદર વાત, રીટાબહેન!


