ઓનલાઇન વિશ્વ પર યૌવન રાજ કરે છે. એનો એવો અર્થ નથી કે મોટી ઉંમરની વ્યક્તિ આ ક્ષેત્રમાં કાઠું કાઢી ના શકે. એવા પણ વડીલો છે જેમણે ઓનલાઇન માધ્યમો પર છવાઈને જિંદગી ગુલઝાર કરી છે
ભારતમાં આશરે એક-સવા લાખ લોકો ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર ‘સેલિબ્રિટી સ્ટેટસ’ ધરાવે છે. આ સેલિબ્રિટીનું કદ નાનુંય હોય કે મોટું પણ હોય. એમાંના મોટાભાગના યુવાન છે. એટલે અન્ડર ૩૫ કે ૪૦. ટેકનોલોજીએ યુવાનોને આપબળે આગળ આવવા બારી ઉઘાડી આપી છે. થોડી ક્રિએટિવિટી અને હૈયામાં અપને દમ પર કશુંક કરવાની તમન્ના હોય એ લોકો ઓનલાઇન વિશ્વમાં કૂદકો મારી શકે છે. લાગ્યું તો તીર. અલબત્ત, તીર નિશાને લાગવા માટે સાતત્ય, સખત મહેનત, નવું કરી શકવાની ત્રેવડ અને પ્રમોશન અનિવાર્ય છે.
આ દુનિયામાં પ્રવેશો ત્યારે સમજી લેવાનું કે, લોગ ક્યા કહેંગે એ ડર તડકે મૂકી દેવાનો. ઓનલાઇન સેલિબ્રિટી બનતા શરૂઆતમાં હાંસીપાત્ર બનવું પડી શકે છે. લોકો ટોણા મારી શકે છે કે આ શું માંડયું છે. શત્રુઘ્ન સિંહા નવાનવા હતા ત્યારે એમને પોતાને એમના ચહેરા પરનો ઘાનો નિશાન કારકિર્દીમાં આડો આવશે એવી ભીતિ હતી. પછી એ ઘા એમની ઓળખ બન્યો. કલાકાર કે પબ્લિક ફીગર માટે આ સહજ છે. બોલવાની આગવી શૈલી, સારી કે ખરાબ, શરીર સૌવ (અમિતાભ બચ્ચનની હાઇટ), કેશકલાપ (શાહરુખના વાળ), નાકનકશો (સૈફ કે રણવીરનું નાક) અને બીજું ઘણું બધું નવોદિતની વિરુદ્ધ જઈ શકે છે. એ બધું ત્યારે સ્વીકાર્ય અને લોકચાહનાનું કારણ બની જાય જ્યારે જીદ હોય અને મનગમતું કરવાને દ્રઢ મનોબળ હોય.
એક લાખ ચાલીસ હજાર ફોલોઅર્સ ધરાવતાં સેસી સાસુને જાણો છો? એમનું ખરું નામ મંજરી વરદે. ઉંમર ૬૭ ઓન્લી. અભિનેત્રી સમીરા રેડ્ડીનાં તેઓ સાસુ પણ એમની ઓળખ પુત્રવધૂને આભારી નથી. કોલેજકાળમાં પ્રેમમાં પડનારાં મંજરી ૨૭ની ઉંમરે બે બાળકોની માતા હતાં. પછી લગ્નભંગ અને જીવનને એકલે હાથે થાળે પાડવાનો પડકાર. આથક ભીંસ એવી કે બાળકો પતિ સાથે રહે. એમણે નિર્ધાર કર્યો આત્મનિર્ભર થવાનો. એ માટે પોતાની ચિત્રકારીની કળાનો સહારો લીધો. ૩૫ની ઉંમરે એમનાં ચિત્રોનું પહેલું પ્રદર્શન યોજાયું. જાતે ચિત્રો લઈ દુકાનોને વેચવા જતાં. પહેલું ચિત્ર વેચાતા ખોવાયેલો આત્મવિશ્વાસ ફરી જાગ્યો. ૨૦૧૪માં એમના દીકરા અક્ષયનાં લગ્ન સમીરા સાથે થયાં. પુત્રવધૂએ સુચવ્યું, ‘સાથે રીલ્સ બનાવીએ.’ઉંમરના છોછ વિના મંજરીએ સંમતિ આપી. સોશિયલ મીડિયાની શૂન્ય ગતાગમ પણ નવું શીખવાનો ભરપૂર ઉત્સાહ. આજે તેઓ પેઇન્ટિંગ ઉપરાંત સોશિયલ મીડિયાની પ્રવૃત્તિથી પ્રખ્યાત છે. કોન્ટેટ ક્રિએટર, આટસ્ટ, મોડેલ તરીકેની ઓળખ એમને પોરસ ચડાવે છે. અને હજી કંઈક અનોખું કરવા થનગનતાં માજી વટથી કહે છે, ‘બાલ સફેદ હો ગયે હૈ પર દિલ જવાન હૈ!’
ત્રણ લાખથી વધારે ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતા ૬૦ વરસના દિનેશ મોહનનો કિસ્સો કમાલ છે. એક સમયે તેઓ અતિ મેદસ્વી હતા. તીવ્ર ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા હતા. હરિયાણા સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનમાં તેમની જોબ તેથી કાયમ ડેસ્ક વર્ક કરતા. અઢારેક વરસ પહેલાં એમનું સ્વાસ્થ્ય બેહદ નાજુક હતું. એમાં પત્નીથી અળગા થવું અને દીકરાનું અકાળે નિધન… ચોતરફથી ઘેરાયેલા હતા. ખિન્નતાએ એમને બિનજરૂરી ખાવા કરવા તરફ એવા વાળ્યા કે સ્થિતિ વણસી ગઈ. દિનેશ કોઈની મદદ વિના પડખું ફેરવી શકાય નહીં એવી હાલત થઈ ગઈ. એવામાં મદદે આવ્યાં બહેન-બનેવી. એમની સલાહથી એમણે ડાયેટિશિયન,સાયકોથેરાપિસ્ટની ટ્રીટમેન્ટ લીધી. વજન પચાસેક કિલો ઘટાડયું. સાથે માંસપેશીઓ મજબૂત કરવા વ્યાયામ શરૂ કર્યા. એમના વિસ્તારના એક પત્રકારને એમના ટ્રાન્સ્ફોર્મેશનની જાણ થતાં એણે લેખ લખ્યો. એ વાંચીને એક એજન્સીએ મોડેલિંગ માટે સંપર્ક કર્યો. બસ, પછી દિનેશે ક્યારેય પાછા વળીને જોયું નથી. હવે તેઓ સિલ્વર ફોક્સ ઓફ ઇન્ડિયા તરીકે લોકપ્રિય છે. ઓનલાઇન સેલિબ્રિટી સાથે તેઓ કલાકાર, મોડેલ છે. ૨૦૧૯ની સલમાનની ફિલ્મ ‘ભારત’ અને ‘સાંડ કી આંખ’માં તેઓ અભિનેતા તરીકે દેખાયા છે. ‘ભારત’માં સલમાનનો ક્લાઇમેક્સ સમયનો લૂક દિનેશના અસલ લૂકથી પ્રેરિત હતો.
વિજયાલક્ષ્મી છાબરાએ ૩૫ વરસ બ્રોડકાસ્ટર તરીકે નોકરી કરી. ૨૦૧૫માં નિવૃત્તિ સમયે તેઓ દૂરદર્શનનાં ડિરેક્ટર જનરલ હતાં. સાડીને શ્રે પરિધાન ગણતાં આ મહિલાએ નિવૃત્તિ પછી સાડીઓના સંશોધનપૂર્ણ લેખ લખનારાં બ્લોગર થયાં. આજે ઇન્સ્ટા પર તેમના ૫૩,૦૦૦ ફોલોઅર્સ છે. હરિશ બાલી એકાવન વરસના યુટયુબર છે. એમની ચેનલ વિસા૨એક્સ્પોલરના ૧૬ લાખ સબસ્ક્રાઇબર્સ છે. ૨૦૧૭માં એમણે ખાણીપીણી અને પ્રવાસના શોખને સાંકળતી આ ચેનલ શરૂ કરી હતી.
૭૪ વરસના સેંગુત્તુવન સુબ્બુરત્ના ફૂડ બ્લોગર છે. તેઓ માસ્ટરશેફની તામિલ વર્ઝનમાં આવ્યા પછી વધુ લાઇમલાઇટમાં આવ્યા. ખાનગી કંપનીમાંથી ૧૪ વરસ પહેલાં નિવૃત્ત થયા પછી તેઓએ ફોટોગ્રાફી, પક્ષી અને પતંગિયાં દર્શનના શોખમાં સમય વિતાવવા માંડયો હતો. તેમના મતે, ‘હું મારું જીવન યુવાનો વચ્ચે પસાર કરું છું. મારી ઉંમરના લોકો સાથે મને મજા નથી આવતી, કેમ કે તેઓ મોટાભાગે સમસ્યાઓ અને શારીરિક તકલીફોની વાતો કરતા રહે છે, જે ભયંકર નેગેટિવ હોય છે.’ સાતેક વરસ પહેલાં અમેરિકા દીકરીને ઘેર ગયા પછી તેઓ ઇન્સ્ટા તરફ વળ્યા. કોવિડના લાકડાઉનમાં પક્ષી-પતંગિયાં નિહાળવું અશક્ય થયે ઇન્સ્ટા પર વધુ એક્ટિવ થયા. સાથે કૂકિંગ અને…
એવું નથી કે ઓનલાઇન દુનિયામાં અમુક પ્રકારની પ્રવૃત્તિ કે અમુક મસાલો જ કારગત નીવડે છે. આચાર્ય પ્રશાંતની સફળતા ટિપિકલ નથી. તેઓ આઇઆઇટી-આઇઆઇએમ-આઇએએસ જેવાં અતિ વજનદાર લેબલ ધરાવતા વેદાંતના પ્રખર પ્રચારક છે. નીના ગુપ્તા પ્રસિદ્ધ અભિનેત્રી તો સીમા આનંદ લેખિકા છે. બેઉની ઓનલાઇન સફળતા એમની અન્ય સફળતા સાથે સ્પર્ધા કરી રહી છે. નામ અનેક અને વ્યક્તિના પ્રકાર અનેક છે. બની શકે અમુકને અનાયાસે અથવા અણધારી સફળતા મળી હોઈ શકે છે, પણ એટલું નક્કી કે દરેકે પોતાની ઓનલાઇન પ્રવૃત્તિ પર વિશ્વાસ રાખ્યો છે. એ વિશ્વાસ જ એમની સિદ્ધિનો પાયો છે.
યુવાન હો કે વૃદ્ધ, ઉત્સાહી હો કે ખિન્ન, ઓનલાઇન દુનિયા ચિક્કાર સંતોષ અને ખુશી આપવા સક્ષમ છે. એની તરફ સોગિયું મોં કરવાની જરૂર નથી. બસ, મન મેં હો વિશ્વાસ, પૂરા હો વિશ્વાસ…
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 24 માર્ચ 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/24-03-2023/6
Leave a Comment