સન્ડે રણકાર

સંજય વિ. શાહ

એકાદ કલાકની મીટિંગ પછી જેવા છુટા પડવાનું થયું કે એક જણ બોલી ઊઠ્યું, “સૉરી, મને તો નથી લાગતું કે આની સાથે બિઝનેસ થાય. આમ ભલે એ સ્માર્ટ લાગે છે પણ આમ સાવ કનફ્યુઝ્ડ છે. હી જસ્ટ કૅનનૉટ ડિલિવર એનીથિંગ…” બૉઇંગ કે એરબસ તો નથી જ માણસો છતાં દુનિયાની તાસીર એવી થઈ ગઈ છે કે દરેક જણને ઇનસ્ટન્ટ રિઝલ્ટ આપવાની કડવી ફરજ પાડવામાં આવી રહી છે. માણસે મશીનનાં પ્રૉગ્રામિંગ કર્યા પછી એ માણસ પાસે પણ પ્રૉગ્રામ્ડ રિઝલ્ટની અપેક્ષા સેવે છે. સારું છે કે ઉમર ખૈય્યામ કે નરસિંહ મહેતા પાસે આવી ડિમાન્ડ કરનારા કોઈ નહોતા બાકી આપણને કોઈ દિવસ રૂબાઈઓ કે પદ મળ્યા હોત ખરા?

ધીરજ, ભરોસો અને શ્રદ્ધા એ ત્રણ શબ્દો છે બે વ્યક્તિ વચ્ચેના સેતુ. ઘરમાં નવી વહુ આવે અને એના હાથની મહેંદી ઓતરે નહીં ત્યાં સુધી એને કામ ના કરવા દેવાય એ ધીરજ નથી, એ તો દસ્તૂર છે, ધારો છે. પણ નવી વહુ રસોડું સંભાળી લે પછી, “અમારા ઘરે દાળમાં કોકમ નથી નાખતા…” એવું કહી ચીડાવું નહી અને એને ઘરની તાસીરમાં ગોઠવાઈ જવા સમય આપવો એ ધીરજ છે. વફાદાર લાગતા બાર વરસ જૂના ડ્રાઇવરને જોખમ સોંપીને મીટિંગમાં જવું એ ભરોસો નથી પણ એ ડ્રાઇવરની હાજરીમાં કારમાંથી મ્યુઝિક સિસ્ટમ ચોરાઈ જાય પછી પણ સત્ય જાણી એને સાંત્વન આપવું એ ભરોસો છે. મારી અક્કલ પર હું મુસ્તાક છું એટલે પેલાએ કામ કરી જ બતાવવું પડશે એ શ્રદ્ધા નથી પણ પેલાને જેટલું આવડે છે એમાંથી મને જોઈતું શ્રેષ્ઠ હું મેળવી લઈશ એ છે શ્રદ્ધા.


ગણપતિ બાપાની એક મૂર્તિને બનતા કેટલો સમય લાગતો હશે? એને પાંચ કે દસ દિવસ પૂજ્યા પછી એનું વિસર્જન કરતા આપણને કેટલો સમય લાગે છે? બાપાને લાવવા અને પાણીભેગા કરવા એ બેઉ રિવાજ હશે પણ માણસનું આપણા સંપર્કમાં આવવું અને આપણી જિદ કે અપેક્ષા મુજબ, ટુ-મિનિટ-નૂડલ્સની જેમ ચમત્કાર કરી બતાવવું એ અત્યાચાર છે. બધા જો તમારા જેવા જ હોત અને વેર્બાટિમ જીવતા હોત તો ભગવાન કાંઈ ભગવાન નહીં પણ માણસ નામનું મશીન પેદા કરતું મશીન હોત અને દરેક માણસની પીઠ પર એણેય સિક્કો માર્યો હોત, “મેઇડ ઇન હૅવન…”

સમય આપશો તો જ સંબંધમાં સંબંધમય થઈ શકશો. સમય આપશો તો જ દરેક વ્યક્તિને સમજી શકશો અને પોતે જે સમજો છો એ સમજાવી શકશો. સર્કસના જાનવરને પણ નૈસર્ગિક આદતો છોડીને રિંગ માસ્ટરના ઇશારે નાચતું કરવા સમય આપવામાં આવે છે. આપણે કેમ આપણા થનારને પણ સમય નથી આપતા? કેટલાંય લગ્નો હવે આઠ-દસ મહિનામાં તૂટી પડે છે, કેમ, તો કહે વી આર જસ્ટ નૉટ કમ્પાઇટૅબલ વિથ ઇચ અધર.” લૅબર ટર્નઑવર કે કર્મચારીઓની એક નોકરી છોડી બીજી પકડવાની રીત હવે સામાન્ય બની ગઈ છે, કેમ, તો કહે, “બૉસ આઈ નીડ ટુ ગ્રૉ, આઈ વૉન્ટ મોર મની…” આવું જો ગાંધીજી કહેત અને ભારતની આઝાદીને ઐસીતૈસી કરી બીજા દેશમાં ચાલ્યા જાત તો? કે પછી વૈશ્વિક ઉદ્યોગગૄહ ઊભા કરનાર ટાટા, બિરલા કે અંબાણીએ કર્યું હોત તો? ઉતાવળના રિમૉટ કંટ્રોલથી જિંદગી ચલાવશો તો કાંઈ નહીં વળે. થોડા શાંત પડશો તો સાચા રંગ જડશે અને રૂપ જડશે. પણ એના માટે માણસ થઈને વિચારવું, વર્તવું પડશે એ છે એકમાત્ર શરત.

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://www.adwaitjoshi.com/images/ganapati1.jpg)

VN:F [1.9.10_1130]
Rating: 10.0/10 (1 vote cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
sunday rankaar, 10.0 out of 10 based on 1 rating
Related Posts with Thumbnailspixelstats trackingpixel