સવાર મોડી પડી. સ્વાભાવિક છે. પાછલી રાતે વિમાનપ્રવાસ ખેડ્યો. એમાં રાસ અલ ખૈમાથી દુબઈનો બાય રોડ પ્રવાસ ઉમેરાયો હતો જે ધાર્યા કરતાં લાંબો હતો.

પહેલા દિવસે દુબઈમાં ક્યાં ફરવું અને શું કરવું એ અમારા વતી ભાભીએ નક્કી કરી રાખ્યું હતું. એમનું પ્લાનિંગ સુપર પરફેક્ટ હતું અને એનો અનુભવ આજથી અમને થવાનો હતો. જેઓ દુબઈ પોતાની રીતે જાય એમણે એ ધ્યાન રાખવું કે ત્યાં સાઇટ સીઇંગ વિચાર માગી લેતું કામ છે. આપણે ત્યાં અહીંતહીં ફરવા નીકળી પડી શકાય છે તેમ ત્યાં નીકળી પડવું સહેલું નથી. બીજું, વાહન વિના દુબઈમાં ફરવા નીકળી પડશો તો સમય અને પૈસા બેઉ ધાર્યા કરતાં વધુ ખર્ચાશે. દુબઈમાં મેટ્રો છે પણ એનું નેટવર્ક પ્રવાસીને દરેક મનપસંદ જગ્યાએ પહોંચાડવા માટે પૂરતું નથી. એટલે, કાં તો પેકેજ ટૂર કાં પછી જાણકાર પાસેથી રજેરજની માહિતી મેળવીને પછી નક્કી થતું સાઇટ સીઇંગ જરૂરી છે. 

અમે અલ જદફ વિસ્તારમાં હતા. દુબઈના મોટાભાગના વિસ્તારોનાં નામ આગળ અલ શબ્દ હોય છે. સમજાય એમ કહીએ તો અલ એટલે અંગ્રેજીનું ધ, મતલબ ગુજરાતીમાં એકમાત્ર. અલ જદફ એટલે એકમાત્ર જદફ.  ભાઈભાભી પાસેથી જાણવા મળ્યા મુજબ આ વિસ્તાર છેલ્લાં પાંચેક વરસમાં ઝીરોમાંથી ઊભો થયો છે. માનવામાં આવે એવી વાત નહોતી પણ હતી સાચી. નવમા માળની બાલકનીમાંથી આ વિસ્તાર પર નજર કરતાં તો એમ લાગતું હતું જાણે કેટલાંય વરસોથી આ એક પ્રસ્થાપિત વિસ્તાર હશે. અલ જદફમાં ઘણી ટોપ હોટેલ્સ છે. રહેણાક ઇમારતો પણ એટલી જ.

દુબઈ ફ્રેમ

અમારે પહેલા દિવસે જે જગ્યા માણવાની હતી એ દુબઈ ફ્રેમ હતી. ઝાબીલ પાર્કમાં આવેલું આ આકર્ષણ દુબઈનાં આકર્ષણોની યાદીમાં ચારેક વરસ પહેલાં ઉમેરાયું. એમાં વળી કોવિડ અને લૉકડાઉનમાં બેએક વરસ તો ફ્રેમનો ફન માણવા માણસો જઈ શક્યા નહીં. હવે દુબઈમાં એક પછી એક આવાં આકર્ષણો ફરી લોકો માટે ખુલ્લાં મુકાવાનાં શરૂ થયાં છે ત્યારે દુબઈ ફ્રેમ જઈ શકાય છે. 

એ એક ઓબ્ઝર્વેટરી, મ્યુઝિયમ છે. 150.24 મીટર એની ઊંચાઈ છે. દુનિયમાં એ સૌથી મોટી ફ્રેમ છે. એનો અર્થ શું એ તો ત્યાં જઈને સારી રીતે સમજી શકાય. સરળ ભાષામાં કહીએ તો ફ્રેમ એટલે ફ્રેમ, એટલે તસવીર માટેનું ચોકઠું. દુબઈના વિહંગાવલોકન માટે એ એક પરફેક્ટ જગ્યા છે. એવી બીજી જગ્યા બુર્જ ખલીફા છે જેની વાત પછી કરશું. 

દુબઈમાં પ્રવાસલક્ષી સ્થળોમાં મોકળાશ, ચોખ્ખાઈ અને સુવ્યવસ્થા છે. દુબઈ ફ્રેમ પણ એવી જગ્યા છે. વિશાળ ખુલ્લો વિસ્તાર, લીલુંછમ ઘાસ, ફુવારા, બેઠકો… મુલાકાતીને તરત આ જગ્યા નિરાંતની લાગણી કરાવે છે. ટિકિટ લઈને દુબઈ ફ્રેમનું આરોહણ કરો એટલે સૌપ્રથમ મ્યુઝિયમ આવે. દુબઈના ઇતિહાસને ત્યાં આકર્ષક રીતે પેશ કરાયો છે. સુકાભઠ રણપ્રદેશની પેઢીઓ પહેલાંની જીવનવ્યવસ્થા, વેપાર અને પ્રજા, એને ટેક્નોલોજી, ચીજો અને મલ્ટીમીડિયાથી ઇમ્પ્રેસિવ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. આપણાં મ્યુઝિયમોમાં આવું શાને નહીં કરતા હોય? વળી તમામ વસ્તુઓ સ્પર્શી શકાય એમ ઓપન, છતાં ભાગ્યે જ કોઈ અળવીતરા હાથ લગાડે એવું અનુશાસન. દુબઈ ફ્રેમની મુલાકાતમાં, ઇતિહાસને ચાહનારા તરીકે, મારે માટે મ્યુઝિયમ માણવું વિશેષ આનંદ હતો. 

દુબઈ ફ્રેમનું મ્યુઝિયમ

લિફ્ટમાં દુબઈ ફ્રેમની ટોચે પહોંચીને શહેરના વિહંગાવલોકનની પહેલી ફીલિંગ હતી વાહ બોલાવનારી. બેઉ તરફ દેખાતા શહેરને માણતા પહેલાં ફરસ પર લાગેલા પારદર્શક કાચ પર ચાલતા નીચે નિહાળી શકાય એવી ગોઠવણ હતી. આરબ પ્રજાએ લોકોને બાંધી રાખવા અને પ્રગતિ કાજે કેવાકેવા યત્નો કર્યા છે એની એ એક ઝલક હતી. 2009માં થિસ્સેનક્રોપ એલિવેટર્સની સ્પર્ધામાં આવેલી 926 એન્ટ્રીઝમાંથી વિજેતા થનારી એન્ટ્રી આધારે દુબઈ ફ્રેમ બની છે. એની એક તરફ દેખાય અત્યાધુનિક તો બીજી તરફ દેખાય પરંપરાગત દુબઈ. 

કાચની જે ફરસની વાત કરી એ ગજબ હતી. ઊંચાઈથી નીચે જુઓ ત્યારે રમકડા શબ્દને મોટો કહેવડાવે એમ નીચે માણસો અને વસ્તુઓ દેખાય. દોઢસો મીટરની એ ફરસના એક છેડેથી બીજે પહોંચતા ઢગલો ફોટોગ્રાફ પડે અને અચંબિત પણ થવાય. 

એમાંથી નવરા પડો કે બેઉ તરફ દેખાતા શહેરને માણવામાં ઓતપ્રોત થઈ જવાય. વહેલી સાંજે હતી. સૂર્યનો પ્રકોપ ઓછો હોવાથી રોશની આંખ સાથે ત્રાગાં કરતી નહોતી. દ્રશ્યો રમ્ય હતાં. એવાં કોમ્પ્યુટરાઇઝ્ડ ગેડેટ્સ પણ હતાં જે ઊર્જાના ઉપયોગ અને એની અસરો વિશે માહિતી આપતાં હતાં. જોકે ગેજેટ સાથે રમતા બહુ ટપ પડી નહીં. કદાચ એને સવિસ્તર સમજવાનો પ્રયાસ મેં નહીં કર્યો. 

એક છેવાડેની લિફ્ટથી પ્રવેશ અને બીજા છેવાડેની લિફ્ટથી નિકાસ એવી ગોઠવણ હતી. બે છેવાડા વચ્ચે દોઢ-બે કલાક ક્યાં પસાર થઈ ગયા એની ખબર ના પડી. લિફ્ટથી નીચે આવ્યા તો એક્ઝિટ પહેલાં ભવિષ્યના દુબઈનું પ્રદર્શન દેખાયું. ફરસ સિવાયની ત્રણેય બાજુએ સ્ક્રીન્સ પર એ રજૂ થઈ રહ્યું હતું. આવનારાં વરસોમાં દુબઈ પ્રગિતલક્ષી ખેપ કેવીક મારશે એની વિગતો એમાં હતી. અમુક વિગતો રસપ્રદ તો અમુક કલ્પ્ય હતી. બસ, પછી એક્ઝિટ. 

સૂર્ય પરવારી ગયો હતો. બહારનું વાતાવરણ શીતળ હતું. સૂર્યની પરચૂરણ રહેલી રોશનીમાં ભૌતિક રોશની સમાઈને સરસ અસર સર્જી રહી હતી. થોડી ફોટોગ્રાફી કરીને, અને ખાસ્સું ઊભા રહ્યા પછી થોડું બેસીને, પોરો ખાઈને બહાર આવ્યે વિદાય લેતી સાંજ રાતને આવકારવા થનગની રહી હતી. અમને મળવા જયમીન આવવાનો હતો. સ્વજન જયમીન યુએઈ ઠરીઠામ થયો છે. સારી કંપનીમાં સારા હોદ્દા પર છે. જીવનના પ્રાઇમ ટાઇમમાં છે. મળતાવડો અને મીઠડો છે. 

એ આવ્યો કે અમે પહોંચ્યા દુબઈ ફેસ્ટિવલ સિટી મૉલ, જ્યાં સાંજે વીજળી, પાણી, અગ્નિ, ધ્વનિ, અને લેઝર લાઇટ્સના સમન્વયથી લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય છે. એ વિનામૂલ્યે માણી શકાય છે. અવધિ દસ મિનિટ છે. ફ્રેન્ચ બ્રાન્ડ પૉલની કૉફી શૉપની કૉફી સાથે લઈ જઈ શો માણ્યો. જયમીનના કહ્યા પ્રમાણે પહેલાં એ શો માટે, કૃત્રિમ જળાશય જેવી ત્યાંની જગ્યા ઉપરાંત પાસેની ફાઇવ સ્ટાર હોટેલની ઊંચી ઇમારતનો પણ સ્ક્રીન તરીકે ઉપયોગ થતો. હવે માત્ર કૃત્રિમ જળાશયનો ઉપયોગ થાય છે. સંગીતના સૂરો વચ્ચે પાણીમાં રખાયેલા સ્ત્રોતોમાંથી ભભૂકતી અગ્નિ નીકળે અને જાતજાતના આકાર બને એ જોવું રસપ્રદ હતું. એક મૉલમાં મુલાકાતીઓ માટે મનોરંજનના વૈવિધ્યના મામલે પણ દુબઈ વેગળું છે. 

દુબઈ ફ્રેમના પ્રાંગણમાં મૂકેલી બસ

ત્યાંથી પહોંચ્યા કરામા, અલ કરામા. દુબઈ ક્રીકના પશ્ચિમે આવેલો આ વિસ્તાર જૂનો છે. એ રહેણાક વિસ્તાર છે. આસપાસના વિસ્તારો સાથે એ શોપિંગ અને ખાણીપીણીનું એક હબ છે. ભારતીયો માટે કરામા અને પાસેના બે-ત્રણ વિસ્તારો દુબઈ વિઝિટમાં મસ્ટ છે. આ વિસ્તારો પ્રવાસમાં સહજ સામેલ થતા હોય છે. 

ભારતીય ભોજન પીરસતી અને ચોવીસેય કલાક ચાલતી ઘણી રેસ્ટોરાં ત્યાં છે. એમાંની એક પંજાબ બાય અમૃતસરનાં આઉટલેટ્સ છે. એકમાં માંસાહારી પણ મળે અને બીજામાં માત્ર શાકાહારી. અમે પહેલાં શાકા-માંસા કોમ્બિનેશનવાળા આઉટલેટમાં પહોંચી ગયા પણ તરત નીકળીને યોગ્ય આઉટલેટમાં ગયા. મેનુમાં દેખાતા વાનગીઓના ભાવ જુઓ નહીં તો આપણી સારી રેસ્ટોરાં અને એ રેસ્ટોરાંમાં કોઈ ફરક ના વર્તાય. દુબઈમાં શ્વાસ લેવા સિવાય કદાચ બધું આપણી તુલનામાં મોંઘું છે. જ્યાં ફરવા જઈએ ત્યાંની કરન્સી, લાઇફસ્ટાઇલ પ્રમાણે વર્તવું સારા પ્રવાસ માટે જરૂરી છે. મનમાં જો, આટલા દિરહામ એટલે આટલા બધા રૂપિયા એમ ગણો તો દુબઈ શું, દુનિયાના મોટાભાગનાં સ્થળોથી પાછા આવતા સુધીમાં થોડા કિલો વજન ઘટી જાય. 

ફૂડ સરસ હતું. રેસ્ટોરાં આખી ભરેલી હતી. આપણે સૌ હવે સારા ડાઇનિંગ એક્સ્પિરિયન્સથી ટેવાયેલા છીએ એટલે દેશ કે વિદેશ, ખરેખર સુપર્બ ફીલિંગ ના કરાવે એવી રેસ્ટોરાં જસ્ટ અનધર રેસ્ટોરાં લાગે. એનો એવો અર્થ પણ નથી કે આ રેસ્ટોરાંમાં જમવાની કે સમય પસાર કરવાની મજા ના પડી. સૌથી સારી વાત એ હતી કે વિદેશમાં પણ દેશની કમી ના અનુભવાય એવું ભોજન મળ્યું. 

પછી સમય હતો ઘેરભેગા થવાનો. જયમીન અમને મૂકી ગયો. 

ધર્મેશભાઈના ઘરે, અથવા કહો દુબઈના સમગ્ર પ્રવાસમાં, એક યાદગાર આનંદ માણ્યો શહેરચર્યા કરતા નહીં પણ રાત પડ્યે ઘરમાં નિરાંતે વાતો કરવાનો આનંદ. એની શરૂઆત આ રાતથી થઈ. એમાં પણ ભાઈ કે ભાભી ચા બનાવે (ક્યારેક અસલ ગુજરાતી ક્યારેક ફેન્સી, બ્લેક ટી, ટી વિથ હની…). એની ચુસ્કીઓ લેતા વાતો ચાલે. સમય જ્યારે ઘુરકિયાં કરે કે અલા ભઈ, આવતીકાલે સવાર પડવાની છે, કામધંધા છે, દુબઈ ફરવાનું છે, ત્યારે છેક અમે નીંદરભેગા થઈએ. 

પંજાબ બાય અમૃતસરમાં ભોજન

આ એક વાતે વિચાર વિચારતા કરી મૂક્યો કે આપણે ત્યાં આવી નિરાંત કેમ દોહ્યલી થઈ? દુબઈના (બીજા ઘણાં વિદેશનાં શહેરોમાં પણ) જીવનમાં એક રિધમ છે. સવારે કામે જતો માણસ આખો દહાડો તોડા કરે પણ સાંજ પછી એની પાસે મી-ટાઇમ કે પરિવાર માટે સમય અવશ્ય રહે. રજાના દિવસોમાં ત્યાં લોકો કાં તો કામની ચિંતા કરતા નથી કાં આપણા જેવી હાયવોય બેશક કરતા નથી. મુંબઈમાં સવારે દસેક વાગ્યે કામે જતો માણસ જો સવારે સાત વાગ્યામાં હાયહાય ના કરે તો કામે ના પહોંચે. સાંજે છ વાગ્ચે એ ઑફિસ છોડે પણ ઘેરભેગા થતા રાતના નવ વાગવા સામાન્ય છે. ઘર-ઑફિસ-ઘરના પ્રવાસમાં એ એવો નિચોવાય (ટ્રેન, બસ, રિક્શા, કાર, ગમે તે રીતે આ પ્રવાસ કરે) કે ખલ્લાસ થઈ જ જાય. આવું દુબઈમાં નહોતું. બીજાં વિદેશી શહેરોમાં જોયાં છે (અમુક અપવાદ છોડીને) ત્યાં પણ નહોતું. દુબઈમાં લોકો ઘરથી ઑફિસ કારમાં આવજા કરે તો પણ સ્ટ્રેસ ફ્રી રહે કેમ કે રસ્તા, શિસ્ત, સ્વચ્છતા, વાહનોની ગુણવત્તા બધું અપ-ટુ-ડેટ. આપણે આવા સુખની અપેક્ષા કરવી તો દૂર, એની કલ્પના કરવી પણ અઘરી છે. હશે. 

દુબઈની આ બીજી રાત ચાની ચુસ્કીઓ અને વાતોના દોર પછી પરવારી. પથારીમાં પટકાયે મનમાં થયું, “કોણે કહ્યું કે જગંલમાં મંગલ ના થાય? રણમાં ગુલાબ ના ખીલે?” જ્યાં જીદ છે, વિઝન છે અને કરવાનો દ્રઢ નિર્ધાર છે ત્યાં એવરીથિંગ ઇઝ પોસિબલ. ચંદીગઢ, ગાંધીનગર જેવાં બે-ચાર ખોબા જેવડાં સિસ્ટમેટિક શહેરો આ દેશે શૂન્યમાંથી સર્જ્યાં છે. એનો પોરસ આપણે બહુ કરીએ છીએ. ધોલેરા જેવા નવતર કે પછી હયાત શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની આપણે ત્યાં ઠાલી થઈ શકે છે. નિયત અને નિર્ધાર હોય તો કચ્છ કે જેસલમેર કે અન્ય કોઈ પણ શહેર કે સ્થળ દુબઈનાં બાપ બની જાય. સવાલ છે નિયતનો, નિર્ધારનો. ગુડ નાઇટ. 

ટૂંકમાં…

  • દિરહામ એક સબળ કરન્સી છે. અત્યારે આપણા બાવીસ-ત્રેવીસ રૂપિયા બરાબર એક દિરહામ થાય છે. 
  • દુબઈના વિઝાના નિયમો હાલમાં બદલાચા છે. પહેલાં ત્રીસ દિવસ માટે મળતા વિઝા હવે હવે 60 દિવસ માટે મળે છે. સાતેક હજાર રૂપિયા અને પાંચેક કામકાજી દિવસમાં એ સહેલાઈથી મળે છે. 
  • આપણા અને દુબઈના સમયમાં દોઢ કલાકનો ફેર છે. આપણે ત્યાં ત્રણ વાગ્યા હોય ત્યારે દુબઈમાં હોય દોઢ વાગ્યાનો સમય. 
  • દુબઈના લીસા અને શિસ્તબદ્ધ રસ્તા પર વાહન ચલાવવું આમ સહેલું પણ ચોકસાઈ માગી લેતું કામ છે. એની વાત અલાયદા લેખમાં કરીશું. 
  • લોકો સાથે ત્યાં સંવાદ સાધવામાં મુશ્કેલી ના પડે. સમગ્ર યુએઈમાં માત્ર 20 ટકા પ્રજા સ્થાનિકોની છે. દેશની વસતિમાં 60 ટકા ભારતીયો, પાકિસ્તાનીઓ અને બાંગલાદેશીઓ છે. દુબઈની વસતિ પાંત્રીસ લાખથી થોડી વધારે છે. હિન્દી, અન્ય ભારતીય ભાષા જાણનારા સૂંડલામોઢે છે. અંગ્રેજી જાણનારા એનાથી વધારે છે. 
  • દુબઈ જવાનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બર અંતથી માર્ચ વચ્ચેનો છે. 
  • દુબઈની ઘણી પેકેજ ટૂર્સ પાંચ-સાત દિવસની હોય છે. એટલા દિવસો ત્યાંનાં માનવસર્જિત આકર્ષણો જોવા પૂરતા નથી. છતાં, ન મામા કરતાં કાણો મામો સારો એવા નાતે આટલા દિવસ પણ ત્યાં જઈ શકાય. 
  • નૈસર્ગિક અને આપણાં દેશી સ્થળો જેવાં સ્થળો માણવાની અપેક્ષા ત્યાં ઓછી રાખવી. એવાં સ્થળોમાં ડેઝર્ટ સફારી વગેરે આવે ખરાં, જેની વાત આગળ કરશું, પણ કચ્છ કે રાજસ્થાનમાં જેમણે આવું કંઈક માણ્યું હોય એમને આ નૈસર્ગિક વિકલ્પો ખાસ અભિભૂત કરશે નહીં.   
  • આખા યુએઈમાં (મોસ્ટલી) ઘર તો ઘર, સમગ્ર ઇમારતો (સીડી, પેસેજ, રિસેપ્શન એરિયા), તમામ વાહનો સુધ્ધાં વાતાનુકૂલિત છે, કારણ અન્યથા ગરમીમાં ખો નીકળી જાય. એના લીધે આપણા જેવાને મુશ્કેલી એ થઈ શકે ખરી કે જેવા એર કન્ડિશન્ડ એરિયામાંથી બહાર આવીએ કે ગરમી ત્રાટકે. બીજું, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ એ પ્રવાસી માટે થોડું અગવડજનક બની શકે. ત્યાંના નાગરિકોને આ રીતે ઠંડક અને ઉકળાટમાં સ્વિચ ઓવર કરવાની વધુ સારી ફાવટ હશે.  
  • દુબઈના બજેટ એક ધ્યાન રાખવું. દુબઈ ફ્રેમ કે બુર્જ ખલીફા કે ડેઝર્ટ સફારી કે અન્ય સ્થળ, દરેકની પ્રવેશ ફી તગડી છે. એમાં વધારો કે ઘટાડો તમે દિવસના કયા સમયે જવા ચાહો છો એ અનુસાર થઈ શકે છે. એમ સમજીને ચાલો કે એક સ્થળ જોવા માટે માથાદીઠ મિનિમમ ત્રણેક હજાર મૂકી દેવાના છે. મુદ્દે, પાંચ પેઇડ સ્થળ એટલે પંદર હજાર ગયા. 
  • દુબઈ ફ્રેમ સવારે નવથી બાર કલાક ઓપન રહે છે. એન્ટ્રી ફી પચાસ દિરહામ એટલે લગભગ 1,100 રૂપિયા છે. બાળકની ટિકિટ વીસ દિરહામ છે. આ અને આવાં સ્થળોએ ત્રણથી પાંચ કલાક જશે એવી ગણતરી રાખવાની. (ક્રમશઃ)
Share: