Sanjay V Shah સંજય વિ. શાહ - Senior Journalist • Gujarati Language Expert • Editor-in-Chief, Deshwale
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Privacy Policy
Terms & Conditions
Sanjay V Shah સંજય વિ. શાહ - Senior Journalist • Gujarati Language Expert • Editor-in-Chief, Deshwale
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Uncategorized

એઆઈ અને કન્ટેન્ટઃ વિજય, વિરોધાભાસ, વિચિત્રતા

August 18, 2026 by Sanjay Shah No Comments

એક તરફ ટેક્નોલોજીએ અનેકનાં કામ સહેલાં કર્યાં અને કેટલાયને નામવંત કરી દીધા. બીજી તરફ ક્રિએટર બનીને વસવસો કરનારા પણ વધી રહ્યા છે. આ બે અંતિમો વચ્ચેનું વિશ્વ શું છે?

સંજય વિ. શાહ

હૅગ્સફિલ્ડ કોમ્પિટિશનનું નામ ના સાંભળ્યું હોય એ બની શકે. આ સ્પર્ધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનતી ફિલ્મોની છે. એમાં ૧૩૯ દેશથી ૮,૮૦૦ એન્ટ્રીઝ આવી હતી. રિયલ ફિલ્મમેકિંગથી બનતી ફિલ્મોના એવોર્ડ્સ માટે આટલી અધધધ એન્ટ્રીઝ કદાચ નહીં આવતી હોય.

આવી આ સ્પર્ધામાં હાલમાં એક ભારતીય ફિલ્મે સૌનું ધ્યાન ખેંચ્યું. ફિલ્મનું નામ ‘કલયુગ રાઇઝિંગ – ધ બિગિનિંગ.’ સ્પર્ધામાં એણે, મેક યોર સેક્શન, વિભાગમાં વિશ્વની ટોચની દસ ફિલ્મોમાં સ્થાન મેળવ્યું. ફિલ્મનું નિર્માણ ઇમેજિન ઇફ નામની કંપનીના કૃષ્ણાએ, દિગ્દર્શન ડિરેક્ટર પ્રતય સાહાએ કર્યું. એઆઈ આર્ટિસ્ટ અંકુશ દેવા પણ એમાં અગત્યના ક્રિએટિવ સભ્ય છે.

યુટ્યુબ પર બંદર અપના દોસ્ત નામની એક ચેનલ છે. આમ તો એ ૨૦૨૦માં ચાલુ થઈ પણ એઆઈના આગમન પછી એની મદદથી કન્ટેન્ટ કરવામાં મચી પડી. આજે એ દુનિયાની એવી નંબર વન યુટ્યુબ ચેનલ છે જેનું કન્ટેન્ટ એઆઈ જનરેટેડ છે.

ટેલિવિઝન પર આવતી જાહેરાતોમાં પણ એઆઈએ પગપેસારો કરી દીધો છે. એ પણ મોટા પાયે. ગઈ દિવાળીમાં કોકા-કોલાએ ‘ફેસ્ટિકોન્સ’ નામે ઓળખાતી જાહેરાત રિલીઝ કરી હતી. એ એઆઈથી બની હતી. એવી રીતે, હેટિક ઇન્ડિયાની ‘રોસ્ટ ધ રૂમ,’ ફોર્ચ્યુન ઓઇલની ‘હોમ-કૂક્ડ દિવાલી’ એડ્સ એઆઈની પેદાશ. વૈશ્વિક સ્તરે કંપનીઓ હવે એઆઈનો ટેસથી ઉપયોગ કરીને જાહેરાતો બનાવી રહી છે. બર્ગર કિંગે ‘મિલિયન ડોલર વ્હોપર,’ નાઇકીએ ‘નેવર ડન ઇવોલ્વિંગ,’ બીએમડબલ્યુએ ‘ધ ઇલેક્ટ્રિક એઆઈ કેનવાસ’ એડ્સ એઆઈથી બનાવી. મલેરિયા સામે જાગૃતિ માટેનું એક ગ્લોબલ કેમ્પેઇન એઆઈથી બન્યું અને સરાહના પણ કમાયું.

એઆઈ… લે, તેરી ઝિંદગી મેં ચલી આઈ… આ એક ટેક્નોલોજીએ મનોરંજન ઉદ્યોગ, ફિલ્મમેકિંગ, ફોટોગ્રાફી, રાઇટિંગ, પેઇન્ટિંગ… અનેક ક્રિએટિવિટીનાં સમીકરણો બદલવા માંડ્યાં છે. ધડાધડ. એક સમયે જે કળા મોટી એજન્સીઓ, કુશળ ટેક્નોલોજિસ્ટ, કરોડોના ખર્ચે ઊભા થતા પોસ્ટ પ્રોડક્શન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સ્ટુડિયોની દાસી હતી એ હવે સૌની રાજકુમારી થઈ ગઈ છે. એણે, એમ કહી શકાય કે, ક્રિએટિવિટીનું લોકશાહીકરણ કરી નાખ્યું. કારણ હવે સામાન્ય માણસ પણ, ઝૂંપડામાં કે વિલામાં રહેતા ક્રિએટિવિટીનો કસબ દેખાડીને નામ, દામ કમાઈ શકે છે. બસ, એક કોમ્પ્યુટર કે સ્માર્ટફોન સાથે જોઈએ કલ્પનાવિશ્વમાં સ્વૈરવિહાર કરતાં જાદુ કરવાની આવડત.

૨૦૨૪માં એઆઈની ક્રિએટિવિટીની બજાર આશરે ૧૪.૮ અબજ ડોલરની હતી. ૨૦૩૦માં એ હનુમાનકૂદકો મારતી ૮૦.૧૨ અબજ ડોલરની થઈ જવાની છે. યુટ્યુબ પર ઓલરેડી દસેક લાખ એવી ચેનલ્સ ઊગી ચૂકી છે, જે એઆઈથી કન્ટેન્ટ જનરેટ કરે છે. ગયા વરસે યુટ્યુબ પર ફટાફટ વિકસનારી ૧૦૦માંની નવેક એવી હતી જેના માટે સર્જનહાર વિષ્ણુ જેવું કામ એઆઈએ કર્યું હતું. એઆઈથી ધમધમતી ૨૭૮ ચેનલ્સ એવી છે જેમના વિડિયોએ બાવીસ કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ ગજવે કરવા સાથે ૬૩ અબજ વ્યુઝ પણ પટકાવી લીધા છે. પેલી બંદર અપના દોસ્તે રૂ. ૩૮ કરોડ આવક પણ રળી લીધી છે એવી વાત છે. આ પૂરેપૂરી આવક એની યુટ્યુબ ચેનલ પર વિડિયો વચ્ચે આવતી જાહેરાતોથી થઈ છે. આ ચેનલ બોલિવુડ હબ, મુંબઈના બાન્દરા કે હૈદરાબાદના બંજારા હિલ્સ કે ચેન્નાઈના કોડામબક્કમના કોઈક મોટા માથાએ શરૂ નથી કરી. આ ચેનલ આસામમાં રહેતા સુરાજિત કર્માકર નામના સામાન્ય માણસની છે.

અંદાજ એવો છે કે આ વરસના અંત સુધીમાં એનિમેશન અને લાંબા વિડિયોની વૈશ્વિક બજારમાં ૩૦% માલ એઆઈથી ઠલવાશે. શૂટિંગ અને તોસ્તાન ખર્ચ વિના. હોલિવુડમાં એઆઈ માત્ર વિડિયો જનરેટ કરવાને નહીં, ફિલ્મમેકિંગના તમામ કામ માટે છૂટથી વપરાઈ રહ્યું છે. સ્ક્રિપ્ટ એનાલિસીસ, કલાકારોને હોય એના કરતાં યુવાન બતાવવા (આપણે ત્યાં પણ આવું થઈ રહ્યું છે), સેટ ડિઝાઇન, સંગીત, એડિટિંગ, બધાં માટે એઆઈ સાથીદાર છે. નવાઈ નથી કે ઓસ્કર એવોર્ડ્સમાં પહોંચવા ફિલ્મોએ હવે એ જાહેર કરવું પડે છે કે એમણે એઆઈનો વપરાશ કર્યો છે કે કેમ. બાકી, જેઓ લોહી-પાણી એક કરીને કશુંક બનાવે એમના કામને એઆઈ ધોઈ નાખે.

એઆઈની રેસમાં કેવી રીતે ઊતરવું? સુરાજિતની જેમ જાદુ કઈ રીતે સર્જવો?

ગમે તે બનાવવા માંડવાને બદલે શું બનાવવું છે એનો ઊંડો વિચાર કરો. શા માટે બનાવવું છે, જે બનાવીએ એનો કોણ અને શું કામ જુએ એવા અનેક પ્રશ્નો પર ગંભીર વિચાર કરો. આ એવું કામ છે જે એઆઈ માણસ જેટલી સારી રીતે ક્યારેય નહીં કરી શકે. એ પછી પણ, એઆઈની મદદથી કન્ટેન્ટ બનાવતી વખતે માનવીય ક્રિએટિવિટી વિના દાળ ગળશે નહીં. કારણ, એક સારા ક્રિએટર માટે સારું ક્રિએટ કરવા કરતાં અઘરું કામ એ સમજવું છે કે જે સર્જ્યું છે એ ખરેખર સારું છે કે બોગસ છે. ચાલશે કે નહીં ચાલે. એ પછી, ઇન્ટરનેટની, સોશિયલ મીડિયાની દુનિયા, ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે, શું કામ કોઈ વિડિયો ચાલે અથવા વાઇરલ થઈ જાય છે એ શીખો. જાતે ના શીખી શકો તો જેઓ શીખેલા છે એમને કામ સોંપીને તમારા ક્રિએશનને પ્રમોટ કરાવો. એને માર્કેટિંગના મામલે બહુ સતર્ક રહીને એને સતત ન્યાય આપો. બાકી સારામાં સારું કન્ટેન્ટ પણ છેવટે, દળીદળીને ઢાંકણીમાં સાબિત થશે.

એઆઈ સાથે ભવિષ્ય રોચક લાગી રહ્યું હોય તો સમજી લો કે એ અઘરું પણ થઈ શકે છે. એઆઈથી બનતાં સર્જનો માટે વેગળા નિયમો બની રહ્યા છે. કોપીરાઇટના કાયદા હજી એઆઈ સાથે કેવી રીતે પનારો પાડવો એની સમજણ મેળવી રહ્યા છે. એ થશે ત્યારે એઆઈથી તૈયાર કરેલું કન્ટેન્ટ પણ, ઓરિજિનલની જેમ, એના સર્જકના હકની માલિકીનું છે એ સિદ્ધ થવું રહેશે. હમણાં જેમ એઆઈ આલિયાની ટોપી માલિયાને પહેરાવીને, માલિયાને એમ પ્રતીત કરાવે છે કે એણે જોરદાર કશુંક બનાવ્યું છે, એવું ભવિષ્યમાં નહીં થઈ શકે.

એકલા યુટ્યુબ પર દર મિનિટે ૫૦૦ કલાકના વિડિયો અપલોડ થાય છે. આટલાં બધાં કન્ટેન્ટ વચ્ચે, લાખો સર્જકો વચ્ચે ટકી રહેવું આસાન નથી જ. ઇન ફેક્ટ, દેશનાં ઘણાં નાનાં ટાઉન્સ અને ગામોમાં યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ માટે કન્ટેન્ટ બનાવવાના જુવાળ ઊભા થઈ થઈને હવે શમવા પણ માંડ્યા છે. આ સર્જકોને સમજાવા માંડ્યું છે કે ઘેરબેઠા, મનમરજી પ્રમાણે, નામમાત્રના ખર્ચમાં કન્ટેન્ટ બની જાય છે એ માન્યતા પાયાથી ખોટી છે. બીજું, ક્રિએટર બનીને કરોડપતિ બની જવાય છે એ ભ્રમનો પણ ભાંગીને ભુક્કો થવા માંડ્યો છે. એઆઈ હોય કે જાતમહેનત, કન્ટેન્ટ ક્રિએટરે છેલ્લે સારું પીરસવાનું છે. ત્યારે જઈને સારું પરિણામ આવશે.

 

Share:
Reading time: 1 min
Uncategorized

‘સિસ્ટમ’ના માળખામાં જ મોટી ખોટ છે

August 13, 2026 by Sanjay Shah No Comments

આ એવી ફિલ્મ છે જે કદાચ એટલે ધ્યાનમાં લેવાય કે એમાં સોનાક્ષી અને જ્યોતિકા છે. અભિનયના મોરચે જોકે સોનાક્ષી કરતાં જ્યોતિકા વધુ માર્ક્સ મેળવે છે

સંજય વિ. શાહ

 

‘દબંગ’ ગર્લ સોનાક્ષી સિંહાની કારકિર્દી એક સમયે પ્રખર જામી હતી. પછી વળતાં પાણી થયાં. 2010માં સોનાક્ષીએ પદાર્પણ કર્યું હતું. 2013માં ‘લૂટેરા’ આવી હતી જે ભલે સફળ નહોતી પણ નોખી જરૂર હતી. પછી લગભગ હમણાં સુધી સોનાક્ષીની એકપણ એવી ફિલ્મ નથી આવી જે કાં નોંધનીય હોય કાં જેમાં સોનાક્ષીએ સફળતામાં મોટું યોગદાન આપ્યું હોય. એની વચમાં 2023માં એ વેબ સિરીઝ ‘દહાડ’ અને ‘હીરામંડી’માં દેખાઈ. એની ઢીલી પડેલી કારકિર્દીમાં એ બે સિરીઝ પ્રમાણમાં સારી રહી ગણાય. હવે સોનાક્ષી ફરી ‘સિસ્ટમ’માં દેખાઈ છે. પ્રાઇમ વિડિયોની આ ફિલ્મમાં એની સાથે જ્યોતિકા અને આશુતોષ ગોવારિકર પ્રમુખ પાત્રોમાં છે. કેવીક છે ફિલ્મ?

બે કલાક કરતાં જરાક લાંબી ‘સિસ્ટમ’ અશ્વિની ઐયર તિવારીએ ડિરેક્ટ કરી છે. બાવેજા સ્ટુડિયોઝ બેનર છે. નિર્માતા પમ્મી બાવેજા, હરમન બાવેજા અને સ્મિતા બાલિગા છે. ઓટીટી પર ક્રાઇમ અને કોર્ટરૂમ ડ્રામાનાં સતત આવી રહેલાં સર્જનોમાં ‘સિસ્ટમ’ વધુ એક ફિલ્મ છે. 

નેહા રાજવંશ (સોનાક્ષી) પબ્લિક પ્રોસિક્યુટર છે. જીવનમાં એ એકપણ કેસ જીતી નથી. એના પિતા રવિ (આશુતોષ) સફળ વકીલ છે. એમની ફર્મ 

image courtesy; JustWatch

પાટનગરની સફળતમ એડ્વોકેટ ફર્મ્સમાંની એક છે. નેહા સામે પડકાર એવો છે કે એણે પિતા સમક્ષ પોતાની આવડત સિદ્ધ કરવા લાગલગાટ દસ કેસ જીતી બતાવવાના છે. એવામાં એક કેસની સુનાવણી વખતે નેહાનો ભેટો સારિકા (જ્યોતિકા) સાથે થાય છે. સારિકા કોર્ટમાં સ્ટેનોગ્રાફર છે. એક કેસમાં સારિકા નેહાને એવી કંઈક મદદ કરે છે જેનાથી હારેલી બાજી નેહા જીતી જાય છે. એમ, એની જીતનું ખાતું ખૂલે છે. પછી શું? અદાલતોની સુવાનણી સાંભળી સાંભળીને ધીટ થઈ ગયેલી સારિકાની મદદથી નેહા કેસ પછી કેસ જીતતી જાય છે. બેઉની દોસ્તી ગાઢ થાય છે. એવામાં આવે છે દસમો કેસ. એમાં નેહાએ એના પિતાને પરાજિત કરવાના છે જેઓ ડિફેન્સ વતી કેસ લડી રહ્યા છે. એ કેસ છે વિક્રમ બજરાલ (વિજયંત કોહલી) વિરુદ્ધનો, જેમાં એના પર એક યુવતીની હત્યાનો આરોપ છે. નેહા કેસ જીતશે ખરી? એ પણ એના પિતા, એક અત્યંત જાણીતા, સફળ એડ્વોકેટ સામે કે પછી… 

‘સિસ્ટમ’ની કથાનું આ એક પાસું થયું. બીજું પાસું નેહા અને સારિકાને સાંકળતું છે. ફિલ્મ જો જકડી રાખનારી બની શકત તો એનું કારણ આ બીજા પાસાંનો દમદાર ઉપયોગ કરવાની ડિરેક્ટરની આવડત હોત. એની બદલે, 

તિવારી ભારોભાર ઓછાં પડે છે. હરમન બાવેજા, અરુણ સુકુમાર, તિવારી પોતે, તસનીમ લોખંડવાલા અને અક્ષત ઘિડિયાલ, એમ પાંચ પાંચ લેખકોએ ભેગાં મળીને જે સ્ક્રિપ્ટ લખી છે એ અત્યંત કાચી અને દિશાવિહીન છે. નેહા ફિલ્મની કરોડરજ્જુ જેવું પાત્ર છે. એનું લખાણ કઢંગું, કાચું અને ગાંભીર્ય વિનાનું છે. નેહા કેસ લડવા માટે ઓલમોસ્ટ આખી ફિલ્મમાં એવું કશું કરતી નથી દેખાતી જેનાથી એમ થાય કે આને કહેવાય બાહોશ એડ્વોકેટ. હા, એ ઇન્સ્ટા રીલ્સ જોતી જરૂર દેખાય છે! સારિકા જેવી સ્ટેનો નેહાને જે ‘ટિપ’ આપીને વિજયરથ પર

સવાર કરે છે એ એટલી સાધારણ છે કે નવાઈ લાગે, “નિષ્ણાત વકીલ પોતે આવો વિચાર કરવાને સક્ષમ ના હોય કે?” ફિલ્મનો જેના પર દારોમદાર છે એ બજરાલના કેસ વખતે દર્શકને મનમાં એકાદવાર થાય કે હવે નેહા રંગ રાખશે પણ એવું કશું થતું નથી. એ કેસની લડતમાં નેહા એટલી કાચી લાગે છે કે ના પૂછો વાત. 

એના પ્રતિસ્પર્ધી, એના પિતા રવિનું પાત્ર કેરીકેચર જેવું છે. એણે સંવાદોથી સાબિત કરવાનું છે કે પોતે કેટલો વગદાર એડ્વોકેટ છે, નહીં કે એક્શન કે ઘટનાથી. પિતા-પુત્રી વચ્ચેનાં અમુક દૃશ્યો, જે એટલે લખાયાં હશે કે કોર્ટરૂમ ડ્રામા સાથે ફિલ્મ પારિવારિક અને સંવેદનાત્મક રીતે પણ અસરકારક બને, એમાં કશી ભલીવાર નથી. એ દૃશ્યોની તુલનામાં, જૂની ફિલ્મોનાં એ પ્રકારનાં દૃશ્યો, વધુ સારાં લાગે. 

મૂળે, કોર્ટરૂમ ડ્રામા, બાપ-દીકરીનો સંબંધ અને નેહા-સારિકાનું એકમેકને ઉપયોગી થવું, એ ત્રણ ટ્રેકમાંથી ફિલ્મમાં કોઈ ટ્રેક એ મુકામે પહોંચતો નથી જ્યાંથી એ બાગડોર સંભાળીને, બાકીના બે ટ્રેક નબળા રહે તો પણ, ફિલ્મને તારી જાય. સારિકાની અંગત જિંદગી એવી રીતે દર્શાવવામાં આવે છે કે એની મિડલ ક્લાસ સ્ટ્રગલ ક્ષણભર માટે વાસ્તવિક લાગે નહીં. એ દર્શાવવામાં ખર્ચવામાં આવેલો સ્ક્રીન ટાઇમ અર્થવિહોણો છે. 

ફિલ્મને ડૂબાડતું એટલું જ મોટું કારણ અધકચરું એક્ઝિક્યુશન છે. શું ડિરેક્શન કે શું પડદા પર દેખાતી સ્થિતિઓ અને રંગો, કશાયમાં નાવીન્ય નથી. એટલું ઓછું હોય તેમ બેકગ્રાઉન્ડ મ્યુઝિક કોઈ નક્કર પેટર્ન કે અદા વગરનું છે. કબીર કાથપલિયા (ઓએફ), કાર્તિક માનિકવાસકમ, ઍના રહમાન અને સવેરા જેવાં ચાર સંગીતકારો સહિયારા ચાર એવી ટ્યુન ફિલ્મમાં ફિટ કરી શક્યાં નથી જે દૃશ્ય કે પરિસ્થિતિને ઉઠાવ આપે. એવું જ ફિલ્મની ડાર્ક સિનેમેટોગ્રાફી (રંગરાજન રમાબદ્રન) માટે કહી શકાય. આખી ફિલ્મ એવા ટોન પર આગળ વધ્યે રાખે છે જે આડકતરી રીતે એવો સંદેશો આપવા મથે છે કે આપણે સિરિયસ ફિલ્મ નિહાળી રહ્યા છીએ. એવા ટોનથી શું? જ્યાં સુધી ગાંભીર્ય દર્શકને સ્પર્શે નહીં, બધું એળે ગયું કહેવાય. અરે હા, ફિલ્મની પશ્ચાદભૂ દિલ્હી છે એવું માત્ર અછડતું વર્તાય છે. એનો કોઈ લાભ ફિલ્મ લઈ શકતી નથી કે નથી કે એ સંદર્ભમાં પોતાનું કોઈ કેરેક્ટરાઇઝેશન સર્જી શકતી. ફિલ્મમાં જે અન્ય પાત્રો છે, જેમ કે નેહાનો ભાઈ આલોક (આદિનાથ કોઠારે), એનો બોયફ્રેન્ડ વગેરે, એ પૂરક પાત્રો તરીકે કોઈ ખાસ કામનાં નથી. 

‘સિસ્ટમ’ એવી ફિલ્મ છે જે કદાચ એટલે ધ્યાનમાં લેવાય કે એમાં સોનાક્ષી અને જ્યોતિકા છે. અભિનયના મોરચે જોકે સોનાક્ષી કરતાં જ્યોતિકા વધુ માર્ક્સ મેળવે છે. આશુતોષના પાત્રમાં કોઈ ઊંડાણ નહીં હોવાથી એ ધારે તોય અહીં કશું કરી શકવાની સ્થિતિમાં હોત નહીં. ટૂંકમાં, રસવિહાણી અને અસરવિહોણી ‘સિસ્ટમ’ જોઈ તો શું અને…

Share:
Reading time: 1 min
Uncategorized

સંકલ્પઃ સરસ વાત, સાધારણ રજૂઆત

August 11, 2026 by Sanjay Shah No Comments

નાના પાટેકર ના હોત તો ‘સંકલ્પ’ જેટલી સહ્ય અને જોવાયોગ્ય છે એની અડધી પણ ના થઈ હોત. ક્યાંક એ ઠરાવવું અઘરું થઈ જાય છે કે સિરીઝ જોવાની મજા આવી રહી છે કે કંટાળો આવી રહ્યો છે

સંજય વિ. શાહ

 

પ્રકાશ ઝાની ‘આશ્રમ’ અને ‘સંકલ્પ’ વચ્ચે શી સામ્યતા છે? વિષયનું નાવીન્ય અને દેશી દર્શકને ગમી જાય એવી રજૂઆત. આ બેઉ સિરીઝ વચ્ચે ફરક શો છે? બોબી દેઓલવાળી સિરીઝ દમદાર લેખન અને ગુણવત્તાસભર પ્રવાહથી પ્રભાવિત કરી ગઈ હતી. નાના પાટેકરવાળી સિરીઝ એવા લેખનના અભાવે પોતાના બોજતળે છ-સાડાછ કલાકના રોકાણનું અપેક્ષિત વળતર આપવામાં મોળી પડે છે.

બિહારના પટણા શહેરમાં મોડર્ન ચાણક્ય નામે કન્હૈયા લાલ ઉર્ફે મા’ટ સા’બ (નાના પાટેકર) ગુરુકુળ ચલાવે છે. ગુરુકુળ શું, વાસ્તવમાં એ એવી એક ફેક્ટરી છે જ્યાં વિદ્યાર્થીઓને નાની વયે ‘ખરીદી’ લાવવામાં આવે છે, ઘડવામાં આવે છે અને સુનિશ્ચિત કરવામાં આવે છે કે એક દિવસ વિદ્યાર્થી મા’ટ સા’બ સ્પોન્સર્ડ, સત્તાનાં સમીકર

ણો ઉથલપાથલ કરી નાખતી શતરંજની રમતમાં મહત્ત્વનું પ્યાદું બનશે. મા’ટ સા’બનો પોતાનો રાજકીય ભૂતકાળ છે. તેઓ અંદરથી ઘવાયેલા છે અને ચાહે છે કે સત્તા એ પ્રમાણે જ ચાલે જે પ્રમાણે તેઓ ઇચ્છે.  

એમની હજી એક શૈક્ષણિક સંસ્થા નામે ચાણક્ય કોચિંગ ક્લાસેસ દિલ્હીમાં છે. એમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ પદો માટે કસદાર રીતે ઘ

ડવામાં આવે છે. દિલ્હીમાં જનશક્તિ મોર્ચાની સરકાર છે. મુખ્ય પ્રધાન પ્રશાંત સિંઘ (સંજય કપૂર) અને એમનું દોરીસંચાલન કરતો વકાર (નીરજ કાબી) છે. વકાર અને મા’ટ સા’બનો ભૂતકાળ પરસ્પર સંકળાયેલો છે… 

image courtesy: Amazon mx player

પ્રાઇમ વિડિયોની ‘સંકલ્પ’ પ્રોમિસિંગ અને રિફ્રેશિંગ સેટઅપ ધરાવે છે. ઝાની 2010ની ફિલ્મ રાજનીતિમાં નાના પાટેકર, ભગવાન શ્રીકૃષ્ણની છાં

ટ સાથેના ચાણક્ય જેવા પાત્ર, બ્રિજ મોહન તરીકે છવાયા હતા. સિરીઝમાં એમનું પાત્ર એનાથી એક ડગલું આગળનું અને કેન્દ્રવર્તી છે. બેહદ બોલકા અને અપાર આત્મવિશ્વાસથી છલકતા (કે પીડિત) મા’ટ સા’બના પાત્રનું કામ છે દિલ્હી સકારના દાંત ખાટા કરવાનું. દેશમાં સત્તા ચલાવતા નેતાઓ અને એમનાં રિમોટ કન્ટ્રોલ, બેમાંથી કોણ વધુ મહત્ત્વનાં કે શક્તિશાળી, એની છણાવટ આ સિરીઝ છે. એ માટે ગુરુકુળ, વિદ્યાર્થીઓનો બેઝ લેવાયો એ નવી વાત છે. 

તેજસ્વી વિદ્યાર્થીઓ મા’ટ સા’બના ઘડતરમાં આઈએસ, આઈપીએસ, આઈઆરએસ અધિકારીઓ તરીકે સત્તાના દરેક સ્તરે બિરાજે છે. એમના માટે જોકે પદ, સરકાર કે નિયમો આખરી શબ્દ નથી. એમના માટે આખરી શબ્દ એ જે મા’ટ સા’બ કહે. આ અધિકારીઓ બાહ્ય દ્રષ્ટિએ બ્યુરોક્રસીને વફાદારીથી અનુસરતા સરકારી નોકરો છે. અંદરખાને એમના રિયલ બોસ મા’ટ સા’બ છે. એમના સૌથી માનીતા વિદ્યાર્થીઓમાં એક આદિત્ય વર્મા (મહંમદ ઝીશાન અયુબ) છે. આઈપીએસ અધિકારી તરીકે એ શક્તિશાળી પ્યાદું છે પણ એની અને ગુરુ વચ્ચે પડતી અંટસમાં એ ‘પક્ષપલટો’ કરીને શત્રુપક્ષે, વકારની તરફ થઈ જાય છે. એમ શરૂ થાય છે એની અને ગુરુ વચ્ચે ગજગ્રાહ. ગુરુની અન્ય એક વિશ્વાસુ શિષ્યા ડીસીપી પરવીન શેખ (કુબ્રા સઇદ) સિદ્ધાંતવાદી અધિકારી છે. એ મા’ટ સા’બના ઇરાદા બર આવે એ માટે બધું કરી છૂટવા પ્રતિબદ્ધ છે. 

‘સંકલ્પ’નાં અનેક પડ ઉત્કૃષ્ટ લેખન (રેશુ નાથ, પ્રસાદ કદમ, ચંદન કુમાર)થી વરખ જેવાં વટવાળાં અને મોંઘેરાં થઈ શક્યાં હોત. થાય છે જરા અલગ. છીછરી કલ્પનાશીલતા અને વારંવાર વહાવવામાં આવતા વાતોડિયાપણાથી સિરીઝ પોતાની માયાજાળમાં સતત અટવાતી રહે છે. વાત જરાક જામે ત્યાં ઠેબું ખાઈને, મોં વકાસીને એ જાણે ઊભી રહી જાય છે અને પૂછે છે, “જાયે તો જાયે કહાં?” નિષ્ઠુર રાજકારણને છાજે એમ પાત્રોની વફાદારી વારંવાર અહીંથી તહીં ફંગોળાતી રહે છે. અસરકારક ઘટનાઓથી એને જકડી રાખતી તાકાતમાં પરિવર્તિત કરી શકાત પણ એવું થતું નથી. એની બદલે સંવાદથી કે સાધારણ ઘટનાથી ભીનું સંકેલવાનો અને કથાને કશેક ફંગોળીને તાતત્પૂરતું સમાધાન શોધવાનો પ્રયત્ન થયા કરે છે. આ મુદ્દો વારંવાર સિરીઝની વિરુદ્ધ જાય છે.

ખૂબ બધાં પાત્રો છે. અમુક વ્યવસ્થિત આકાર મેળવી શક્યાં છે. દિલ્હી સીએમ સિંઘ તરીકે સંજય કપૂરના ફાળે નિરાશાવાદી દ્રષ્ટિકોણ રાખતા અને વકારના ખીલે નાચતા સત્તાધીશનું પાત્ર આવ્યું છે. એમાં ક્યાંય કશું વખાણવાલાયક નથી. એનાથી બહેતર પાત્ર નીરજ કાબીનું છે કેમ કે એમાં શેડ્સ છે, અભિનયનો સ્કૉપ છે. કાબી એનો પૂરતો ફાયદો ઉઠાવીને પાટેકર પછીની સિરીઝની સૌથી દમદાર કડી બને છે. મા’ટ સા’બના પડછાયા જેવી સુહાસિની તરીકે મેઘના મલિક છે. એ પણ પૂરક પાત્ર છે. અમુક એપિસોડ્સમાં ઝળકતા કસ્તૂરીના પાત્રમાં ક્રાંતિ પ્રકાશ ઝા, સત્યવીર મિશ્રા તરીકે તુષાર પાંડે ખાસ પ્રભાવ છોડતા નથી. 

આવી લાંબી સિરીઝ સડસડાટ કે કટકેકટકે જોવા માટે જોઈતું કારણ અસરકારકતા સિવાય શું હોય? ઝાએ આ પહેલાં રાજકારણ, પોલીસ વિભાગ વગેરેને પેશ કરતી સુંદર ફિલ્મો આપી છે. ‘ગંગાજલ’ એમાંની એક. ’આરક્ષણ,’ ‘ચક્રવ્યૂહ’ અને ઇવન ‘આશ્રમ’માં રાજકારણ હતું. એટલે, ઝાને આવા વિષયની ઊંડી સમજણ છે. એમાં બેમત હોઈ શકે નહીં. વળી આ સિરીઝ એવી વાત લાવી છે જે આ પહેલાં, આ રીતે કોઈએ દર્શકો સમક્ષ મૂકી નથી. છતાં, ધાર્યું પરિણામ એટલે આવ્યું નથી કેમ કે સિરીઝ વધુ પડતી બોલકી છે. એ મા’ટ સા’બ પર ભયંકર દારોમદાર રાખીને એના બોજતળે ચગદાઈ જાય છે. જો નાના પાટેકર ના હોત તો ‘સંકલ્પ’ જેટલી સહ્ય અને જોવાયોગ્ય છે એની અડધી પણ ના થઈ હોત. સત્તાધીશ વર્સીસ રિમોટ કન્ટ્રોલ, નેતા વિરુદ્ધ અધિકારીની લડાઈમાં કશેય નીતિની, પ્રામાણિકતાની ખાસ વાત નથી. કદાચ સંદેશ એવો છે કે સત્તાના અખાડા માટે કહી શકાય કે ઇસ હમામ મેં…   

ચાણક્યની ચતુરાઈ અને નેતાઓની ખંધાઈનો મેળ પાડવામાં ‘સંકલ્પ’ કંઈક અંશે કારગત રહે છે. એમ કરવામાં એ ભરપૂર બેકગ્રાઉન્ડ મ્યુઝિક પીરસે છે. એ ક્યાંક અસરકારક છે અને અન્યથા એવરેજ. દ્રશ્યોને સારી રીતે રજૂ કરવામાં ચંદન કોવલીની સિનેમેટોગ્રાફી સહાય કરે છે. એડિટિંગ અને ઇફેક્ટ્સ બહુ સ્તુત્ય નથી. સારી, આશાસ્પદ શરૂઆત પછી વચ્ચેના મોટાભાગના એપિસોડ્સમાં ઝોલાં ખાતી સિરીઝ જોનારના ધૈર્યની પરીક્ષા લેતી રહે છે. ઘણા ટ્વિસ્ટ અધકચરા છે. અમુક પાત્રો કશું સિદ્ધ કર્યા વિના હવામાં ઓગળી જાય છે.

બધી મુશ્કેલીઓનું નિવારણ બેએક જગ્યાએ હતું. એક લેખન અને બીજું, એડિટિંગ. કાંઈ નહીં તો સિરીઝની લંબાઈને એટલી ઓછી કરી જ શકાઈ હોત જેનાથી નકામી બાબતો બહાર થઈ જાય અને સારી બાબતો સજ્જડપણે સામે આવી જાય. ‘સંકલ્પ’ની ફેવરમાં જતો મુદ્દો હોય તો ઝાની દેશી ઢબની કૃતિ સર્જવાની, વાસ્તવિકતા આસપાસ ઝળુંબાયા કરતી અદા અને શક્તિ. ઓટીટી પર આવ્યે રાખતી અને પોતાને ડિફરન્ટ કરાર આપવા છટપટિયાં કરતી અનેક સિરીઝ કરતાં ‘સંકલ્પ’ વધુ સંનિષ્ઠ છે. તેથી, ક્યાંક એ ઠરાવવું અઘરું થઈ જાય છે કે સિરીઝ જોવાની મજા આવી રહી છે કે કંટાળો આવી રહ્યો છે. તમે પણ જોઈને નક્કી કરી શકો છો કે… 

 

Share:
Reading time: 1 min
Uncategorized

મર્સી અને ધ તાજ સ્ટોરીઃ બેમાંથી શું જોવું?

August 10, 2026 by Sanjay Shah No Comments

એક ફિલ્મ ભવિષ્ય તો બીજી ઇતિહાસ તરફ લઈ જાય છે. એક ટેક્નોલોજીથી તરબતર તો બીજી પ્રશ્નોસભર છે. બેમાંથી કોણ દર્શકના સમયના રોકાણ માટે બહેતર છે એની છણાવટ કરીએ

સંજય વિ. શાહ 

image courtesy: Zeemusic company

આપણે ત્યાં એક ફિલ્મ સફળ થયા પછી એવી ફિલ્મોનાં ધાડાં ઊતરે એવું અન્યત્ર થાય છે. હોલિવુડમાં પણ થાય છે. જાન્યુઆરીમાં એક અમેરિકન ફિલ્મ ‘મર્સી’ આવી હતી. એ પ્રાઇમ વિડિયો પર આવી છે. હિન્દીમાં જોઈ શકાય છે. ફ્યુચરિસ્ટિક સેટઅપ ધરાવતી ફિલ્મ સોએક મિનિટની છે. વાર્તા રસપ્રદ ખરી પણ ફિલ્મનું ઘડતર સાધારણ છે.
ક્રિસ ( ક્રિસ પૅટ) લોસ એન્જલેસનો પોલીસ અધિકારી છે. એના પર એની પત્ની નિકોલ (એનાબેલ વાલીસ)ની હત્યાનો આરોપ છે. વર્ષ ૨૦૨૯નું છે. જગત પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ અનહદ વધ્યો છે. ક્રિસ વિરુદ્ધ ચાલતો ખટલો સામાન્ય અદાલતને બદલે એઆઈ અદાલત, મર્સીમાં, ચાલે છે. એની પાસે નિર્દોષતા સિદ્ધ કરવા નેવુ મિનિટ છે. અદાલતમાં સુવાનણી જજ મેડોક્સ (રેબેકા ફર્ગ્યુસન) સામે ચાલે છે. રેબેકા માણસ નથી. એ એઆઈ ન્યાયાધીશ છે. લાગણી અને માનવીય સંવેદનાઓવિહીન મશીન છે. એ કામ કરે છે માત્ર પુરાવાઓને આધારે. એની પાસે આખા શહેરની પૂરી ડિજિટલ સિસ્ટમ, શહેરના દરેક નાગરિકનાં તમામ ડિજિટલ ઉપકરણોના ડેટાનો એક્સેસ છે. એની નજરથી કશું છૂપું નથી. ક્રિસે સિદ્ધ કરવાનું છે કે એ નિર્દોષ છે અન્યથા, જે ખુરશી પર એ બેઠો છે એના પર એના રામ રમી જશે. એ હશે રેબેકાનો આદેશ.
‘મર્સી’ કોન્સેપ્ટ સિનેમા છે. કોન્સેપ્ટ મસ્ત છે. માણસ વિરુદ્ધ મશીન. સંવેદના વિરુદ્ધ સત્ય. અદાલતમાં માણસ નિર્ણાયકપદે હોય ત્યારે ઘાલમેલ શક્ય હોય પણ માત્ર માહિતીના આધારે મથતા મશીન સામે પોકળ દલીલ ચાલે? બની શકે કે મશીનને થયેલું ફીડિંગ ખોટું હોય તો…
મર્સીનો કોન્સેપ્ટ સ્ક્રીનલાઇફ ફોરમેટ કહેવાય છે. એટલે એવી ફિલ્મ જેમાં કથાનકમાં જાતજાતની સ્ક્રીન્સનો ઇજારો હોય. આવી ફિલ્મ, પડદે સતત દેખાતી સ્ક્રીન્સની જેમ લાઇફલેસ થઈ શકે છે એનો પુરાવો આ ફિલ્મ છે. આ પ્રકારની ફિલ્મોનો આવિષ્કાર ક્યારનો થઈ ગયો હતો. ૨૦૧૪ની ‘અનફ્રેન્ડેડ’ લગભગ આખ્ખેઆખી સ્કાયપે ફિલ્મ હતી. ખૂબ સફળ હતી. ચાર વરસે એની નેક્સ્ટ ફિલ્મ ‘અનફ્રેન્ડેડઃ ડાર્ક વેબ’ આવી હતી. એ પણ સરસ હતી. ૨૦૧૮ની ‘સર્ચિંગ’ પણ આ ટાઇપની હતી. આ પ્રકારમાં એ અત્યાર સુધીની એક સર્વોત્કૃષ્ટ ફિલ્મ ગણી શકાય. એમાં વાત હતી એક પિતાની જે એની ખોવાયેલી દીકરીની ભાળ મેળવવા મથે છે. ૨૦૨૩ની ‘મિસિંગ’ (‘સર્ચિંગ’ની સ્પિરિચ્યુલ સિક્વલ) પણ સારી હતી. કોવિડ વખતે ૫૭ મિનિટની ‘હોસ્ટ’ ફિલ્મ આવેલી. એકદમ અસરકારક હતી એ. આપણે ત્યાં મલયાલમ ફિલ્મ ‘સી યુ સૂન’ પણ એ વરસે આવી હતી. એ માણવા જેવી હતી…

‘મર્સી’ જામતી નથી એનું કારણ ફોરમેટ નથી. કારણ છે એકદમ નબળું લેખન અને એવું જ મેકિંગ. ક્રિસે ખરેખર નિકોલની હત્યા કરી છે કે વાત કંઈક અલગ છે એવડી વાતને દોઢ કલાક ચગળવા માટે સ્ક્રીનપ્લેમાં જે મીઠાશ, મોણ જોઈએ એ નથી. ફિલ્મ એકદમ યંત્રવત્ છે. એટલી હદે કે એક વિવેચકે એને સિક્યોરિટી કેમેરા ફૂટેજ કહી દીધી અને એ લગભગ સાચું છે. ટિમ્યુર બેકમેમ્બેટોવના દિગ્દર્શનમાં ખબર પડતી નથી કે વાર્તા અને કલાકારોનું લશ્કર લડે છે તો કઈ દિશામાં અને લડે છે તો કઈ બાજી જીતવા માટે.
આવો મુદ્દો છેડનારી ફિલ્મે એઆઈની ભાવિ અસર અને શક્યતાઓને તપાસવાની અને પેશ કરવાની જરૂર હોય. એની બદલે એ છીછરી રજૂઆત બનીને રહી જાય છે. સૌથી મોટો રંજ એ વાતનો કે ક્રિસ પૅટ અને રેબેકા જેવાં કલાકારોની હાજરી કશું સિદ્ધ કરી શકતી નથી. ક્રિસ જેવો અભિનેતા આખી ફિલ્મમાં ખુરશી પર બેઠો રહે એ વાર્તાની મજબૂરી હશે, પણ એની ક્ષમતાનો કસ નીકળે એવી પટકથા તો બની જ શકત. એ માટે લખાણમાં ક્યાંય શક્યતા સર્જાઈ નથી. રેબેકા પોતાની રીતે કૃત્રિમ પાત્રને કસાયેલું બનાવવા મથે છે પણ…
ટેક્નિકલી ‘મર્સી’ હોલિવુડ સ્ટાન્ડર્ડ નથી. ઘણી જગ્યાએ ઇફેક્ટ્સ વગેરે આપણી ફિલ્મોને સારી લેખાવે એવી છે. ‘મર્સી’ જોવાની શરૂઆત કરીએ ત્યારે, જજ સાહિબા કહે કે “નેવુ મિનિટમાં નિર્દોષતા સાબિત કર કાં મર,” એ જોઈને થાય કે જલસો પડી જવાનો. પછી બધું પોકળ અને કંટાળાજનક. તો, પોતાના પર મર્સી રાખતાં આ ફિલ્મ નહીં જુઓ તો સારું.

ધ તાજ સ્ટોરીઃ ધ ‘પરેશ’ પાવર
આજકાલ ઘણી ફિલ્મો, રાજકીય દ્રષ્ટિકોણથી, પ્રોપગંડા ફિલ્મ તરીકેનું કલંક મેળવી લે છે. એવી એક ફિલ્મ ઓક્ટોબરમાં આવી, ‘ધ તાજ સ્ટોરી.’ પરેશ રાવલને મુખ્ય પાત્રમાં રજૂ કરતી ફિલ્મના દિગ્દર્શક તુષાર અમરીષ ગોયેલ છે. દર્શકો એમના કામથી ઝાઝા પરિચિત નથી. આ એમની પહેલી મેઇનસ્ટ્રીમ ફિલ્મ છે. અમુક શોર્ટ ફિલ્મો ઉપરાંત, ૨૦૧૭માં તુષારે ‘મોદી કાકા કા ગાંવ’ નામની એક ફિલ્મ બનાવી હતી એ સ્હેજ.
‘ધ તાજ સ્ટોરી’, નામમાં દેખાતા ગુણ અને પોસ્ટર પ્રમાણે, તાજ મહેલના નિર્માણ અને એની સાથે સંકળાયેલી વાસ્તવિકતાની તહકીકાત કરે છે. તાજ ખરેખર મુમતાઝનો મકબરો છે કે પછી, જાતજાતના દાવા થાય છે એમ, કોઈક મહેલ કે શિવમંદિર કે… સત્યશોધનનું કામ કરતી હોય એમ ફિલ્મ તાજ સાથે સંકળાયેલી જાણી-અજાણી અને ક્યાંક ક્યાંક નવાઈ પમાડતી વાતો દર્શકો સામે મૂકતી રહે છે. ખાસ કરીને શરૂઆતી, કથાને આકાર આપવાનું માળખાકીય કામકાજ પતી જાય એ પછી.
તાજના ખાનદાની ગાઇડ વિષ્ણુ દાસ (પરેશ રાવલ) એકવાર દારુ ઢીંચીને, અનાયાસે તાજ વિશે એવું કંઈક બોલી નાખે છે જેનો વિડિયો વાઇરલ થઈ જાય છે. એથી, એમના ગાઇડ તરીકે કામ કરવા પર અસોસિયેશન તવાઈ મૂકી દે છે. વિષ્ણુના દીકરા અવિનાશ (નમિત દાસ) પર પણ તવાઈ મૂકી દેવામાં આવે છે. વિષ્ણુ અદાલતનાં દ્વાર ખટખટાવે છે. પોતાનો વ્યવસાય પાછો મેળવવા માટે નહીં. પાઠ્યપુસ્તકોમાં તાજ વિશે જે કાંઈ લખાયું છે એને સત્ય પ્રમાણે સુધારવું, એવી યાચિકા સાથે. ‘ઓહ માય ગોડ’ની જેમ અહીં પરેશ રાવલ પોતે પોતાના વકીલ તરીકે લડત આપે છે. સામે છે એડ્વોકેટ અનવર રશીદ (ઝાકીર હુસેન). ઉમેશ શુક્લની ‘ઓહ માય ગોડ’માં ભગવાન સામેની જંગ હતી. અહીં જંગ ઇતિહાસ સામે છે.
તાજ વિશે વિવાદો નવા નથી. અદાલતમાં અનેક લોકોએ તાજના ભંડકિયાના ઓરડા ખોલીને એમાં શું છે એ જાહેર કરવા, તાજને ફલાણું અને ઢીંકણું જાહેર કરવા ફરિયાદો કરી છે. ફિલ્મ એ બાબતોને કાલ્પનિક કથામાં બાંધીને વિશ્લેષણ કરે છે. શરૂઆત ધીમી અને નીરસ છતાં, ધીમેધીમે દર્શકનું ધ્યાન ખેંચાવા માંડે છે. ખાસ કરીને એ તબક્કેથી જ્યારે મામલો ઓલમોસ્ટ કોર્ટરૂમ ડ્રામા બની જાય છે. પરેશભાઈના અભિનય ઉપરાંત ફિલ્મની તાકાત ‘સંશોધન’ છે, જેના આધારે સિચ્યુએશન્સ અને સિક્વન્સીસ બની છે. તાજ ક્યારે બન્યો? તાજ ખરેખર મુમતાઝ મહલની કબર છે કે બીજું કશુંક? તાજ બનાવવાનો જશ શાહજહાંને જાય છે કે એણે તો બસ પહેલેથી હાજર મહેલને મકબરામાં ફેરવીને જશ ખાટી લીધો? ભારતમાં મોગલ સ્થાપત્યશૈલીએ ઝંડા ફરકાવ્યા હતા કે પછી કહેવાતી આ શૈલીના મૂળમાં ભારતીય સ્થાપત્યકળા છે? તાજ વિશે વિદેશી ઇતિહાસકારો અને પ્રવાસીઓએ લખેલી વાતો ખરી છે કે ગપગોળાં છે? શાહજહાંના ઇતિહાસકાર, અબ્દુલ હમીદ લાહોરીના પર્શિયન પુસ્તક પાદશાહનામામાં તાજ વિશે શી નોંધ છે? અને, જો તાજ કબર હોય તો મુમતાઝની બબ્બે કબર શાને છે? અને તાજના ભંડકિયામાં જે ઓરડા છે એ શાને બંધ છે? એમાં ખરેખર શું ધરબાયેલું પડ્યું છે?

‘ધ તાજ સ્ટોરી’ બોક્સ ઓફિસ પર ઠીકઠીક રહી હતી. ઓટીટી પર એણે ધ્યાન ખેંચ્યું છે. ‘પરેશ’ પાવર ઉપરાંત તાજમાં લોકોની અખૂટ રુચિ એનાં બે પ્રમુખ કારણ છે. પરેશભાઈની સ્ક્રીન પ્રેઝન્સ અને એમનો અભિનય, બે કારણોસર ફિલ્મ સતત વહેતી લાગવા સાથે, તાજની હકીકતો વિશે મનમાં તરંગો સર્જતી રહે છે. છતાં, હકીકત જાણવા માટે નહીં, તાજ સાથે સંકળાયેલી નવાઈ પમાડે એવી વાતો જાણવા માટે ફિલ્મ જોઈ શકાય. એ સાચી છે કે ખોટી એના પર ફિલ્મ પત્યા પછી વિચારી શકાય. અને પછી રસ પડે તો બેશક, તાજની હકીકતો વિશે ખાંખાખોળા કરી શકાય છે. પોતાના જ્ઞાન અને સંતોષ માટે. ફિલ્મ બહારના સોર્સીસથી. ફિલ્મ છે લાયન્સગેટપ્લે પર અને એ પ્રાઇમ વિડિયો સાથે કનેક્ટેડ છે.

Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

કોરિયન ડ્રામાઃડ્રામાઃ સ્ક્રિપ્ટની કસોટીથી વૈશ્વિક વિજય સુધી ઇન્ટ્રો

July 27, 2026 by Sanjay Shah No Comments

આપણી આસપાસ દક્ષિણ કોરિયામાં પણ સેટેલાઇટ ટીવી, પછી ઇન્ટરનેટ વગેરે ક્રાંતિ થઈ. ઓટીટીએ પણ એ રીતે પા પા પગલી ભરી પણ આજે કોરિયન ડ્રામા સામે આપણી સિરીઝ કોઈ વિસાતમાં હોય એવું લાગતું નથી. ભારતે એ મામલે ઘણું શીખવાનું અને આત્મસાત્ કરવાનું છે. બે ભાગમાં ચર્ચા કરીએ

સંજય વિ. શાહ 

ભાગ એક

ટીટીએ લાઇમલાઇટમાં લાવીને મૂકી દીધા છે. આવક રળતા પણ કરી દીધા છે. છતાં, ગુણવત્તાની, વૈવિધ્યની વાત આવે ત્યાં ઓટીટી શોઝે અને સ્ટ્રેઇટ ટુ ઓટીટી ફિલ્મોએ પણ ઘણું સુધરવાનું બાકી છે. કારણ? ઓટીટીએ પણ બોલિવુડની ઘણી બેઢંગી રીતોને અપનાવી છે. જોકે થાય પણ શું? બેઉ જગ્યાએ કામ કરતાં માથાં મોટાંભાગે એક ખરાંને.
આપણી ઓટીટી ઇન્ડસ્ટ્રીએ થોડું કોરિયન ઇન્ડસ્ટ્રી પાસેથી શીખવાની જરૂર છે. વચમાં એક વિડિયો વાઇરલ થયો. એમાં એક કોરિયન શોના શૂટિંગની ઝલક હતી. શૂટિંગમાં સ્ટાર્સ હતા, ટોચના ટેક્નિશિયન્સ હતા પણ દેખાડો નહોતો. આઉટડોર શૂટિંગ છતાં કલાકારો માટે વેનિટી વેન્સ (શૂટિંગ વચ્ચેના ફાજલ સમયમાં કલાકારો જેમાં ટેસથી આરામ ફરમાવે એ માટેની પોશ, મોંઘીદાટ વૅન) નહોતી કે નહોતી કોઈને સ્પેશિયલ ટ્રીટમેન્ટ.
સાથે, કોરિયન ડ્રામાઝ સ્ક્રિપ્ટથી માંડીને પ્રોડક્શન વેલ્યુઝ અને પોસ્ટ પ્રોડક્શન, એટલે શૂટિંગમાં ભેગાં થયેલાં દ્રશ્યોના કાચા માલને એડિટિંગ, કલર કરેક્શન, સ્પેશિયલ ઇફેક્ટ્સ વગેરેથી ફાંકડું બનાવવાની બાબતે બહુ ચોકસાઈ ધરાવે છે. એવું શું કરે છે આ કોરિયન્સ જે આપણા સર્જકો નથી કરી શકતા?
ફોર્મ્યુલા. કોરિયન ફોર્મ્યુલા ચુસ્ત બજેટની આસપાસ ફરે છે. એક એક રૂપરડી (સાઉથ કોરિયન વોન) વાપરતી વખતે ઓટીટી માંધાતાઓ, નિર્માતાઓ બહુ કાળજી રાખે છે. દાખલો જોઈએ છે? ‘સ્ક્વિડ ગેમ’ લઈ લો. રૂપિયાના સંદર્ભમાં એ શો બન્યો રૂ. ૧૭૫ કરોડમાં. એણે નેટફ્લિક્સને વળતર આપ્યું… કેટલું? આશરે રૂ. ૭,૫૦૦ કરોડ! દુનિયાના ૧૪.૨ કરોડ દર્શકોનાં દિલ પણ એ શો જીત્યો. એની તુલા સંજય લીલા ભણસાલીના ફર્સ્ટ ઓટીટી શો ‘હીરામંડી’ સાથે કરીએ તો એની પાછળ વપરાયા રૂ. ૨૦૦ કરોડ. કોઈ તોલ છે બેઉનો?
સવાલ એ કે કોરિયન નિર્માતાઓ ઓછા ખર્ચમાં આપણા શોઝ કરતાં ક્યાંય વધારે પ્રભાવશાળી, ખર્ચાળ અને દમદાર લાગતા શોઝ બનાવે છે કઈ રીતે?

પહેલો જવાબ છે ભપકો નહીં, નિર્માણને ઉત્કૃષ્ટ કરતા નિયમોનું ત્યાં સખતાઈથી પાલન થાય છે. બીજો જવાબ છે ત્યાં શું અને કેવું બનશે એ સ્ટાર (દિગ્દર્શકો અને કલાકારો) નહીં પણ વિષય માટે શું અનિવાર્ય છે એના આધારે નક્કી થાય છે. તમામ ગણતરીઓના શ્રીગણેશ થાય છે સ્ક્રિપ્ટથી.
આગળ વાત કરતાં પહેલાં એ સમજી લઈએ કે હજી પંદર-વીસ વરસ પહેલાં કોરિયન મનોરંજન ઉદ્યોગ અત્યારે ગાજે છે એમ ગાજતો નહોતો. ઇન ફેક્ટ, એનું નામ સુધ્ધાં આપણે સાંભળ્યું નહોતું. તો એની પછી ગજબનું શું થયું? એને હલ્યુ વૅવ કહે છે. એ વૅવમાં કોરિયન ડ્રામા ચીનમાં અતિશય લોકપ્રિય થયા. દાયકો ૧૯૯૦નો હતો. એ વૅવમાં ત્યાંનાં પૉપ સોન્ગ્સ, ત્યાંની ફિલ્મો અને શોઝે ચીનમાં સપાટો બોલાવ્યો. એ જોઈને ચીનના પત્રકારોએ ૧૯૯૯ની સાલમાં આ ટર્મ પ્રથમવાર વાપરી – હલ્યુ વૅવ. નોંધનીય છે કે ૧૯૯૦ના દાયકાની શરૂઆત સુધી કોરિયન પ્રજા પર વિદેશપ્રવાસને લગતા કડક નિયંત્રણો હતાં. એ દૂર થયાં અને કોરિયન નવી પેઢી એકાએક ખુલી, વિસ્તરી અને વિશ્વના બહેતર સંપર્કમાં આવી. વિદેશ જનારા કોરિયન યુવાનો પશ્ચિમથી, ચીન જેવા દેશોથી પોતાના દેશ માટે નવો દ્રષ્ટિકોણ અને મિજાજ લાવ્યા. એનો ઉપયોગ બિઝનેસથી લઈને એન્ટરટેઇનમેન્ટ એમ દરેક મોરચે થવા માંડ્યો. ૧૯૯૭માં ચીનમાં કોરિયન શો, ‘વ્હોટ ઇઝ લવ’ ટેલિકાસ્ટ થયો. ચીનમાં ત્યાર સુધીમાં ઇમ્પોર્ટ થયેલા તમામ વિદેશી શોઝને પછાડીને એ શો ત્યાં નંબર ટુ વિડિયો કન્ટેન્ટ બની ગયો. એ સફળતાએ ચીનને, ચીની પત્રકારોને આભા કરી દીધા. એમાંથી જન્મી અને ઉપયોગમાં આવી ટર્મ, હલ્યુ વૅવ. ૧૯૯૯માં કોરિયન ફિલ્મ ‘સ્વિરી’એ જબ્બર સફળતા મેળવી. દરમિયાન, દક્ષિણ કોરિયા આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું હતું. તેથી દેશના તત્કાલીન પ્રમુખ કિમ દાએ જંગે ઠરાવ્યું કે હાલો, આપણા કલ્ચરનું નિકાસ શરૂ કરીએ. કલ્ચરનો એક હિસ્સો ફિલ્મો, શોઝ (બીજો કોરિયન બ્યુટી પ્રોડક્ટ્સ અને એ સિવાય બીજું ઘણું) વગેરે. એ આઇડિયા ધાર્યા કરતાં વધુ સફળ રહ્યો. દરમિયાન, ત્યાં સૈન્યસત્તા હતી એનો અંત આવ્યો. એ સાથે અંત આવ્યો મનોરંજન ઉદ્યોગ પરની સેન્સરશિપ અને તવાઈ પર.
હલ્યુના હમણાં સુધી ત્રણ તબક્કા થયા છે. એકની વાત કરી. બીજો ૨૦૦૦-૨૦૧૦ વચ્ચેનો હતો. હમણાં ત્રીજો ચાલી રહ્યો છે. ત્રીજામાં દક્ષિણ કોરિયાએ ‘પેરાસાઇટ,’ ‘સ્ક્વિડ ગેમ’ સહિત અનેક સર્જનોથી વૈશ્વિક સ્તરે મનોરંજન ઉદ્યોગમાં પોતાની જગ્યા બનાવી છે. ત્રીજા તબક્કામાં કોરિયન સર્જનોની લોકપ્રિયતા સ્વદેશ કે ચીન પૂરતી મર્યાદિત નહીં રહેતા જાપાન અને પછી સર્વત્ર પ્રસરી ગઈ છે.
ફરી ફોર્મ્યુલા પર આવીએ. દક્ષિણ કોરિયાના એક અગ્રણી નિર્માતા-દિગ્દર્શક, ના યેઓન્ગ-સોક છે. ‘ટુ નાઇટ્સ એન્ડ વન ડે,’ ‘ન્યુ જર્ની ટુ ધ વેસ્ટ,’ ‘ગ્રાન્ડપાઝ ઓવર ફ્લાવર્સ,’ ‘થ્રી મીલ્સ એ ડે’ સહિતનાં એમનાં સર્જન ગાજેલાં છે. એમના મતે કોરિયન નિર્માણમાં પાયાનું કામ સ્ક્રિપ્ટ પર થતું સખત, ચિક્કાર અને બારીકીભર્યું કામ છે. એમાં મહિનાઓ જાય એ ત્યાં સામાન્ય અને વરસો વીતે એ સ્વીકાર્ય બાબત ગણાય છે. ત્યાં માત્ર સ્ટાર્સના નામે નહીં, લેખકોના નામે પણ દર્શકો ખેંચાઈ આવે છે. કોરિયન ડ્રામામાં ‘રાઇટર-ડ્રિવન મોડેલ’ પ્રસ્થાપિત છે. કિમ યુન-સૂક, પાર્ક જી-ઉન, કિમ ઇઉન-હી જેવા લેખકો ત્યાં સ્ટાર્સ છે. પ્રેક્ષકોમાં એમનાં નામ એટલા જ વિશ્વસનીય છે જેટલા જાણીતા અભિનેતાઓના.

બીજું કે ત્યાં ટેલિવિઝને પણ આડકતરી રીતે શિસ્ત, સંયમ અને ગુણવત્તાનું માળખું ઓટીટી માટે ઊભું કર્યું હતું. ત્યાંની બ્રોડકાસ્ટિંગ સિસ્ટમમાં એવું રહ્યું છે કે મોટાભાગની સિરીઝ ૧૨થી ૧૬ એપિસોડમાં પૂરી થઈ જ જાય. એને લીધે સર્જનાત્મક શિસ્ત, વિષયને નહીં તાણવાની સહજ માનસિકતા ત્યાં વિકસિત થઈ. ઓટીટી આવ્યું કે એ માનસિકતાનો સીધો લાભ નવાં પ્લેટફોર્મ્સ સુધી પહોંચ્યો.
આપણે ત્યાં એના કરતાં તાલ સાવ વગેળો છે. આપણે ત્યાં સ્ક્રિટ લખાઈ ઉતાવળે જાય. સંશોધન (ઝાઝું કરીને) ખાડામાં જાય (કારણ ક્રિએટિવ લિબર્ટીઝ આપણે ત્યાં સૌને ભાવતી વાનગી છે) અને શૂટિંગ વખતે પણ સ્ક્રિપ્ટમાં સતત, લગાતાર ફેરફાર (દિગ્દર્શકની, કલાકારોની, ક્યારેક ટેક્નિશિયન્સની મુનસફી પ્રમાણે પણ થાય તો એ બિલકુલ માફ અને, “ઉસસે ક્યા ફર્ક પડતા હૈ?” એવી ક્ષુલ્લક વાત ગણાય છે. ટૂંકમાં, સ્ક્રિપ્ટ માટે કહી શકાય, “હૂ કેર્સ?” એનું વરવું પરિણામ પહેલાં શોનું બજેટ, એના મેકિંગનું શિડ્યુલ ભોગવે છે. પછી દર્શકો પણ સહન કરે છે. કારણ દર્શકોના માથે ઝીંકી દેવાય છે અધકચરો શો. વધુ વાત આવતા અઠવાડિયે.

 

                                                                                  ભાગ બે
કોરિયન સર્જનોએ અમુક અક્લપનીય સિદ્ધિઓ પણ, એની શિસ્તબદ્ધતા અને નિર્માણને લગતી સખતાઈને લીધે મેળવી છે. દાખલો લઈએ એના એક હિટ શો, ‘ક્રેશ લેન્ડિંગ ઓન યુ’નો. ૨૦૧૯ના આ શોમાં ૧૬ એપિસોડ્સ હતા. કમાલ શી હતી? એક તરફ સિરીઝના એપિસોડ્સ ટેલિકાસ્ટ (અને ઓટીટી પર સ્ટ્રીમ પણ) થઈ રહ્યા હતા અને બીજી તરફ એના આગામી એપિસોડ્સનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આપણે ત્યાં આવી (કુ)હરકતો માટે ટેલિવિઝન બદનામ છે. બદનામ એટલે કે આપણા ટીવી માટે છેલ્લી ઘડીએ જેમતેમ ચાલતું શૂટિંગ મજબૂરી બની ગયું છે. આ કોરિયન શોમાં ટેલિકાસ્ટ અને શૂટનું કોમ્બિનેશન એક મજબૂત સિસ્ટમ પ્રમાણે થયું હતું. એમાં શૂટ માટે સત્તર સ્ટેપ્સની એક માર્ગદર્શિકા સચોટપણે અપનાવાઈ હતી. શૂટિંગ કરતાં કરતાં શોમાં, સોશિયલ મીડિયા પર મળતા દર્શકોના પ્રતિભાવ પ્રમાણે, ફેરફાર પણ કરવામાં આવી રહ્યા હતા. એ બધું થઈ રહ્યું હતું કોઈપણ ઉત્પાત વિના, ગરબડ, ધાંધલ અને ગુણવત્તાનો લેશમાત્ર ભોગ આપ્યા વિના.
હવે જોકે ત્યાં સિસ્ટમેટિક કામ વધુ થાય છે. કોરિયન સર્જકોના કામથી નેટફ્લિક્સ ભારે પ્રભાવિત છે. એવું સખત પ્રભાવિત કે અમેરિકા બહાર શોઝના નિર્માણમાં એણે સૌથી વધુ ડોલરિયું પૂર દક્ષિણ કોરિયામાં વહાવ્યું છે. આવતા વરસના અંત સુધીમાં અને ચાર વરસના ગાળામાં, નેટફ્લિક્સ એ દેશમાં અઢી અબજ ડોલર શોઝના નિર્માણમાં ખર્ચશે. એના પછી મેક્સિકો (દક્ષિણ કોરિયા કરતાં અડધાથી ઓછી રકમ નેટફ્લિક્સ ત્યાં વાપરશે), યુનાઇટેડ કિંગડમ અને પછી ભારત છે. કોઈ ઓટીટી પ્લેટફોર્મ એક દેશ પર આ રીતે સમરકંદ બુખારા અમસ્તું ઓવારી ના જાય. નેટફ્લિક્સને દક્ષિણ કોરિયા માટે એટલે પ્રેમ છે કે ૨૦૨૨ સુધીમાં અનેક કોરિયન શોઝે ૯૦થી વધુ દેશોમાં ટોપ-૧૦ યાદીમાં સ્થાન પટકાવ્યું હતું. ‘સ્ક્વિડ ગેમ’ જેવી સિરીઝે તો સફળતાની નવી ઊંચાઈઓ આંબી લીધી.
શોની સંખ્યાની વાત છે ત્યાં સુધી ભારત તેજ છે. ફિલ્મોમાં પણ આપણે સંખ્યાની બાબતે શૂરા છીએ. પણ વૈશ્વિક સફળતાના મામલે ઘણા દેશો આપણા મનોરંજન ઉદ્યોગને પછાડી રહ્યા છે. સમસ્યા એમાં જ છે. આપણે ત્યાં સંખ્યા સર્વસ્વ છે, સ્પીડ તરફ ધ્યાન છે અને ગુણવત્તા બેકસીટ પર છે.
કોરિયન સિરીઝનાં શૂટિંગ કરવાની પદ્ધતિ આપણા કરતાં જુદી અને ન્યારી છે. પૈસા કેમ વાપરવા એ વિશે ત્યાં સર્જકો કડક હાથે કામ લેનારા છે. પરિણામ એવું આવે છે કે પ્રત્યેક એપિસોડ પાછળ આપણા શો કરતાં ઓછા ખર્ચમાં ત્યાં આપણા કરતાં ઘણું વધારે સારું પરિણામ પડદે દેખાય છે. આપણે ત્યાં છ-સાત એપિસોડની સિરીઝ સરેરાશ રૂ. પચીસ કરોડ પ્રતિ એપિસોડમાં બને તો ત્યાં એ બની જાય રૂ. નવથી અઢાર કરોડ પ્રતિ એપિસોડમાં.
સ્ટાર સિસ્ટમ, નબળી સ્ક્રિપ્ટ્સ, શૂટિંગનું અધકચરું અને પછી પણ સતત અહીંથી તહીં ફંગાળાતું માળખું, ઓટીટી પ્લેટફોર્મ્સના પોતાના ભ્રષ્ટ ઓફિસર્સ અને એમની સાથે કૂલડીમાં ગોળ ભાંગતા બેનર્સ, નિર્માતાઓ, દિગ્દર્શકો, સ્ટાર્સનાં તળિયાં ચાટવાની કુટેવ અને સૌથી મહત્ત્વનું એટલે, ભૂતકાળની ભૂલોમાંથી ધરાર નહીં શીખવાની જીદ… આ પાસાં ભેગાં મળીને આપણા ધબકતા ઓટીટી વિશ્વને સતત ખોટકાતું કરી રહ્યું છે. આપણે ત્યાં, અંદરખાને કહે છે કે, અન્ડર ટેબલ દક્ષિણા આપ્યા વિના કોઈ કરતાં કોઈ શો કે ફિલ્મ ઓટીટી માટે બની શકે એ વાતમાં માલ નથી. આપણે ત્યાં શોના બજેટના ૩૦-૪૦% ટકા એક એકલો સ્ટાર ઘરભેગો કરી જાય ત્યારે કોઈને પ્રશ્ન પણ થતો નથી કે એના કરતાં તો કોઈક સારા કલાકારને તક આપીને બજેટ વશમાં રાખી શકાયું હોત અને દર્શકોને પણ સરપ્રાઇઝ લાગે એવું કશુંક પીરસી શકાયું હોત. આવી તક ઓછા જાણીતા કલાકારોને મળી ત્યારે જ તો એ સ્ટાર્સ બન્યા એ ભૂલી જવું અહીં સગવડિયો ધર્મ છે.
કોરિયન નિર્માતાઓ એમની જવાબદારી નિર્માણ કરવા સાથે પૂરી થઈ એવું નથી માનતા. તેઓ રિલીઝ સમયે અને પછી પણ શોના પ્રમોશનમાં ઊંડો રસ લે છે. સોશિયલ મીડિયાના યુગમાં તેઓ પ્લેટફોર્મના માથે બધું ઓળઘોળ કરી દેવાને બદલે પોતાના સર્જનને ચર્ચામાં રાખવા, લોકપ્રિય બનાવવા, ખાસ્સી મહેનત કરે છે. આપણે ત્યાં આવો ધારો નથી. આપણે ત્યાં રિલીઝ સાથે કલાકારો અને પડદા પાછળના કસબીઓ પણ ઉડન છૂ કરી જાય છે. પછી જે કરવાનું (અને હસવાનું કે રડવાનું) એ ઓટીટી પ્લેટફોર્મે. અપવાદરૂપે એવું થાય ખરું કે સિરીઝની વધુ સીઝન બનાવવાનો નિર્ણય આગોતરો લેવાયો હોય તો…
કોરિયન શોના દક્ષિણ કોરિયામાં દર્શકો છે એના કરતાં દુનિયામાં વધારે છે. બહુ ઓછા ભારતીય શો આ સ્તરે કોરિયન શો સાથે સ્પર્ધા કરી શક્યા છે. બેશક, આપણી વસ્તી દક્ષિણ કોરિયા કરતાં ઘણી વધારે તેથી દેશમાં શોઝનું ગાડું ગબડી જાય છે. પણ જો આપણા શોઝ વિદેશીઓનાં મન મોહી શકે તો શું થાય એની ત્રિરાશિ માંડવી અઘરી નથી.

કોરિયન શોઝમાં પ્રોડક્શન વેલ્યુ ઊંચી લાગે છે એનાં તાર્કિક કારણો છે. ત્યાં સારું નિર્માણ કરવા માટે ખર્ચ સાથે સમાધાન નહીં, એનું વ્યવસ્થિત કેન્દ્રિકરણ કરવામાં આવે છે. લોકેશન, સેટ અને કોસ્ચ્યુમ્સ પર ત્યાં છૂટથી ખર્ચ થાય છે. અનાવશ્યક ભપકા પર ખર્ચ કરવામાં આવતો નથી. આપણે ત્યાં આવો કોઈ ધારો નથી. ખરેખર તો, આપણે ત્યાં નિર્માતા બિનજરૂરી ખર્ચ ટાળવા પર ભાર મૂકે એ સાથે ટોપ રેટેડ કલાકાર-કસબીઓ એને સિફતપૂર્વક એમ આંટીમાં લઈ લે કે પેલો આટે-દાલ કા ભાવ પૂછવાને લાયક ના રહે. છેવટે એવું થાય કે નિર્માણ સહિત કુલ ખર્ચનો જે અંદાજ બાંધ્યો હોય એ રૉકેટની જેમ ઊંચે ને ઊંચે ઊડે. એક કિસ્સામાં, દાખલા તરીકે, એક નગણ્ય સિતારાએ ફિલ્મના શૂટિંગ વખતે નિર્માતાના રૂ. ૩૫ લાખ કૉફી શોપ્સમાં કરેલી મીટિંગમાં ચુસ્કીએ ચુસ્કીએ ચાવી (પી) નાખ્યા હતા. અને આખી ફિલ્મનું બજેટ શું હતું? બે કરોડ રૂપિયા!
કોરિયન ડ્રામાની સફળતા ચમત્કાર નથી. એ તો શિસ્ત, લેખન, નિયંત્રિત ખર્ચ અને સંકલિત માર્કેટિંગનું પરિણામ છે. આપણાં ઓટીટી પ્લેટફોર્મ્સ, આપણા સર્જકો એમાંથી પ્રેરણા લેશે ખરા?


Share:
Reading time: 1 min
Page 1 of 411234»102030...Last »

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

એઆઈ અને કન્ટેન્ટઃ વિજય, વિરોધાભાસ, વિચિત્રતા

એઆઈ અને કન્ટેન્ટઃ વિજય, વિરોધાભાસ, વિચિત્રતા

18.08.2026

દુબઈ સફરઃ ભાગ બેઃ દુબઈ ફ્રેમ, ફેસ્ટિવલ સિટી મૉલ અને દેશી ભોજન

03.11.2022
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

એઆઈ અને કન્ટેન્ટઃ વિજય, વિરોધાભાસ, વિચિત્રતા

એઆઈ અને કન્ટેન્ટઃ વિજય, વિરોધાભાસ, વિચિત્રતા

18.08.2026
‘સિસ્ટમ’ના માળખામાં જ મોટી ખોટ છે

‘સિસ્ટમ’ના માળખામાં જ મોટી ખોટ છે

13.08.2026
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.