રણમાં માટીના ઢૂવા તો હોય જ. યુએઈની એંસી ટકા જમીન રણપ્રદેશ છે. એંસી ટકા ફળદ્રુપ જમીન ધરાવતા અનેક દેશો કરતાં એણે પ્રશંસનીય પ્રગતિ સાધી છે. યુએઈમાં રણપ્રદેશનો વિશિષ્ટ અનુભવ માણવા ડેઝર્ટ સફારી, ડ્યુન બેશિંગ એટલે રેતીના ઢૂવા પર વાહનમાં પ્રવાસ કરવો અને ક્વૉડ બાઇક એટલે મોટ્ટા ટાયરવાળા વાહનને રેતી પર ચલાવવાનો અનુભવ કરવો.
દુબઈપ્રવાસમાં એક દિવસ સફારીનો હતો. શરૂઆત બપોરથી હતી. સવારે ગયા દુબઈ ફેસ્ટિવલ સિટી મૉલ. આ અને આવા બીજા મૉલમાં આંટો મારતા ટાંટિયાની કઢી થઈ શકે છે. સોળ લાખ ચોરસ ફૂટથી મોટા આ મૉલમાં આઇકિયાનો સ્ટોર પણ હતો. જાતજાતની ચીજો જોઈ. ખરીદીનો પ્રશ્ન નહોતો કેમ કે મુંબઈમાં ક્યાં આઇકિયા નથી? અમુક ચીજો એવી હતી જે કદાચ આપણા આઇકિયામાં ના હોય છતાં, ફ્લાઇટમાં પાછા ફરતા જેટલો સામાન ઓછો એટલી શાંતિ એ મારી જડ માન્યતા છે. વળી શૉપિંગનો સમય હજી આવ્યો નહોતો.
આઇકિયા સામે કેરફોરનો સ્ટોર હતો. આ ફ્રેન્ચ કંપની ભારતમાં આવીને જતી રહી છે. આપણા બિગ બાઝાર (હવે સ્માર્ટ બાઝાર), ડીમાર્ટ વગેરેને ટક્કર આપે એવી સાઇઝ અને ચીજોની વરાઇટી ધરાવતા કેરફોર જેવા બીજા મેગા સ્ટોર્સ પણ છે. અનાજ, કરિયાણાં સહિતની તમામ ખરીદી માટે ત્યાં મેગા સ્ટોર્સ જ મુખ્ય છે. શેરીએ શેરીએ કે રસ્તે રસ્તે હારબંધ દુકાનો નથી. ઘર નજીકની દુકાનો પણ મોટા સ્ટોર હોય. કેરફોરમાં જઈને અમે પરચૂરણ શૉપિંગ કરતાં સમય વિતાવ્યો.
શૉપિંગની વાત વખતે કેરફોર, ડે ટુ ડે, ગિફ્ટ્સ વિલેજ જેવા સ્ટોર્સની વાત કરશું.
ડેઝર્ટ સફારીના એડવાન્સ બુકિંગમાં વિવિધ પેકેજિસ મળે છે. એમાં સામાન્યપણે સામેલ બાબતો છેઃ ઘર કે હોટેલથી પિકઅપ અને ડ્રોપ, ડ્યુન બેશિંગ, ઊંટસવારી (તસવીર ખેંચાવી શકાય એટલા પૂરતી), આરબ વસ્ત્રોમાં ફોટો, મેંદી, સાંજ પછી મ્યુઝિકલ શૉ સાથે ડિનર. પ્રવાસમાં પાણીની બોટલ્સ પણ મળે. સફારી ક્વૉડ બાઇક સહિત કે વગર બુક કરી શકાય. વગર ક્વૉડ બાઇક બુકિંગ કરો તો પહોંચીને બાઇક ભાડે લઈ શકાય. જેવી તમારી ચોઇસ. શહેર પૂરું થાય ત્યાં જુદા જુદા સ્થળે વિવિધ કંપનીઓ સંચાલિત સફારી કેમ્પ્સ છે.
ભાભીએ અમારા માટે પરફેક્ટ બુકિંગ કરાવ્યું હતું. બપોરે હમર કાર આવી ગઈ. મોડેલ લગભગ એચ-3 હતું. ભારતમાં કિંમત આશરે એક કરોડ છે. લાલ ચકચકિત હમર જોઈ ભાભી ખુશ થયાં, “લકી છો તમે બેઉ, ડેઝર્ટ સફારી માટે આ અહીંનું ટોપમોસ્ટ વાહન છે.” સાથે અમેરિકન યુગલ અને પાકિસ્તાની ડ્રાઈવર ઉમૈર હતાં. યુગલ મૂળ સિરિયન અને અમેરિકાનું. એમાંનો પુરુષ ઓટિઝમનાં બાળકોનો શિક્ષક હતો.
હમરમાં પ્રવાસ કરવાનો પહેલો અનુભવ હતો. જીપ જેવું આ વાહન ખડતલ છે. ઇન્ટિરિયર અફલાતૂન છે. સંગીત સતત વાગી રહ્યું હતું. સાઉન્ડ સિસ્ટમ મસ્ત હતી.
અમારી સફારી લહબાબ (ઉચ્ચાર લબાબ પણ હોઈ શકે, સ્પેલિંગ LAHBAB) ગામે હતી. શહેરની દક્ષિણે, શારજાહ એમિરેટ્સની સરહદે, એ લગભગ પચાસ કિલોમીટર દૂર હતું. ગામ માલેતુજાર બેદુ અથવા બેદોઉઈન પ્રજાની વસતિવાળું, જે શાહી પરિવાર સાથે દોસ્તી ધરાવે છે. ઊંટનો ઉછેર અને વિકાસ એમનો મુખ્ય વ્યવસાય છે. ગામમાં ઊંટોની રેસ માટે ટ્રેક પણ છે.
સફારી શરૂ થતાં પહેલાં શહેરના અંતે એક શૉપ પાસે ગાડી ઊભી રાખીને ઉમૈરે ફ્રેશ થવા અને કશું ખરીદવું હોય તો દસ મિનિટ આપતાં કહ્યું, “પાની મત લેના, વો મૈં દુંગા.” નીચે ઊતરવા મેં દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો પણ ખબર ના પડી કે કેમ કરવું. અમેરિકને મારી મદદ કરી. હેન્ડલ ધારણાથી જુદી જગ્યાએ હતું.
શૉપમાં ખરીદી કરવા જેવું હતું નહીં. દસેક મિનિટે વળી ગાડી ચાલી. અમે પહોંચ્યા ક્વૉડ બાઇકિંગના સ્થળે. આસપાસ સૂનકાર હતો. ક્વૉડ બાઇક રેન્ટલ સર્વિસ અને ચા-નાસ્તો અને મેમેન્ટોઝ વેચતી બે-ચાર દુકાનોમાં કાગડા ઊડી રહ્યા હતા. ઉમૈર કહે, “થોડીવારમાં રોનક અને ભીડ બેઉ થઈ જશે. આપણે વહેલાં હોવાથી શાંતિ છે.” ક્વૉડ બાઇક બે પ્રકારની હતી. ચલાવવાની જગ્યાના પણ બે વિકલ્પ હતા. એક પ્રમાણમાં સમતળ જમીનનો અને બીજો રણના ઢૂવાવાળો. વીસેક મિનિટના રાઉન્ડ માટે અમે ખુલ્લી ક્વૉડ બાઇક લીધી. બીજી પ્રોપર કાર જેવી હતી. ભાડું બસો દિરહામ એટલે આશરે રૂપિયા 4,500. અમેરિકને કાર જેવી બાઇક લીધી. ભાડું 800 દિરહામ. મેં શાને ઓપન ક્વૉડ બાઇક લીધી એનું કારણ હતું. એ પણ જણાવીશ.
અડધો કલાક માટે થ્રી વ્હીલરને રણની રેતીના ઊંચાનીચા ઢૂવા પર ચલાવવી ખાવાનાં કામ નહોતાં. અમારી કાળજી માટે બીજી બાઇક પર કંપનીનો કર્મચારી હતો. રણપ્રદેશ જેવા વિસ્તારો માટે બનેલી ક્વૉડ બાઇક ચલાવતા નવા નિશાળિયાનો ખો નીકળી જાય. આપણે જમણે જઈએ તો એ દોડે ડાબે. કન્ટ્રોલ માટે બેઉ હાથમાં બ્રેક અને ઇંધણનો મારો ઓછો-વધારે કરવા એક્સિલેટર સિવાય કશું નહીં. બાઇક દોડી કે ભર ઉનાળે, રણ વચ્ચે પણ પરસેવો છૂટ્યો. લિટરલી એમ લાગે કે હમણાં બાઇક ઊંધી થશે, ગયા કામથી. બાઇકનો ગ્રાઉન્ડ કન્ટ્રોલ સખત હોવાથી એવું કશું ના થયું. અડધો-એક કિલોમીટરમાં કાબૂ વધ્યો અને ગતિ પણ.. છેલ્લા પૉઇન્ટ સુધી પહોંચી પણ જવાયું.
ત્યાં ફોટોગ્રાફી માટે બ્રેક હતો. હાથ પર બાજ પક્ષી બેસાડીને ફોટો ક્લિક કરાવવા એક જણ આવ્યો. અમે ના પાડી. ભર ઉનાળે, રણમાં હોવાનો અવસર ઘણા વખતે મળ્યો હતો. એને દિલથી માણ્યો. ફોટોગ્રાફી પણ કરી. વળતામાં ડ્રાઇવિંગ કલ્પનાને આપી મેં બેક સીટ લીધી. કોઈ મોટી ગરબડ વિના અમે સુખરૂપ પાછાં પહોંચી ગયાં. ક્વૉડ બાઇક ચલાવવાનો આનંદ ખાસ હતો. ફોર વ્હીલર ના લેવાનું કારણ જણાવી દઉં. ચાર પૈડાંને લીધએ એનો ગ્રાઉન્ડ કન્ટ્રોલ વધારે, અને એટલે થ્રિલ ઓછી થાય. અનુભવ લેવો તો પૂરેપૂરો એવી મારી ગણતરી હતી. અંગ્રેજે પણ પાછા આવીને કહ્યું. “આઈ થિન્ક આઈ શુડ હેવ ટેકન અ બાઇક, નોટ ફોર વ્હીલર.”
પાછા આવ્યાં ત્યાં સૂનકાર પર શોરબકોર ત્રાટકી ચૂક્યો હતો. બધે માણસો હતા. બાઇક બુકિંગ માટે કતાર હતી. અમને વહેલા પહોંચ્યાનો ફાયદો થયો હતો. ઉમૈરે કહ્યું કે ડ્યુન બેશિંગ માટે અલગ વાહન છે, રાહ જુઓ. આઠ દિરહામની ચાની કટિંગ કરીને અમે જમાવટ બેઠક જમાવીને મોજથી રાહ જોઈ.
વીસેક મિનિટમાં કાર આવી. અમે બેઠાં. ડ્યુન બેશિંગ એટલે, ઉપર જણાવ્યું તેમ, રેતીના ઊંચાનીચા ઢૂવા પર સિફતપૂર્વક કાર ચલાવવી. એ કામ નિપુણ ડ્રાઇવર કરી શકે. બેએક કિલોમીટરના અંતર સુધી એ ગઈ. આંખ સામે ત્રીસ-પચાસ ફૂટનો રેતીનો ઢૂવો હોય એના પર ડ્રાઇવર કારને આરોહણ કરાવી પટ્ દઈને, એ ખાસ્સી ઢળી પડે છતાં, સહેલાઈથી નીચે ઉતારે. કે આપણને થાય, “એ ગયા…” આ વખતે પણ કશું અજુગતું થયું નહીં.
સાંજ ઢળવાને હતી. સૂર્યદેવતા સખતાઈ ત્યજી નરમાશ પર આવી રહ્યા હતા. સાંજ અને વહેલી સવારની રોશની ફોટોગ્રાફી માટે શ્રેષ્ઠ છે. એને ગોલ્ડન અવર કે ગોલ્ડન ટાઇમ પણ કહે છે. ડ્યુન બેશિંગના બ્રેક વખતે એ સમય શરૂ થયો હતો. એટલે ફોટો ખેંચવાની મજા થોડી વધારે આવી. પછી હમરમાં પ્રવાસ શરૂ થયો કેમ્પ માટે.
કેમ્પ જતાં એક જગ્યાએ ઉમૈરે અમને ઊતાર્યાં. ત્યાંથી અલગ વાહનમાં આગળ ગયાં. પહોંચ્યાં કે ફોટો પૂરતી ઊંટસવારી કરવાની હતી. બે ઊંટ હતાં. એક એવું થાકેલું કે બેઠું કે ઊભું ના થાય. માલિકે સોટીએ ફટકાર્યો તો ઊંટે ક્રોધરાગ તાણ્યો. ઊંટે નાનકડા મેદાનમાં સતત ચક્કર માર્યે રાખવાનાં હોય છે. આ ત્રાસદાયક ઢસરડાની ઊંટ પર અવળી શારીરિક અને માનસિક અસર થતી હશે. અવઢવ અને ઊંટ માટેની કરુણા વચ્ચે વિચાર્યું કે નથી કરવી ઊંટસવારી. છતાં, કોને ખબર પણ ઊંટમાલિકે અવાજ આપ્યો કે સવારી કરી ખરી.
મેં કચ્છ અને રાજસ્થાનમાં ઊંટસવારી કરી છે. આ સફારી જેવી સફારી ઉપરાંત તંબુમાં રાતવાસો પણ કર્યો છે. એ વખતે પશુઓના દુરુપયોગ વિશે સભાનતા નહોતી. આજે છે. છતાં, આ વખતે પણ ઊંટસવારી કરી. બાજ સાથે ફોટો નહીં પડાવવા પાછળ પણ એના પર થતો અત્યાચાર કારણ હતું તો ઊંટ પર થતા અત્યાચારનું શું? મારું મન ઘમાસાણમાં અટવાયું. જોકે બે મિનિટથી ઓછા સમયના એ ચક્કરમાં નિર્ધાર કર્યો કે હવે પછી આવું નહીં જ કરવું. જીવમાત્ર માટે સદભાવના ના હોય તો માનવજીવન નકામું. સૉરી, ઊંટ દોસ્ત.
ડેઝર્ટ સફારી સાંજે અને વહેલી સવારે હોય છે. સાંજનો શૉ વધુ સારો એવું કહે છે. સપ્ટેમ્બર અંતના સમયમાં ગરમી સાવ ઓછી નહોતી. રણને લીધે છતાં ઠંડક થવા માંડી હતી. વિશાળ શામિયાણામાં વચ્ચે મંચ અને આસપાસ બેઠક વ્યવસ્થા હતી. શામિયાણો બે ભાગમાં હતો. બે અલગ અલગ ગ્રુપ માટે હશે. જેવું પેકેજ એવી બેઠક વ્યવસ્થા હશે. એની મને જાણ નહોતી. અમને જ્યાં બેસવાનું કહ્યું ત્યાં અઠ્ઠેકાશી કરી. બેઠકો આરામદાયક અને દરેકની પ્રાઇવસી જળવાય એવી હતી. તરત સર્વિસ માટે એક જણ આવ્યો. અણે કશુંક ભજિયાં જેવું ખાવાનું મૂક્યું. અરે હા, સવારે નાસ્તા સિવાય પેટમાં કશું ગયું નહોતું એ કહેવાનું રહી ગયું. સાંજ પડી કે પેટમાં ઉંદર દોડી રહ્યા હતા. સામે કશુંક પીરસાયું કે મોંમાં પાણી છૂટ્યું… અને બુદ્ધિ પણ જાગૃત થઈ. વેઇટરને પૂછ્યું, “ક્યાં હૈ યે? વેજ હૈ ના?”
છોભીલા પડી જતાં એણે કહ્યું, “માફ કરના… પહલે પૂછના ચાહિયે થા કિ આપ વેજ લોગે યા… કોઈ મુશ્કિલ નહીં… અભી વેજ લાતા હૂં.”
“મુશ્કિલ નહીં” કે “કોઈ મુશ્કિલ નહીં” એ યુએઈના તકિયા કલામ છે. સૌ કોઈના મોઢે એ સાંભળવા મળે. તરત વેજ આઇટમ આવી. સાથે સોફ્ટ ડ્રિન્ક્સ અને ચા-કોફી પણ ખરાં. બધું અનલિમિટેડ. ડિનર કાઉન્ટર્સ પણ શરૂ થયાં હતાં. અમે તરત પહોંચી ગયાં. ત્રણ વખત પૂછીને પાકું કર્યું કે વેજ શું. વેજમાં મોટાભાગે સલાડ્સ, દાળ, રોટલી અને બેએક જાતના ભાત હતાં. ભોજનમાં ઓકે પણ ભૂખ લાગે કે પાણા પણ પુરણપોળી લાગે. દિલથી ખાધું, ખાસ કરીને સલાડ ઝાપટ્યાં કેમ કે એ સેફ અને ટેસ્ટી હતાં. અડધીએક રોટલી, દાળ અને ભાત પણ ખાધાં કારણ કશુંક નક્કર અને આદત પ્રમાણેનું પેટને ખપતું હતું.
એક તરફ ખાણીપીણી અને બીજી તરફ શૉ. એમાં બેલી અને ફાયર ડાન્સ હતા. દૂર ઢૂવા પર કરતબગાર આગથી અંગ્રેજીમાં ડી-યુ-બી-એ-આઈ અક્ષરો ઝળહળા કરે એવી આઇટમ પણ હતી. સાથે મેમેન્ટો વેચવા અને ઇન્સ્ટન્ટ ફોટોને ફ્રેમમાં મઢી આપતા સેલ્સમેનની આવજા હતી. એન્કરિંગ નબળું હતું. માત્ર અપડેટ માટે દૂરથી એક જણ માઇક પર જાહેરાત કરે એટલું જ. એને લીધે શૉ નબળો લાગી રહ્યો હતો. છતાં, શૉ માણવો રહ્યો. દુબઈનું એ એક આગવું આકર્ષણ છે. એમાં સ્થાનિક કલ્ચરની આગવી છાંટ હતી. પરોણાગત નોંધનીય હતી. કોઈ પાંચ મિનિટ એવી નહોતી જ્યારે કોઈકે પૂછ્યું ના હોય કે બોલો, તમારી શી સેવા કરું?
રાત જામવા માંડી હતી એટલે ઉમૈરે આવીને કહ્યું કે પાછા જવાનું મન થાય તો કહેજો. અંગ્રેજી યુગલ જવા માટે તૈયાર હતું. અમે પણ નીકળ્યા. વળતો પ્રવાસ નહીંનહીં તો દોઢેક કલાકનો હતો. વળી એક કાર અમને હમર સુધી મૂકી ગઈ અને ત્યાંથી રિટર્ન જર્ની શરૂ થઈ.
આમ પત્યો ડેઝર્ટ સફારીનો દિવસ.
ટૂંકમાં…
- યુએઈની ચલણી નોટો સમજતા થોડો સમય લાગી શકે છે. કાગળની જૂની નોટો સાથે પ્લાસ્ટિકની નોટો પણ છે. એક તરફ (જેને સીધી બાજુ ગણી બેસીએ) બધું અરેબિકમાં લખ્યું હોવાથી સમજાય નહીં કે નોટ કેટલાની છે. ધીમેધીમે જોકે ફાવટ આવવા માંડે છે.
- સિક્કાઓનું ચલણ ઓછું છે. એક દિરહામના સિક્કા મહત્તમ જોવા મળે છે. પચીસ અને પચાસ ફિલ એટલે પૈસાના સિક્કા ખરા પણ એ ઓછા અને એમની જરૂર પણ ઓછી પડે.
- ડેઝર્ટ સફારીમાં મેમેન્ટો ખરીદવાં સલાહભર્યાં નથી. મોટા સ્ટોર્સમાં એની એ ચીજો સસ્તા ભાવે ખરીદી શકાય છે.
- ડેઝર્ટ સફારી અને અન્ય સ્થળોએ ઇન્સ્ટન્ટ ફોટોની પ્રિન્ટ વેચતા લોકો હોય છે. તમે ખરીદવાનો ઉમળકો ના બતાવો તો કિંમત ઘટે અને ભાવતાલ થઈ શકે છે. અમુક તો સામેથી કહેશે કે રેટમાં સમજી લેશું.
- શારીરિક તકલીફવાળાએ ક્વૉડ બાઇક ડ્રાઇવ કરતા પહેલાં વિચારી લેવું. એમાં બાઇકનું હેન્ડલ સંભાળતા હાથની પરીક્ષા થઈ જશે. ફોર વ્હીલરમાં કદાચ ઓછો વાંધો આવે.
- ડેઝર્ટ સફારીમાં ઊંટસવારી સાથે સેન્ડ બોર્ડિંગ પણ હતું. એમાં બોર્ડ પર સવાર થઈ રેતીમાં સરકવાનો આનંદ માણી શકાય.
- મહિલાઓ માટે હાથમાં મેંદીના ટેટૂ મુકાવવાની સગવડ અને સેન્ડ બોર્ડિંગ કે ટેટૂનો અમે લાભ નહીં લીધો.
- સફારીમાં માણેલું એક મજેદાર નૃત્ય હતું તોનોરા નામનું. એમાં બે પુરુષ કલાકારો હતા. એમની ઊર્જા અને પરફોર્મન્સ ગજબ હતાં.
- સફારીમાં ફૂડ સારું કે ઓકે એ નસીબની વાત હોઈ શકે છે. કોઈક કેમ્પમાં એ અન્ય કેમ્પ કરતાં વધુ સારું હોઈ શકે છે. માંસાહાર નહીં કરનારાએ તપાસ કરીને વાનગીઓ માણવી. સમજાયું એટલું કે બે-ત્રણ સિવાયની મોટાભાગની વાનગીઓ શાકાહારી રાખવાનો શિરસ્તો છે.
- મદિરાપાન પણ હોય છે જેના અલગ નાણાં લાગે છે. ઊભા થયા વિના ખાણીપીણી વગેરે બધું ટેબલ પર જોઈએ તો 50 દિરહામમાં વીઆઈપી સર્વિસ મળે છે.
- આ સાથેના એક વિડિયોમાં ડ્યુન બેશિંગની ક્લિપ છે. જેવી થઈ શકી એવી શૂટ થઈ છે. ડ્યુન બેશિંગનો અંદાજ મેળવવા એ માણી શકો. એનાથી ખ્યાલ આવવો અઘરો છે કે ડ્યુન બેશિંગમાં કાર ઉપર-નીચે થાય ત્યારે કેવું લાગે.
- બીજી એક ક્લિપ કેમ્પમાં દૂર એક ઢૂવા પર અગ્નિમાંથી અંગ્રેજીમાં લખાતા દુબઈ શબ્દની છે.
- અને એક ક્લિપ ઓન ધ વે, કારમાંથી લીધેલી શારજાહની ભવ્ય મસ્જિદની છે. સત્તર લાખથી વધુ ચોરસ ફૂટમાં પથરાયેલી આ મસ્જિદમાં એકસાથે 25,000 લોકો નમાઝ પઢી શકે અને બંદગી કરી શકે છે. રાતની રોશનીમાં એની ભવ્યતા આંખો ઠારનારી હતી. આ વખતની મુલાકાતમાં ત્યાં જઈ શકાયું નહીં પણ ભવિષ્યમાં તક મળે તો જરૂર જવું છે.
Leave a Comment