ફૅન્ટેસિયા ફૅન્ટાસ્ટિક: રંગમંચ પર ઍનિમેશન ફિલ્મ!!!

પડદા ઉપર વૉલ્ટ ડિઝનીની ફિલ્મ અને એનાં અદભુત ઍનિમેશન્સ, અમર પાત્ર તો સૌ કોઈએ જોયાં અને માણ્યાં છે. કોઈએ એવું વિચાર્યું છે ખરું કે આવાં જ અદભુત પાત્રો જો રંગમંચ પર જીવંત થાય, અને સ્ટૅજ વિશાળ પડદો બનીને મન મોહી જાય તો શું થાય? અરે પણ એમ થવું શક્ય છે કે? એમ. આર. મોરારકા ફાઉન્ડેશનના સથવારે, જયંત ગાંધી પ્રૉડક્શન્સે આ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. એમને સાથ મળ્યો છે રંગભૂમિ, ફિલ્મના ખેરખાંઓનો, રામદાસ પાધ્યે જેવા વિશ્વવિખ્યાત વૅન્ટ્રિલોક્વિસ્ટનો. ભારતનું પહેલું અને અતિશય માણવા જેવું ઍનિમેશન પ્લૅ એનાથી સર્જાયું છે. એ છે ફૅન્ટેસિયા ફૅન્ટાસ્ટિક! જસ્ટ ફૅન્ટાસ્ટિક અને જસ્ટ સુપર્બ.

ફૅન્ટેસિયા ફૅન્ટાસ્ટિકનું એક દ્રશ્ય


બાળકોને રસતરબોળ કરતું અને મોટેરાઓને અભિપ્રેત કરી નાખતું ફૅન્ટેસિયા ફૅન્ટાસ્ટિક માત્ર રંગમંચના રસિયાઓ નહીં પણ કળા અને પ્રતિભાને માન આપતા દરેક માટે ગૌરવ અપાવતું નાટક છે. વાર્તા અતિશય સરળ અને રોચક છે. જેવી દરેક જણ બાળપણમાં વાચે અને માણે તેવી. એક છે રાજકુમાર. એનું વહાણ ડૂબી જાય છે દરિયામાં. અને ચારેકોર પાણી વચ્ચે એનો ભેટો થાય છે એક અજાયબ, રૂપાળી અને અતિશય મીઠડી મત્સ્યકન્યા સાથે. એ મત્સ્યકન્યા રાજકુમારને કહે છે કે તને વહાણ પાછું મળે પણ… છેને એકદમ ફૅન્ટાસ્ટિક વાત? બસ, આ વાતને લેખક-દિગ્દર્શક ભરત દાભોલકરે, રામદાસ પાધ્યેએ અને અત્યંત અનુભવી કસબીઓએ એવી અકલ્પનીય રીતે સ્ટૅજ પર તાદશ કરી છે કે ઝૂમી જવાય. થોડાક એવા ઑન-સ્ટૅજ ચમત્કારની વાત કરીએ જે સર્જવા અશક્ય જ લાગે છતાં એ આ નાટકમાં માણવા મળે છે. એક દ્રશ્યમાં પાણી નીચે દેખાય છે ૩૦૦થી વધુ માછલીઓ! બીજા એકમાં છે બે-માથાળો ડ્રૅગન, વળી એકમાં છે હિડમ્બા ટાઈપની વિલન તો એક દ્રશ્યમાં છે ૨૦ ફૂટ લાંબો ઍનાકૉન્ડા! સેંકડો ઍનિમેટેડ પાત્રો આ નાટકમાં એવો જાદુ પાથરે છે કે દર્શકોને એક પળ માટે પણ વિચાર આવે નહીં કે આ બધાં પાત્ર વાસ્તવિક નથી!

ઈતિહાસમાં પહેલી જ વાર કોઈક નાટ્યકૄતિ સાથે મનોરંજન જગતની મોટી હસ્તીઓ જોડાઈ હોય તો એ નાટક પણ ફૅન્ટેસિયા ફૅન્ટાસ્ટિક છે. એમાં સંગીત છે આર. એસ. મણીનું. મણી એટલે સંગીતજગતના એ સન્માનનીય જાદુગર જેમણે વીર ઝારા ફિલ્મમાં મદન મોહનના સંગીતને આગવા ઑર્કૅસ્ટ્રેશન સાથે રજૂ કર્યું. ફૅન્ટેસિયા ફૅન્ટાસ્ટિકનાં ગીતોને કંઠ મળ્યો છે શંકર મહાદેવન અને સુદેશ ભોસલે જેવા લોકપ્રિય ગાયકોનો. આખા નાટકનું ક્લાસ-વન સંચાલન, બેશક, રામદાસ પાધ્યે કરે છે. ઍનિમેટેડ પાત્રોને અવાજ મળ્યા છે જૅકી શ્રોફ, જુહી ચાવલા, શુભા ખોટે, જાવેદ જાફરી, અર્શદ વારસી, શરબની મુખરજી અને કિશોર પ્રધાન જેવાં કલાકારોના. મંચસજ્જા છે સુભાષ આશરની, પ્રકાશરચના છે ભૌતેષ વ્યાસની અને કૉરિયોગ્રાફી છે મયૂર વૈદ્યની. હિન્દી વત્તા ઈંગ્લિશ બરાબર હિંગ્લિશ ભાષામાં બનેલા આ નાટકને કોઈપણ વ્યક્તિ સમજી અને માણી શકે એટલી સરસ એની રજૂઆત છે.

ફૅન્ટેસિયા ફૅન્ટાસ્ટિકના રૂપમાં જયંત ગાંધી, ભરત દાભોલકર અને રામદાસ પાધ્યે એ સહિયારા જે સર્જન દર્શકોને આપ્યું છે એ વાસ્તવમાં એક જસ્ટ અનધર નાટક નથી. સાવ સામન્ય લખાણ, રજૂઆત અને અંજામવાળાં થોકબંધ નાટકો જ્યાં બનતાં જ રહ્યાં છે એવી આપણી રંગભૂમિ માટે ફૅન્ટેસિયા ફૅન્ટાસ્ટિક એક નવો અધ્યાય છે, એક અનોખું સીમાચિહ્ન છે. આનંદની વાત એ છે કે બાળકો આ નાટક જોઈને રંગભૂમિને ખરેખર ચાહશે અને મલ્ટિપ્લૅક્સમાં ફિલ્મો માણવાની જેમ જ એમને વારંવાર રંગમંચ પર નાટકો જોવાની તાલાવેલી થશે. તમારાં બાળકોને બાકી ગમે તે રીતે ઍન્ટરટેઈન કરજો પણ એ તો નક્કી જ કરી લો કે એને ફૅન્ટેસિયા ફૅન્ટાસ્ટિક તો બતાવવું જ છે. એક વાર, બે વાર, વારંવાર…

(As published in MUMBAI SAMACHAR)

ગમ્યું… તો સૌને જણાવો!! SocialTwist Tell-a-Friend

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel