સફળ વિદેશી વેબ સિરીઝનું દેશી સંસ્કરણ કાયમ ઉપયુક્ત હોવું જરૂરી નથી. ‘એલિટ’ સિરીઝ પરથી બનેલી ‘ક્લાસ’ એનું ઉદાહરણ છે. એવી જ રીતે, તવારીખમાં ખોવાયેલી અને ભાગ્યે જ ધ્યાન ખેંચતી ઘટનાનું નાટકીય રૂપાંતર રસપ્રદ બની શકે છે. ‘જ્યુબિલી’ એનું ઉદાહરણ છે

અમીરજાદાઓની સ્કૂલ અને કોલેજ કેવી હોય? કરણ જોહર અને આદિત્ય ચોપરા ટાઇપ્સની ફિલ્મોમાં બતાવાય એવી હોય. જવાબ ભલે રિયલિસ્ટિક ઓછો અને ફિલ્મી વધુ, પણ ‘ક્લાસ’ સિરીઝના મામલે બંધબેસતો છે. અશીમ અહુવાલિયાએ સ્પેનિશ સિરીઝ ‘એલિટ’ ની ભારતીય આવૃત્તિ બનાવી એમાં મોટી ગરબડ છે ભારતીયપણાનો લગભગ અને સદંતર અભાવ.

શું છે ‘ક્લાસ’ની વાર્તા? જોહર-ચોપરા ટાઇપ્સની દિલ્હીની એક સ્કૂલ હેમ્પ્ટન છે. એમાં માત્ર અતિશ્રીમંત નબીરા-નબીરી ભણે છે. ત્યાં એડમિટ થાય છે સાધારણ ટાઇપ્સનાં ત્રણ સ્ટુડન્ટ્સ, ધીરજ (પિયૂષ ખાટી), સબા મન્ઝૂર (મધ્યમા સેગલ) અને બલરામ ઉર્ફે બલ્લી પટવલ (સ્વાયલ સિંઘ). રિયલ એસ્ટેટ ટાયકૂન સૂરજ આહુજા (ચંદન આનંદ) એ ગરીબોની સ્કૂલની જમીન પચાવી પાડવા આગ લગાડયા પછી આ ત્રણેને અહીં એડમિટ કરાયાં છે. એમ કરીને સૂરજે સમાજમાં વાહવાહ પણ મેળવી છે એની દીકરી સુહાની અંજલિ શિવરમન અને દીકરો વીર (ઝેન શૉ) પણ હેમ્પ્ટનમાં સ્ટુડન્ટ્સ છે. અને શરૂ થાય છે રિચ વર્સીસ પુઅરનો ખેલ.

આ ખેલ ઉપરાંત એની મુખ્ય વિગતો એનો ખરો પ્રવાહ હોવો જોઈતો હતો. એવું આખી સિરીઝમાં થતું નથી. વાર્તા ફર્યે રાખે છે નર્યા બે-ત્રણ મુદ્દા આસપાસ… કામુકતા, અભદ્ર ભાષા, છીછરા સંબંધો અને ગુનાખોરી. જોહર-ચોપરાઝની ફિલ્મોમાં જોયેલા ગ્લેમર કે સંબંધો કરતાં અહીં વધુ વિચિત્રતા છે. સ્ટુડન્ટ્સ ભાગ્યે જ ભણતા દેખાય છે. ટીચર્સના નામે એક પ્રિન્સિપાલ અને બીજા એક શિક્ષક છે. વિદ્યાર્થીઓ એમની સામે એટલી જ ઝાઝી તોછડાઈ પૂરેપૂરી સ્વતંત્રતા સાથે કરતા રહે છે કે કોઈ સ્કૂલમાં ચપરાસી સામે પણ આવું કરતા પહેલાં વિચારવું પડે.

વાર્તાને મજેદાર (અથવા જકડી રાખનારી) બનાવવા શરૂઆત અને અંતને સાંકળતી કડી બને છે સુહાનીનું મોત. કોણે મારી સુહાનીને? વર્તમાન-ભૂતકાળ વચ્ચે આંટાફેરા મારતા ‘ક્લાસ’ એનો જવાબ આપવા પ્રયત્નશીલ રહે છે. પ્રવાહમાં આવ્યે રાખે છે વિદ્યાર્થીઓની સેક્સલીલા, ગાળાગાળી, ડ્રગ્ઝ પાર્ટી, કંઈક અંશે બિલ્ડર-પોલિટિશિયન લોબીની મથરાવટી વગેરે. ખેદજનક વાત એ છે કે તમામ ધમપછાડા છતાં સિરીઝ કોઈ ચમત્કાર સર્જી શકતી નથી.

હાસ્યસ્પદ અને ફારસ લાગતી બાબતો જોકે ઘણી છે. આખી હેમ્પ્ટનમાં એક સુહાનીને બાદ કરતાં (એય પાછી દૂધે ધોયેલી નથી) કોઈ સ્ટુડન્ટ શિષ્ટ-સભ્ય-સંસ્કારી નથી? બધેબધા અમીર ફરજંદો શું આવા જ હોય? આહુજા જેલમાંથી દીકરાને અમુક લાખની રોકડ કલેક્ટ કરવા મોકલે ત્યારે માથું ખંજવાળતા વિચારવું પડે. ‘અલ્યા, આમ તો કરોડોમાં રમતો તું અને આટલા રૂપિયા માટે આવું?’ ડિટ્ટો આ વાત આહુજાના બિઝનેસ સાગરિત તરુણ કાલરા (કબીર આનંદ)ના દ્રશ્યને પણ લાગુ પડે છે, જ્યાં તુચ્છ રકમ જોઈ એની દાઢ સળકે છે.

એકસરખી હોવાથી મહા કંટાળાજનક થતી સિચ્યુએશન્સ, એવું જ ફ્લેટ પાત્રાલેખન, એવી જ બોરિયતછાપ ભાષામાં બોલાતા સંવાદ અને લાગણી ઝંકૃત કરે એવા સંબંધોના તાણાવાણાનો અભાવ સિરીઝને નકામી બનાવે છે. તો આવી સિરીઝ શાને બને છે? કારણ મેકર્સ માને છે કે શહેરી યુવાનોમાં આવી સિરીઝ ચાલે છે. કદાચ ચાલતી હશે, પણ થઈ રહેલા અતિરેકથી યુવા દર્શકો પણ ઝટપટ આવી સિરીઝથી સળગા થઈ જવાના.
આઠ-આઠ એપિસોડ જોયા પછી પણ જો કોઈ વાત, કોઈ પાત્ર હૃદય સોંસરવા ઊતરે નહીં તો સર્જનમાં નક્કી મોટી ક્ષતિ હોવાની. સ્પેનિશ ભાષામાં (અને ડબ્ડ વર્ઝન તરીકે અન્યત્ર પણ) ‘એલિટ’ સફળ સિરીઝ હશે પણ ‘ક્લાસ’નો ગજ વાગતો નથી છેલ્લી વાત… સહપરિવાર, ખાસ તો બાળકો સાથે એને જોવાની ભૂલ કરવાની નથી. બાકી તો તમે સમજદાર છો.

‘ક્લાસ’ નબળી તો ‘જ્યુબિલી’ ઝમકદાર છે. સેક્સ, ક્રાઈમ વગેરેના અતિરેકથી ગંધાતા ઓટીટી વિશ્વમાં કંઈક જુદું અને વણકલ્પ્યું આવે એની પોઝિટિવ ઇફેક્ટ થાય જ. ‘જ્યુબિલી’ એવી જ ઇફેક્ટ સર્જે છે. બોલિવુડની (લિટરલી) પા પા પગલીના દિવસોની અમુક ઘટનાઓમાંથી સર્જાયેલા આ ફિક્શનલ શોની તાકાત કથા, પાત્રલેખન, અભિનય નિર્માણ જેવા વિવિધ પાસાંમાંથી નિરૂપે છે.

મુંબઈનું ઉપનગર મલાડ જ્યારે ગામના ગોંદરે હતું ત્યારે એ ઉજજડ સ્થળે હિમાંશુ રોયે બોમ્બે ટોકિઝ નામે સ્ટુડિયો અને બોલિવુડનું પ્રથમ નોંધનીય સામ્રાજ્ય સર્જ્યું હતું. તત્કાલીન અભિનય સામાજ્ઞાી દેવિકા રાની રોયના જીવનસંગિની તેમ જ બિઝનેસ પાર્ટનર હતાં.’જ્યુબિલી’માં એવું કપલ છે, શ્રીકાંત રોય (પ્રસન્નજિત ચેર્ટજી) અને સુમિત્રા કુમારી (અદિતી રાવ હૈદરી). એમની રોય ટોકિઝ (એ પણ મલાડમાં છે!) વફાદાર કર્મચારી બિનોદદાસ (અપારશક્તિ ખુરાના) છે. શ્રીકાંતના આદેશને સદૈવ શિરોમાન્ય કરતાં બિનોદ લખનઊ જાય છે. એને સોપાયેલું કામ કામ છે જમશેદ ખાન (નંદિશ સિંધ સંધુ) નામના ઊભરતા કલાકારને મુંબઈ લાવવો, જેથી એને રોય ટોકિઝ મદનકુમાર તરીકે લોન્ચ કરે. વત્તા, જમશેદ અને સુમિત્રા કુમારી વચ્ચે પ્રેમફાગ ખેલાઈ રહ્યા છે. શ્રીકાંત એના લીધે પણ ગિન્નાયેલો છે.

દેશના ભાગલાની ઘડીઓ ગણાઈ રહી છે. હિંદુ-મુસ્લિમો શહેર કે કારકિર્દીનાં સપનાં સાથે કયા દેશમાં વસવું એ પ્રશ્નનો જવાબ શોધવા પણ હવાતિયાં મારી રહ્યા છે. લખનઊ જઈને બિનોદ જમશેદને લાવવાને બદલે એને ટોળાનાં હાથે મરવા દે છે. એની એક છૂપી મહત્ત્વાકાંક્ષા જાતે મોટા પડદે ચમકવાની, મદનકુમાર તરીકે લોન્ચ થવાની છે. જમશેદની મોતે સર્જેલી તક ઝડપીને બિનોદ એ સપનું સાકાર કરે છે. એ સ્ટાર બને છે સાથે વાર્તામાં ઉમેરાય છે અન્ય વળાંકો, સ્ટ્રગલર કલાકાર-દિગ્દર્શક (જેણે કરાચીથી મુંબઈ હિજરત કરી છે) જય ખન્ના (સિદ્ધાંત ગુપ્તા), તવાયફમાંથી સિનેતારિકા બનવા કૃતનિશ્ચયી નીલોફર (વામિકા ગબ્બી), ફાઇનાન્સરમાંથી સફળ નિર્માતા બનતા વાલિયા (રામ કપૂર) વગેરેને લીધે.

૧૯૪૦-‘૫૦ના દાયકાનું બોલિવુડ ત્યારનું મુંબઈ, ત્યારની હાઇ-પ્રોફાઈલ લાઇફ સ્ટાઇલ સહિત ‘જ્યુબિલી’માં સર્જક વિક્રમાદિત્ય મોટવાણેએ અનેક બાબતો સુંદર રીતે સર્જી છે. પિરિયડ ડ્રામાની સચોટતા માટે આ મામલે સફળ થવું જરૂરી હોય છે. બીજું, કથાપ્રવાહને સચોટ કરનારાં સંવાદ, બોડી લેન્ગ્વેજ તો સરસ છે જ, સાથે કૌસર મુનીરે લખેલા તથા અમિત ત્રિવેદીએ સંગીતબદ્ધ કરેલાં ગીતો પણ માહોલની જમાવટ કરે છે
બહુ જ અસરદાર કાસ્ટિંગ ‘જ્યુબિલી’ને ફળ્યું છે. પ્રસન્નજિતથી લઈને તમામ મુખ્ય કલાકારોએ પોતપોતાના પાત્રને પરિપૂર્ણ રીતે નિભાવ્યું છે. એમાં બિનોદની પત્નીના પાત્ર રત્ના તરીકે દેખાતી શ્વેતા બસુ પ્રસાદને પણ ઉમેરી દો. બ્લેક એન્ડ વાઈટ ફિલ્મોનો એ યુગ, નવી ટેકનોલોજીનું આગમન, સ્વતંત્ર ભારતને ભરડામાં (કે વશમાં) લેવા થનગનતા રશિયા અને અમેરિકાના દાવપેચ, એ જમાનાની બોલિવુડની ઘટનાઓની યાદ તાજી કરાવતી ઘટનાઓ અને બાબતો… બધું સિરીઝમાં બંધ બેસે છે

‘જ્યુબિલી’, ઇન શોર્ટ, માણવાયોગ્ય છે. શક્યતા એવી પણ ખરી કે એક વાર જોવાનું શરૂ કરશો તો એકઝાટકે એના દસેદસ એપિસોડ જોઈ નાખવાની તાલાવેલી થાય. લંબાઈ થોડી ખટકે તો પણ છેવટે સિરીઝ પૂરી થયે એ કંઈક અલગ જોયાનો સંતોષ અવશ્ય માણી શકાશે.

બાય ધ વે ‘ક્લાસ’ જોઈ શકાય છે નેટફ્લિક્સ પર તો ‘જ્યુબિલી’ સ્ટ્રીમ થઈ છે પ્રાઇમ વિડીયો પર.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 21 એપ્રિલ 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/21-04-2023/6

 

Share: