તન્નુ વેડ્સ મન્નુ: તોય હું નહીં નાચું

Another still from TANU WEDS MANU

નિર્માતા: વિનોદ બચ્ચન, શૈલેષ સિંહ, સૂર્યા સિંહ

દિગ્દર્શક: આનંદ એલ. રાય

કલાકારો: આર. માધવન, કંગના રાણાવત, જિમી શેરગિલ, દીપક ડોબરિયાલ, સ્વરા ભાસ્કર

રૅટિંગ: * *

સંજય વિ. શાહ

લંડનથી પેસમેકર ડોક્ટર મન્નુ શર્મા (માધવન) ઇન્ડિયા લગ્ન કરવાને આવ્યો છે. કેમ કે એની માતાશ્રી કહે છે કે લગ્ન પણ એક કામ છે તો આ વખતે ઇન્ડિયા આવીને આ કામ પતાવી નાખ. દિલ્હીથી કાનપુર જઈને એ હાલતા-ચાલતા ઊંઘી જનારી તનુજા ત્રિવેદી ઊર્ફે તન્નપાડી(કંગના) એક ફૉટો પાડી પ્રેમમાં પડી જાય છે. તેર વરસથી લંડન રહેતો આ ડોક્ટર કેવો ફૉરવર્ડ હેં! હિન્દી ફિલ્મોમાં સંસ્કારી કન્યાઓ ઘણી જોઈ તમે, આમાં સંસ્કારો વર જુઓ. સંસ્કાર સામે વાંધો નથી હોં બૉસ, ખરેખર, પણ લોચાઓ સામે વાંધો છે.

A still from TANU WEDS MANU

જબ વી મેટની ગીત બિનધાસ્ત હતી, અહીં તન્નુ એવી છે. એ દારૂ ઢીંચે છે, સિગારેટ ફૂંકે છે, ગાળો બોલે છે અને વસ્ત્રોની સ્પીડમાં બૉયફ્રેન્ડ બદલે છે. એવામાં એની હડફેટે, લવ એટ ફર્સ્ટ સાઇટની બીમારીથી ધ્વસ્ત થયેલો મન્નુ આવે છે એટલે એને વૈષ્ણો દેવી જતા રસ્તામાં ધમકાવી નાખ છે, “તેં આપણા લગ્નનો રાડો ઊભો કર્યો છે તો તું હવે એના પર પોતું ફેરવ.” જય માતા દીના (ફિલ્મનો એક સૌથી ઇન્ટરેસ્ટિંગ સીન છે આ) નારા વચ્ચે મન્નુ એના દોસ્ત પપ્પી (દીપક ડોબરિયાલ) સાથે મામલો ચર્ચે છે. પછી પિતાશ્રીને (કે. કે. રાઇના) કહે છે અને લગ્ન ફોક થઈ જાય છે. હવે એ પુગી જાય છે એના દોસ્ત જસ્સી (ઇજાઝ ખાન) અને પાયલનાં (સ્વરા) લગ્નમાં મહાલવા, ફ્રૉમ કાનપુર ટુ કપુરથલા. યોગાનુયોગે, પાયલ અને તન્નુ પણ છે બહેનપણી અને પછી…

Published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper

પહેલા અડધા કલાકમાં આ ફિલ્મ જે માહોલ બનાવે છે એ એવો તગડો છે કે ઘડીક થાય, આજે ટેસડો પડી જવાનો યાર. પછી શરૂ થાય લેખકની (હિમાંશુ શર્મા) દ્વિધાને લીધે ધીમો ધીમો અત્યાચાર. એનો પૂર્ણ ચંદ્ર ખીલે ઇન્ટરવલ પછી અને આપણે થઈ જઈએ નિસ્તેજ! સરાહનીય પ્રયાસ છતાં છેવટે સાધારણ બની રહે છે આ ફિલ્મ એનું કારણ મૂળ આ. બીજું કારણ પાત્રાલેખન અને કલાકારોનું ચયન. માધવન અને કંગના બેઉ સારાં કલાકાર છતાં એમને લગ્નોત્સુક યુવાન, ચંચળતાભરી કન્યા તરીકે કલ્પવા અઘરાં. એમાંય માધવનના પાત્રમાં કોઈ ડાયમેન્શન નથી અને કંગના છકેલ છોરી છે એ દ્રશ્યો કરતાં વધુ એના સંવાદોથી સાબિત કરવાનો પ્રયાસ પણ મોળો. એમાંય, ગુંડાછાપ રાજા (જિમી) સાથે એને ઇન્સ્ટન્ટ પ્રેમ થયાનો આખો મામલો મારીતોડીને ફિલ્મમાં ઠઠાર્યા જેવો લાગે છે. અને તન્નુના મનમાં ધરબાયેલો (જે ધરબાયેલો હતો કે નહીં એ વળી જુદો મુદ્દો છે!) પ્રેમ પાયલના એક ડાયલોગથી ડોલમડોલ થવા માંડે છે એ પણ વિચિત્ર.

Madhavan, Kangna Ranaut in TANU WEDS MANU

અરે હા, પ્રમાણમાં સારાં ગીત (રાજશેખર) અને સંગીતવાળી (કૃષ્ણા, પ્રીતેશ) આ ફિલ્મમાં બે મ્યુઝિકલ પૉઇન્ટ પણ ગરબડિયા, એક તો સૌથી પોપ્યુલર ગીત સાઢી ગલી ભૂલ કે ભી…ની બાદબાકી અને રંગરેઝ ગીતનો અતિરેકભર્યો ઉપયોગ. શું વર્ક કરે છે આ ફિલ્મમાં? સૌથી પહેલાં તો માહોલ, નાનકડાં ભારતીય શહેરોની દુનિયા. કાનપુર અને લખનઊ અને કપુરથલા, બધું સોજ્જું છે. ચિરંતન દાસની સિનેમેટોગ્રાફી ઠીકઠીક છે. હળવી રમૂજનો વ્યવસ્થિત ડોઝ પણ ફિલ્મને કંઈક અંશે સહ્ય બનાવે છે. હેમલ કોઠારીનું એડિટિંગ પણ સારું. અને અભિનયમાં હીરો-હિરોઇન કરતાં વધુ ધ્યાન ખેંચી જાય છે દીપક ડોબરિયાલ જેવા સાથી કલાકાર. એનો અર્થ એવો નથી કે માધવન અને કંગના નબળાં છે, ઑકે? જિમી શેરગિલનું પાત્ર લખાયું અવઢવમાં છે પણ એને એ બને તેટલો સારો ન્યાય દઈ જાય છે. એમણે પણ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું જ છે. રાજેન્દ્ર ગુપ્તા, કે. કે. રાઇના, સ્વરા ભાસ્કર, ઇજાઝ ખાન સારા સાથીદાર પુરવાર થાય છે. રવિ કિશન સુપર વૅસ્ટ થયો છે.

તન્નુ વેડ્સ મન્નુનો સેકન્ડ હાફ ફર્સ્ટ હાફની ટોટલ ક્વૉલિટીના અડધા જેટલો પણ દમદાર હોત તો આ ફિલ્મ પાછળ ફેમિલી ઑડિયન્સ ઘેલું થાત એ નક્કી. પણ એની બદલે એ ફર્સ્ટ હાફના જ સેકન્ડ હાફમાં (એટલે ઇન્ટરવલ પહેલાંના અડધા કલાક વખતે જ) હાંફવા માંડે છે. એવરેજથી થોડી ઊતરતી છતાં મનોરંજનના છૂટકપૂટક છાંટા ઊડાડતી તન્નુ વૅડ્સ મન્નુ જોવા જાવ તો આ યાદ રાખજો હોં.

Powered by

eMangrol - The Best Indian Entertainment Site!

VN:F [1.9.10_1130]
Rating: 9.0/10 (1 vote cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
TANU WEDS MANU REVIEW IN GUJARATI, 9.0 out of 10 based on 1 rating
Related Posts with Thumbnailspixelstats trackingpixel