“દીકરા, સાચું કહેજે, તે આ નથી કર્યુંને? મને ખબર છે તેં નથી કર્યું… રાઇટ?”
“ના, મેં નથી કર્યું, પપ્પા…”
…અને બાપ અને ઍડી (સ્ટિફન ગ્રેહામ) એના દીકરા જૅમી (ઓવેન કૂપર)ને ભેટીને રડી પડે છે. તેર વરસના કિશોર પર એની ઉંમરી છોકરીના ખૂનનો આરોપ મુકાય ત્યારે કયો બાપ માનશે કે મારા દીકરાએ આવું હીન કૃત્ય કર્યું હશે? એ પણ ચાકૂથી એની હમઉમ્ર દોસ્તના શરીર પર સાત-સાત વખત કારમા ધા કરીને?
ઓટીટી પર ગાજી રહેલી બ્રિટિશ સિરીઝ ‘એડોલસન્સ’ એટલે કિશોરાવસ્થા ચાર એપિસોડની છે. નેટફ્લિક્સ પર એની રજૂઆત સાથે એણે ભારત નહીં, આખી દુનિયામાં દર્શકોને પોતાની તરફ ખેંચી લીધા છે, દંગ કરી દીધા છે. એનાં બેએક મુખ્ય કારણ છે. એક તો સિરીઝમાં વાત છે કાચી વયના ટીનએજરે કરેલી હત્યાનો પ્લોટ અને બીજું, એના દરેક એપિસોડની માવજત. ‘એડોલસન્સ’નો દરેક એપિસોડ એક જ શોટમાં શૂટ થયો છે. એટલે, એકવાર એક દ્રશ્ય કે ફ્રેમ સાથે એપિસોડ શરૂ થાય પછી ક્યાંય કટ નહીં. કલાકાર બદલાય, પરિસ્થિતિ બદલાય, લોકેશન પણ બદલાય છતાં, કેમેરા કશેય કટ વિના અસ્ખલિતપણે શૂટ કરે રાખે. આવું કરવું આસાન નથી. ફિલ્મમેકિંગની આ મૌલિક સ્ટાઇલે પણ સિરીઝને જુદી પાડી છે.