
“દીકરા, સાચું કહેજે, તે આ નથી કર્યુંને? મને ખબર છે તેં નથી કર્યું… રાઇટ?”
“ના, મેં નથી કર્યું, પપ્પા…”
…અને બાપ અને ઍડી (સ્ટિફન ગ્રેહામ) એના દીકરા જૅમી (ઓવેન કૂપર)ને ભેટીને રડી પડે છે. તેર વરસના કિશોર પર એની ઉંમરી છોકરીના ખૂનનો આરોપ મુકાય ત્યારે કયો બાપ માનશે કે મારા દીકરાએ આવું હીન કૃત્ય કર્યું હશે? એ પણ ચાકૂથી એની હમઉમ્ર દોસ્તના શરીર પર સાત-સાત વખત કારમા ધા કરીને?
ઓટીટી પર ગાજી રહેલી બ્રિટિશ સિરીઝ ‘એડોલસન્સ’ એટલે કિશોરાવસ્થા ચાર એપિસોડની છે. નેટફ્લિક્સ પર એની રજૂઆત સાથે એણે ભારત નહીં, આખી દુનિયામાં દર્શકોને પોતાની તરફ ખેંચી લીધા છે, દંગ કરી દીધા છે. એનાં બેએક મુખ્ય કારણ છે. એક તો સિરીઝમાં વાત છે કાચી વયના ટીનએજરે કરેલી હત્યાનો પ્લોટ અને બીજું, એના દરેક એપિસોડની માવજત. ‘એડોલસન્સ’નો દરેક એપિસોડ એક જ શોટમાં શૂટ થયો છે. એટલે, એકવાર એક દ્રશ્ય કે ફ્રેમ સાથે એપિસોડ શરૂ થાય પછી ક્યાંય કટ નહીં. કલાકાર બદલાય, પરિસ્થિતિ બદલાય, લોકેશન પણ બદલાય છતાં, કેમેરા કશેય કટ વિના અસ્ખલિતપણે શૂટ કરે રાખે. આવું કરવું આસાન નથી. ફિલ્મમેકિંગની આ મૌલિક સ્ટાઇલે પણ સિરીઝને જુદી પાડી છે.
જાણીએ સિરીઝની કથા, એની ખાસિયતો અને શા માટે એ માણવાલાયક છે એ.
સિરીઝ શરૂ થાય છે એક સવારે જ્યારે એક ઇંગ્લિશ ટાઉનમાં વસતા સ્ટિફનના ઘેર એકાએક પોલીસ આવે છે. આવતાવેંત એ બાળ જૅમીને ઉઠાવીને લઈ જાય છે. પિતા ઍડી અને મા મેન્ડા (ક્રિસ્ટિન ટ્રેમાર્કો) હતપ્રભ છે. એમનો મિતાક્ષરી, શરમાળ અને એકદમ નિર્દોષ લાગતો દીકરો જૅમી કોઈનું કતલ કરી શકે એ વાત જ એમને અશક્ય લાગે છે. અને કેમ નહીં?
પોલીસ અધિકારીઓ લ્યુક બાસ્કોમ્બે (એશલી વોલ્ટર્સ) અને મિશા મિલર (ફેય માર્સે) જૅમીની ઉલટતપાસ શરૂ કરે છે. વકીલ પૉલ બાર્લો (માર્ક સ્ટેનલી) અને ઍડીની હાજરીમાં જૅમી એની ક્લાસમેટ કેટી લિયોનાર્ડનું ખૂન નહીં કર્યાની વાત વારંવાર દોહરાવે છે. વકીલની સિફતભરી સલાહને અનુસરતાં જૅમી અઘરા અથવા એને આંટીમાં લઈ શકનારા સવાલોના જવાબ આપવાનું ટાળે છે પણ, એની ઇન્સ્ટા પોસ્ટ્સ, અમુક તસવીરો, વિવિધ જગ્યાએથી મેળવેલાં સીસીટીવી ફૂટેજ બધું નિર્દેશ કરે છે કે દાળમાં કંઈક કાળું તો છે જ. સૌથી ખેદની વાત કે એક ઉભરતી ટીનએજર જીવન માણે એ પહેલાં મૃત્યુ પામી છે. એના ખૂનનું સત્ય શું છે?
બીજી, ત્રીજા અને ચોથા એપિસોડમાં કથા પોલીસ સ્ટેશનથી જૅમીની સ્કૂલ, યુથ ડિટેન્શનવ ફેસિલિટી અને છેવટે મિલર્સ પરિવારના ઘેર પહોંચે છે. એમાં પસાર થાય છે તેર મહિનાનો સમય. જૅમી હજી પોલીસ કસ્ટડીમાં છે. પરિવાર એના કથિત કૃત્યથી સામાજિક તિરસ્કારનો સામનો કરી રહ્યો છે. સત્ય હજી ઉજાગર થયું નથી કે જૅમીએ જ કેટીનું ખૂન કર્યું છે કે પછી…
અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં કાચી વયનાં બાળકો અને કિશોરોના હાથે થતી કોઈકની હત્યા કે એમના હાથે, રિવોલ્વરમાંથી ધાણીની જેમ ધડધડ ફૂટતી ગોળીઓથી થતાં નિર્દોષોનાં મોત, જેવી ઘટનાઓ ઘણી નોંધાય છે. એના માટે કોણ જવાબદાર છે? બીજી બાબતો સાથે એ માટે સોશિયલ મીડિયાની અકલ્પનીય અને ખાસ્સી નકારાત્મક, માનસિક અસર પણ જવાબદાર છે. ‘એડોલસન્સ’માં એ મુદ્દા સાથે વિશેષરૂપે ટીનએજ છોકરાઓના હાથે થતી એમની ઉંમરની છોકરીઓની ક્રૂર હત્યા પર ફોકસ છે. ફિલિપ બારાન્ટિની ડિરેક્ટેડ સિરીઝમાં ઓવેન કૂપર નામનો નવોદિત ટીનએજર જૅમી બન્યો છે. એણે આ પહેલાં ક્યારેય કોઈ ફિલ્મ-સિરીઝમાં કામ નહોતું કર્યું. જૅમીની પસંદગી પાંચસોએક છોકરાઓની રોલ માટે વિચારણા થયા પછી કરવામાં આવી હતી.
‘એડોલસન્સ’ ગંભીર અને વિચારોત્તેજક સિરીઝ છે. બીજા એપિસોડમાં સિરીઝ સ્કૂલમાં પહોંચે ત્યારે એ અનેક ખલેલભર્યા પ્રશ્નો ઊભા કરે છે. આજનાં બાળકો પર સોશિયલ મીડિયા, ઇમોજી વગેરે કેવાં હાવી થયાં છે એના અનુત્તર પ્રશ્નોને આ એપિસોડ છંછેડે છે. ત્રીજા એપિસોડમાં સાયકોલોજિસ્ટ બ્રાયોની એરિસ્ટન (એરિન ડોહેર્ટી) જૅમી સાથે સવિસ્તર વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કરે છે કે આ ભોળા લાગતા છોકરાએ આખરે શા માટે કેટીનું ખૂન કર્યું અને આખી વાતમાં, એણે જે ચાકૂથી ટીનએજ ગર્લને મારી એ ચાકૂ છે ક્યાં? દરમિયાન, યુથ ડિટેન્શન ફેસિલિટીમાં સાતેક મહિનાથી રહેતો જૅમી સાથી કેદીઓ સાથે પણ બાખડી ચૂક્યો છે. આ એપિસોડમાં કેટીના ખૂન સાથે સંકળાયેલી એ વાતો પણ ઉજાગર થાય છે જે નવાઈ પણ પમાડે છે અને ખેદ પણ કરાવે છે. કલાકાર તરીકે ઓવેનના સર્વાંગ રંગો પણ એમાં ઝળકે છે.
ચોથા એપિસોડમાં પરિવારની વેદના ઍડીના જન્મદિવસે બહાર આવે છે. એક તરફ હોવી જોઈએ ખુશી અને એક તરફ છે વેદનાઓ. એ સવારે તોફાની ટીનએજર્સ ઍડીની વૅન પર ‘નોન્સ’ શબ્દ ચીતરવાની ભદ્દી હરકત કરે છે. નોન્સ બ્રિટિશ બોલચાલમાં એક હલકો શબ્દ છે. એનો અર્થ થાય છે એવી વ્યક્તિ જેણે કોઈક બાળક સાથે શારીરિક દુર્વ્યવહાર કર્યા હોય.
એ સાથે બર્થડેના ઉત્સાહ પર પાણી ફરી વળે છે. દીકરી લિસા (એમિલી પીસ) સાથે માબાપ શોપ જાય છે. કોઈક કેમિકલ લઈને પોતાની વહાલસોયી વૅન પર ચીતરવામાં હલકા શબ્દને મિટાવી શકાય. પરિવાર શોપમાં પહોંચે છે ત્યાં પેલા તોફાની છોકરા પણ આવી ચડે છે. એમની સાથે બાખડીને ઍડી સપરિવાર પાછો ઘેર આવી રહ્યો છે ત્યાં આવે છે જૅમીનો ફોન અને એ પિતાને જણાવે છે કે…
‘એડોલસન્સ’ લાંબી સિરીઝ નથી પણ એની અસર ચોટદાર છે. એકદમ રિયલિસ્ટિક એનું મેકિંગ છે. કલાકારો એટલા સહજ છે કે બસ, આપણે વાસ્તવિક ઘટના જોઈ રહ્યા હોઈએ એવું લાગ્યા કરે. મનોરંજન માટે નહીં, મનોમંથન માટેની આ સિરીઝ ઘણાના મનમાં અણગમતા પ્રશ્નો ઊભા કરશે. સ્કૂલમાં બાળકો ભણવા જાય છે કે મોબાઇલનો અતિરેકભર્યો દુરુપયોગ કરવા? આ પેઢી જીવનને સાચા પરિપ્રેક્ષ્યમાં સમજે છે ખરી કે પછી એના માટે આખું બ્રહ્માંડ સોશિયલ મીડિયા આસપાસ ફરે છે? માબાપ અને સંતાનો વચ્ચેના સંબંધોમાં કેવોક અવકાશ સર્જાયો છે? એ માટે સિરીઝમાં, સ્કૂલના એપિસોડમાં, જેડ નામની છોકરી અને બાસ્કોમ્બેના દીકરા આદમનાં પાત્રોને સરસ રીતે વણી લેવાયાં છે. એ પાત્રો અનુક્રમે ફાતિમા બોજાન્ગ અને એમારી બાચુસ ભજવે છે.
‘એડોલસન્સ’ને શાંત ચિત્તે, અન્ય પ્રવૃત્તિઓને એક કોરાણે મૂકીને, શક્ય હોય તો ટીનએજર્સ અને યુવાનો સાથે જોવી રહી. પછી એના પર ચર્ચા પણ કરવી રહી કે આપણે સમાજ તરીકે કઈ દિશામાં દોરવાઈ રહ્યા છીએ. અચૂકપણે જોજો.
નવું શું છે
- શાહરુખ ખાન, આર્યન ખાન અને અબ્રાહમ ખાનના વોઇસઓવરવાળી એનિમેટેડ ફિલ્મ ‘મુફાસા’ બુધવારથી જિયો હોટસ્ટાર પર આવી છે.
- સ્ટેન્ડ અપ કોમેડિયન અને લેખક ઝાકિર ખાનની નવી સ્ટેન્ડ અપ સ્પેશિયલ ‘ડેલુલુ એક્સપ્રેસ’ પ્રાઇમ વિડિયો પર આવી છે.
- ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘વિદુથલાઈ’ પાર્ટ ટુની હિન્દી વર્ઝન ઝીફાઇવ પર આવી છે. ફિલ્મમાં વિજય સેતુપતિ છે. ઉપરાંત, મંજુ વોરિયર, ગૌતમ વાસુદેવ મેનન અને ભાવની શ્રે પણ છે.
- સોફિયા કાર્સન, કાયલ એલન અને કોની બ્રિટન અભિનિત, અમેરિકન રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ ‘ધ લાઈફ લિસ્ટ’ નેટફ્લિક્સ પર આવી છે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
Leave a Comment