પથ્થર, છૂરા ને બંદૂકો લઈ દડીએ છીએ, માણસપણાને એમ અમે તોડીએ છીએ. – કરસનદાસ લુહાર

પથ્થર, છૂરા ને બંદૂકો લઈ દડીએ છીએ


માણસમાં મારાપણું હોત નહીં તો દુનિયાની તવારીખ જુદી રીતે લખાઈ હોત. દરેક વાતમાં આવું જ કરવાનો સ્વભાવ આપણને વિશ્વને રાષ્ટ્રોના, રાષ્ટ્રને પ્રાન્તોની, પ્રાન્તને વિસ્તારોની વહેંચણી કરાવવામાં નિમિત્ત બન્યો છે. આદમ અને ઈવના યુગથી આજના માણસ સુધીની યાત્રા પછી બોલો, આ વિશ્વ ખરેખર છે કોનું? ઘણા જણ વળી એવું પણ માને છે કે શસ્રના આવિષ્કારની સાથે જ વિશ્વમાં શત્રુતાનાં બીજ રોપાયાં હશે. એવું નથી. વૈમનસ્ય માણસના સ્વભાવમાંથી ઊતરી શસ્રોના સ્વરૂપે આપણી સમક્ષ આવ્યું છે. વિકાસની સાથે વિનાશની આદત આપણે જાતે જ પાડીએ છીએ એટલે આપણને દરેક પ્રગતિની સાથે તકલીફ પણ મળે છે. જે પ્રગતિ કે વિકાસ નર્યા સત્યભાવથી અને સદભાવથી થાય એનાથી કોઈનેય નુકસાન થતું નથી. સંતની સમાધિ, ભક્તોની સાધના કે ખુદાના બંદાની નમાઝમાં ક્યારેય નુકસાની કરાવનારું કાંઈ હોતું નથી. કોઈને સહ્રદયી સ્મિત આપીને શત્રુતા જન્મે છે એવું કોઈ વિચારી શકે ખરું? માણસ જો કે લાચાર છે, એ આ દુનિયામાં કશુ જ બદલાવી શકવાને સમર્થ નથી. સિવાય પોતાના, પોતાને બદલાવો. પોતાના મનમાંથી વેરની ભાવનાને જાકારો આપો. માણસાઈ કોઈ ક્રાંતિ નથી, એ તો માત્ર આત્મશુદ્ધિ કરવાની જરૂરિયાત છે. પોતાના સુખ માટે અને મનની શાંતિ માટે સમાજમાં રહીનેય થોડાક સંત જેવા બેશક બની શકાય છે. વૈમનસ્યને આવજો કહી દેવાથી નવી દષ્ટિ મળે છે. દુનિયાને જોવાની રીત જો થોડી બદલાય તો પણ કશુંક સારું કરવાના સતત ચાલતા યજ્ઞમાં કાંઈક યોગદાન આપણાથી થઈ શકયું એમ ગણાશે.

- કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)

(Photo caurtesy http://bit.ly/cHyLdr)

[ad#Tell A Friend]

[ad#Amazon Ads]

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel