ત્રીજી જાતિને કેન્દ્રમાં રાખીને બનતા વિષયો હમણાંથી થોડા વધ્યા છે. એમાં બે લેટેસ્ટ વિકલ્પ છે સુસ્મિતા સેનવાળી સિરીઝ અને નવાઝુદ્દીન સિદ્દિકીવાળી ફિલ્મ
છ એપિસોડ્સ અને એમાં સુસ્મિતા સેન લીડમાં. શ્રીગૌરી સાવંત અને દેશમાં વ્યંઢળોને કાયદેસર ત્રીજી જાતિ તરીકે 2014માં સર્વોચ્ચ અદાલતે આપેલી માન્યતા. એ વિષયની સિરીઝ એટલે તાલી. ઓટીટી પર ‘આર્યા’ જેવી દમદાર સિરીઝની બે સીઝનથી દિલ જીતી લેનારી સુસ્મિતાની ઉપસ્થિતિમાત્ર સિરીઝને આશાસ્પદ બનાવે. એમાં નોખો, વાસ્તવિક બીના પર આધારિત વિષય ઉમેરાતા તાલાવેલી વધી જાય શું હશે સિરીઝમાં? પછી રિમોટ ઉપાડી સિરીઝ જોવાનું શરૂ કરતાં આશાના મિનારા ધ્વસ્ત થવા માંડે. લે, આ શું?
એક પ્રસ્તાવના બાંધીને, શ્રીગૌરીની એકોક્તિ સાથે, ‘તાલી’ શરૂ થાય છે. પુરુષના દેહ સાથે જન્મ લેનાર ગણેશ ઉર્ફે ગણ્યાને શમણાં છે સ્ત્રી જેવા જીવનનાં. એને મા બનવું છે. એનાં માબાપ એની કાલીઘેલી વાતોને હળવાશથી લે છે. પછી તરત કથા પહોંચે છે પુખ્ત શ્રીગૌરી અને 2014ના સમયમાં. સર્વોચ્ચ અદાલત ત્રીજી જાતિના કેસ વિશે ફેસલો સુણાવે એની ઘડીઓ ગણાઈ રહી છે. ફેસલો સકારાત્મક આવતા ત્રીજી જાતિના સભ્યો ખરા અર્થમાં દેશના નાગરિકો તરીકે માન્યતા મેળવવાના છે. શ્રીગૌરી સાથે વિદેશી મહિલા પત્રકાર છે. ત્યાંથી કથા વર્તમાન અને ભૂતકાળમાં ઝૂલતી રહે છે. આજની શ્રાગૌરી અને ગઈકાલના ગણ્યા વચ્ચે. પહેલા એપિસોડના અંતે અદાલતના પ્રાંગણમાં શ્રીગૌરીના ચહેરાને એક ખેપાની શાહી ફેંકીને ખરડી નાખે કે અંદેશો થઈ જાય કે કંઈક ખૂટી રહ્યું છે અહીં.
કમનસીબે, એ લાગણી છેલ્લે સુધી બદલાતી નથી. કારણ નબળું લખાણ. એમાં વળી શ્રીગૌરીના સંવાદો શાને કાવ્યાત્મક છે એ સમજાતું નથી. “વરદી દેખ કર દરદી હો જાતી હૂં મૈં”, અને, “યે વકીલ કમ શકીલ ઝ્યાદા લગતા હૈ”, આ છે ઉદાહરણો. સિરીઝનો પ્રવાહ પણ કંટાળો ઉપજાવે એવો ધીમો અને વિચિત્ર છે. કોઈ સુપર રોચક ઘટના પણ નથી. પુરુષના હૃદયમાં સ્ત્રીનો જીવ લઈને મોટો થતો ગણેશ, પિતાની ઘૃણા, ગણેશનું ઘરેથી નાસી જવું, વ્યંઢળો સાથે જોડાવું, સેક્સ પરિવર્તન પછી મા બનવાની ઇચ્છા સેવવી… બધું ઉપરછલ્લું છે. શ્રીગૌરી એક્ટિવિસ્ટ તરીકે ઉભરવા માંડે છે ત્યારની સિરીઝ ઊંચકવાની તક પણ એળે જવા દેવાઈ છે.
‘બજાઉંગી નહીં, બજવાઉંગી’ ટેગ લાઇન ધરાવતી સિરીઝમાં સેન સાધારણ છે. ગણેશ તરીકે એના બાળપણના પાત્રને કૃતિકા દેવે ઉત્તમ ન્યાય આપ્યો છે. એ સિવાય બહુ ઓછી બાબત ધ્યાનાકર્ષક છે. તમામ નબળાઈઓ માટે લખાણ જવાબદાર છે. ક્ષિતિજ પટવર્ધને સિરીઝ લખી છે. રવિ જાધવ ડિરેક્ટર છે. એમની કલ્પનાઓ લખાણની મર્યાદાઓ સામે ઘૂંટણિયાં ટેકવવા સિવાય કશું કરી શકી નથી. ટેક્નિકલી પણ બધું એવરેજ છે. ટૂંકમાં, ‘તાલી’ માટે સમય ફાળવો તો સુસ્મિતાના ચાહક હોવ તો જ. સિરીઝ છે જિયો સિનેમા પર.
ત્રીજી જાતિને કેન્દ્રમાં રાખીને ઓટીટી પર આવેલી ફિલ્મ ‘હડ્ડી’ની પણ વાત કરીએ. એ છે ઝીફાઇવ પર. અક્ષત અજય શર્મા ડિરેક્ટર છે. વાર્તા શરૂ થાય છે પ્રયાગરાજમાં. સમાચારમાં છે શહેરમાંથી ગાયબ થતા મૃતદેહો. એ કામ કરે છે હડ્ડી (નવાઝુદ્દીન સિદ્દીકી). પોલીસના ભયથી એ નોઇડા નાસી જાય છે. ત્યાં એનો ભેટો ક્રોસ-ડ્રેસર્સની ગેન્ગ સાથે થાય છે. ગેન્ગનું કામ છે કામલોલુપ લોકોને સ્ત્રીવેષમાં આંતરીને લૂંટવાનું. રાજકારણી પ્રમોદ અહલાવતની આ ગેન્ગમાં ઇન્દર (સૌરભ સચદેવા), સત્તો (રાજેશ કુમાર) વગેરે છે. હડ્ડી આ ગેન્ગમાં જોડાય છે.
પ્રમોદ લોકોની જમીન હડપી લેનારો છે. કથામાં એક એન્ગલ સેવાસંસ્થાના સંચાલક ઇરફાન (મહમમ્દ ઝિશાન અયુબ)નો અને એક રેવતી અમ્મા (ઇલા અરુણ)નો પણ છે.
હડ્ડી એટલે આ પાત્રનો એક ભૂતકાળ છે. એનું ભવિષ્ય પણ છે. ફિલ્મ ભારે કંટાળાજનક છે. નથી એ લાગણીથી જીતી શકતી કે નથી જીતી શકતી ક્રાઇમ થ્રિલર તરીકે. એ નથી પ્યોર કમર્શિયલ કે નથી આર્ટિસ્ટિક. તકલીફ છે કથાનાં પડ ખોલવાની સ્ટાઇલમાં. વળી વારંવાર આવતાં બોરિંગ ગીતો માહોલ બગાડે રાખે છે. પાત્રાલેખન વિચિત્ર છે. પ્રમોદ શાને રમૂજ કરે છે? કરે છે તો કેમ એવી જે હાસ્યાસ્પદ લાગે? આટલાં બધાં પાત્રો અને ઝાઝા ટ્રેક્સ શા માટે છે? આ સવાલોના જવાબ મળવાનું નામ નથી લેતા, એ છે અવદશા.
અડધી ફિલ્મે અમ્માના આગમન સાથે ફિલ્મ વધુ ભેખડે ભરાય છે. ત્યાં સુધી ફિલ્મમાં શું ચાલતું હતું અને હવે શું આવી ગયું એ સમજવું અઘરું થઈ જાય છે. એટલું જ અઘરું ફિલ્મના ક્લાઇમેક્સને સમજવું થાય છે.
સારું શું છે? મુખ્ય પાત્રોની તુલનામાં અન્ય પાત્રોનો અભિનય. સૌરભ સચદેવા અને રાજેશ કુમાર સૌથી બેસ્ટ છે. નવાઝુદ્દીન બેશક પાત્રને ન્યાય આપે છે પણ ગોથાં ખાતી વાર્તાને બચાવવી એના માટે શક્ય નથી. મુદ્દે, આ ફિલ્મ જોવા પાછળ સમય કે શક્તિનો ખર્ચ ના કરવો.
આજની છેલ્લી વાત. ઓટીટી પર આવી નબળી સિરીઝ, ફિલ્મોનો ફાલ ઊતરતો રહેવાનો છે. મનોરંજનને બદલે વેપારી ગણિતો માટે બનતા પ્રોજેક્ટ્સ એનું કારણ છે. શું જોવું એ વધુ સમજદારીપૂર્વક ઠરાવજો.
નવું શું છે?
● હૈદર કાઝમીના દિગ્દર્શનમાં બનેલી ‘આઈ કિલ્ડ બાપુ’ ફિલ્મ ઝીફાઇવ પર આવી છે. અક્ષય વર્મા, સમીર દેશપાંડે, રાજેશ ખત્રી વગેરે કલાકારોવાળી ફિલ્મ, નામ સૂચવે છે એમ, ગાંધીજીની ગોડસેએ કરેલી હત્યા આસપાસ ફરે છે. નથુરામ તરીકે છે સમીર દેશપાંડે.
● પહેલી ઓક્ટોબરે નેટફ્લિક્સ પર ‘ખુશી’ ફિલ્મ રિલીઝ થઈ છે. વિજય દેવરાકોંડા અને સામંતા રૂથ પ્રભુ લીડમાં છે. અન્ય કલાકારોમાં સચીન ખેડેકર, સરન્યા પોનાવન્ન છે.
● ચોથી ઓક્ટોબરે એમએક્સ પ્લેયર પર ‘એટ એઇટીન’ નામે કોરિયન ડ્રામા આવ્યો છે. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ અને એમની સમસ્યાઓ વિષયના કેન્દ્રમાં છે. સાથે દોસ્તી, પ્રેમ અને એ બધું પણ ખરું.
● વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘ખુફિયા’ પણ નેટફ્લિક્સ પર આવી છે. એમાં તબુ, અલી ફઝલ, વામિકા ગબ્બી વગેરે છે. ફિલ્મની પ્રેરણા સત્ય ઘટનાઓ પરથી લેવાઈ છે.
● કરો વાત. આપણા દેશમાં 85% લોકો ઓટીટીના સબસ્ક્રિપ્શન માટે મોબઇલ કંપનીઓ પર આધાર રાખે છે. બીજા શબ્દોમાં કહીએ તો મોબાઇલનું એકાદ કનેક્શન લઈને લોકો એની સાથે ઓટીટી મેળવે છે અને માણે છે મનોરંજન.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.06 ઓકટોબર, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/06-10-2023/6
Leave a Comment