શ્રીનાથજીના આઠેય સમાની ઝંખીનું ગીત
(સંગીતનાટક કૄષ્ણપર્વનું ગીત)
કવિ: સંજય વિ. શાહ ‘શર્મિલ’
નાથજી, નાથજી, નાથજી શ્રીનાથજી
નાથજી, નાથજી, નાથજી શ્રીનાથજી…
આઠ સમાનાં દર્શન આપો…તેજ બની અંધારાં કાપો
ચરણોમાં દઈ સ્થાન તમારા ભવ તારી દો શ્રીજી
નાથજી, નાથજી, નાથજી શ્રીનાથજી
નાથજી, નાથજી, નાથજી શ્રીનાથજી…
પરોઢિયાની પાવન પળમાં હળવેથી જાગો પરભુજી
મંગળ ઝાંખી મને કરાવી ખીલવજો આ દિવસ જી
નાથદ્વારે ઓછવ જામ્યો કિર્તન સહુજન ગાય જી
મુખડું તમ નિરખીને હૈયાં જુઓ મધુવન થાય જી
નતમસ્તક થઈ વીનવું ભગવન સાંભળજોને અરજી…
નાથજી, નાથજી, નાથજી શ્રીનાથજી…
ઘટ-ઘટમાં શ્રુંગાર કરો ને લાડ લડાવો શ્રીજેને
માળા ફૂલોની પહેરાવી દેખાડો આ દર્પણ જી
ગોપીવલ્લભ આરોગી લો ગોપીઓના હાથે જી
પછી વાંસળી તમે વગાડો રાધાજીની સંગે જી
દેવ અમારાં કરો રખોપાં, અમ છીએ બાળક જી…
નાથજી, નાથજી, નાથજી શ્રીનાથજી…
ગ્વાલ સમે ગાયોની સંગે મહાલોને મેદાન જી
ગ્વાલબાલ કહે ગૌશાળેથી અહીં બધું છે રંગે જી
ગ્વાલભોગ આરોગી લેજો ગિરિધારી ગોપાલા જી
ખેલો ખેલો ખેલ મજાના તમે નંદના લાલા જી
ત્રીજે દર્શન ફૂલ નહીં ને… નહીં હોય બંસી જી…
નાથજી, નાથજી, નાથજી શ્રીનાથજી…
વિઠ્ઠ્લનાથે કર્યું પ્રયોજન રાજભોગના ઠાઠ જી
પીરસું છપ્પનભોગ સાથમાં પાનબીડું પધરાવું જી
અત્તર છાંટું, માળા આપું સાથ રમકડાં આપું જી
મોર-મુગટ પહેરાવું તમને પાંપણમાં હું રાખું જી
ઝગમગ સાંવરિયાની આભા, આંખ ઠરે મારી જી
નાથજી, નાથજી, નાથજી શ્રીનાથજી…
ઉત્થાપનની વેળા આવી શંખનાદ લો ગૂંજે જી
જાગો જાગો કૄષ્ણ કનૈયા ગૌ-ગાયો બોલાવે જી
વીણા વાગે મીઠડી સાથે સુરદાસજી ગાતા જી
ઘેર ચલો મયુરેશ હવે ઓ ત્રણે ભુવનના દાતા જી
નોખા છો તમે નંદલાલ તમે છો વરણાગી જી
નાથજી, નાથજી, નાથજી શ્રીનાથજી…
ઘેરદાર જામો પહેરીને છડીદાર પોકારે જી
સ્વામિનીજી પરમ પ્રભુજી પાછા ઘેર પધારે જી
ભોગસમાનો લહાવો લેજો મોરછલ સંગ રાખો જી
મારા દેવને નંદલાલને નજર કોઈ ના લાગો જી
શ્યામરંગ છે વહાલો મારી આંખોમાં લઉં આંજી…
નાથજી, નાથજી, નાથજી શ્રીનાથજી…
ગોધૂલિની ઘડીઓ આવી મોહન વહેલા આવો જી
મૈયા મોરી કરો આરતી બધી બલાઓ ટાળો જી
હળવાં વસ્ત્રો પહેરાવીને વાંસલડી પણ આપો જી
સુદર્શનને ભોગ ધરો ને સપ્તધજાઓ બાંધો જી
સૂર્ય કહે છે સંધ્યા ટાણે જગને સાચવજો જી
નાથજી, નાથજી, નાથજી શ્રીનાથજી…
શયનનું ટાણું આવ્યું રૂડાં ઢોલ-નગારાં જી
ભોજન કરતા મદન મુરારિ હાલરડુંયે સાંભળે જી
સુખથી પોઢી જશે કે પછી વ્રજમાં કરશે લીલા જી
રાધારાણી સાથે રહેજો મોહન સોંપી દીધા જી
ધન્ય વૈષ્ણવો દર્શન પામી રોમ રોમ થ્યું રાજી…
નાથજી, નાથજી, નાથજી શ્રીનાથજી…
_________

