યુટ્યુબે ઓનલાઇન વિડિયોના ક્ષેત્રે ક્રાંતિ કરી ત્યારે કોણે ધાર્યું હતું કે શેરીએ શેરીએ યુટ્યુબર્સ હશે? આગળ આવું ઓટીટી પ્લેટફોર્મના મામલે પણ થઈ શકે છે. કારણ ઘણી કંપનીઓ ઓટીટી પ્લેટફોર્મ શરૂ કરવા ઇચ્છનારાને ટેક્નોલોજી અને અન્ય સગવડો પૂરી પાડશે. બદલામાં તેઓ ફી રળશે અને અથવા વિડિયોથી થતી આવકમાં હિસ્સો લઈ જશે

 

કોઈક સાવ નવા વેપારની શરૂઆતમાં અનેક ખેલાડીઓ કૂદી પડે એમ ઓટીટી શરૂ કરવાના મામલે પણ હોડ જામી છે. વૈશ્વિક ખેલાડીઓ વચ્ચે પ્રાદેશિક ઓટીટી પ્લેટફોર્મ્સ પોતાનું સ્થાન દ્રઢ કરવા પ્રયત્નશીલ છે. નાનાં અને ઓછાં જાણીતાં ઓટીટી પ્લેટફોર્મ્સ સતત આવી રહ્યાં છે. અમુક આગળ જતાં જાણીતાં થઈ શકે છે. ઓટીટી પ્લેટફોર્મ શરૂ કરવાનું રોકાણ અને ચલાવવાનો, નવા શોઝ પીરસવાનો ખર્ચ મોટો છે. મોટા ખેલાડીઓ આ ક્ષેત્રમાં લાગતા રોકાણ, પડકારોથી વાકેફ છે. આપણે પણ વાકેફ થવાનો પ્રયત્ન કરીએ. સાથે ક્ષેત્રમાં આગળની સંભવતઃ ક્રાંતિની ચર્ચા કરીએ.

ઓટીટી શરૂ કરવું આસાન નથી. એમાં પ્રારંભિક રોકાણ કેટલું અને ટકી રહેવા માટે કેટલાં ઊંડાં ખિસ્સાં જોઈએ એ સમજવું સહેલું નથી. જોકે ટેક્નોલોજી એવી ચીજ છે જે ઘણી ઉથલપાથલ કરી શકે છે. એની શરૂઆત થઈ ચૂકી છે. ઇન્ટરનેટ પર એવી ઓફર્સ છે જેમાં દાવો કરવામાં આવે છે કે માત્ર પાંચ હજાર ડોલર એટલે રૂ. પાંચ લાખથી ઓછામાં ઓટીટી પ્લેટફોર્મ તૈયાર કરી આપશું. વાસ્તવિકતા એવી કે સારું ઓટીટી પ્લેટફોર્મ ઊભું કરવા રૂ. પચાસ લાખ પણ ઓછા પડી શકે. એ તો પ્લેટફોર્મનો ખર્ચ. પછી ચલાવવાનો ખર્ચ, સતત નવા કાર્યક્રમો પીરસવાનો ખર્ચ.

નવા શોઝ, ફિલ્મો વગેરેના નિર્માણમાં થતું રોકાણ તોસ્તાન હોય છે. પ્રાઇમ વિડિયો, નેટફ્લિક્સ જેવા માંધાતાઓ સામે ઝીંક ઝીલવામાં અન્ય ઘણી મોટી કંપનીઓ પણ મૂંઝવણ અનુભવે છે. તો પછી મગતરાંઓ શું ટકે? એક સારી વેબ સિરીઝ માટે સો-દોઢસો કરોડ રૂપિયાનું રોકાણ સામાન્ય વાત છે. વરસમાં આવી છ સિરીઝ પણ બનાવાય તો રોકાણ ક્યાં પહોંચે?

નિર્માણ પછીનો પડકાર માર્કેટિંગ અને પ્રમોશનનો છે. એનો ખર્ચ પણ ગંજાવર છે. ઘણીવાર આપણને સારા શોની મોડી ખબર પડવાનું કારણ એનું નબળું માર્કેટિંગ એ પ્રમોશન હોય છે. નિર્માતાને કે પ્લેટફોર્મને ક્યારેક એવા ખર્ચની જરૂર વર્તાતી ના હોય અથવા ક્યારેક મોટો ખર્ચ કરવાની એની ત્રેવડ ના હોય ત્યારે આવું થાય છે.

એ શક્ય છે કે સામાન્ય માણસ ભવિષ્યમાં પોતાનું ઓટીટી પ્લેટફોર્મ શરૂ કરે. એ શક્ય થઈ શકે છે સોફ્ટવેર એઝ અ સર્વિસ કે સેસ તરીકે જાણીતી અને ઓલરેડી વિવિધ ક્ષેત્રમાં વપરાતી ટેક્નોલોજીની સેવાથી આ સેવા અંતર્ગત ટેક્નોલોજી થકી જે વિશાળ પ્લેટફોર્મ બનાવવું હોય એનો ખર્ચ એક કંપની ઉપાડે. એ કંપની એ પ્લેટફોર્મ અન્યોને નોન-એક્સક્લુઝિવ ધોરણે વાપરવા આપે. એ માટે એ ફી વસૂલે. ઇન ફેક્ટ, નેટફ્લિક્સ કે પ્રાઇમ વિડિયો પણ સેસના પ્રકાર ગણી શકાય. એમની પાસે પોતાનાં પ્લેટફોર્મ છે જેના પર નિર્માતાઓ સર્જનો રિલીઝ કરી શકે છે. સેલ્સફોર્સ, ગૂગલ (જી સ્યુટ)ની તમામ સેવાઓ, એડોબી ક્રિએટિવ ક્લાઉડ, કેનવા, શોપીફાઈ, ઝૂમ… અનેક ઉદાહરણો છે. યુટ્યુબ પણ એવું જ છે. આ પ્લેટફોર્મ બનાવ્યું ગૂગલે અને વાપરે આખી દુનિયા છે. એ પણ કોઈ લવાજમ કે ફી વિના. છોગામાં એ વિડિયોથી થતી આવકનો એક હિસ્સો પણ આપે છે.

ભારતમાં ઓએનડીસી પ્લેટફોર્મ થકી ઓનલાઇન બિઝનેસમાં આવનારી ક્રાંતિ પણ સેસને લીધે શક્ય થવાની છે. ટેક્નોલોજીમાં તોતિંગ રોકાણ વિના એનો લાભ લેવા, કોઈકના પ્લેટફોર્મનો ઉપયોગ કરતા નાનકડી ફી ચૂકવી મનગમતા વેપારમાં આગળ વધવું શક્ય છે. સેસની સમગ્ર પરિકલ્પના આ મુદ્દા પર આધારિત છે.

ઓટીટી માટે પણ આ પ્રકારના અખતરા થવા માંડ્યા છે. અમેરિકા અને ભારતમાં કાર્યરત મોગી આઈઓ નામની એક કંપની આવું જ કંઈક કરે છે. જેઓ પોતાનું ઓટીટી શરૂ કરવા ચાહે એને એ રેડીમેડ ટેક્નોલોજી પૂરી પાડે છે. એક કંપની મૂવી છે જે ઓટીટી શરૂ કરવા માળખું પૂરું પાડે છે. આ બે માત્ર ઉદાહરણ છે. એમની વિશ્વસનિયતા કે એમની ગુણવત્તા વિશે એમણે જાતે તપાસ કરવી જેઓ એમની સેવા લેવા ચાહે. મુદ્દો એટલો કે એ દિવસો દૂર નથી જ્યારે ટેક્નોલોજીના જ્ઞાન અને મોટા ખર્ચ વિના સામાન્ય માણસ પોતાનું ઓટીટી પ્લેટફોર્મ ધરાવવાનું સપનું જોઈ શકે. બિલકુલ એમ જેમ આજે સામાન્ય માણસ સહેલાઈથી યુટ્યુબ ચેનલનો માલિક હોઈ શકે છે.

એક શક્યતા, જે ઘણા અમલમાં મૂકવા માંડ્યા છે, છે પોતાના યુટ્યુબ વિડિયોઝને પોતાના ઓટીટી પ્લેટફોર્મ પર મૂકી નવી સફર શરૂ કરવાની. આ કામ સેસ સેવા આપતી કંપનીથી આસાન થઈ છે. આવું કરવા પાછળનું ગણિત એવું કે ઓટીટી થકી યુટ્યુબ કરતાં વધુ આવક રળી શકાય. એ માટે ગુણવત્તાવાળા વિડિયો ધરાવતી યુટ્યુબ ચેનલ હોવી જરૂરી છે, સંખ્યાની દ્રષ્ટિએ પણ એટલા વિડિયો હોવા જોઈએ જે સાતત્ય સાથે ઓટીટી ચલાવવા પૂરતા હોય.

સામાન્ય માણસ જો ઓટીટી ઊભું કરે તો કયા પ્રકારના વિડિયો મૂકે જેનાથી માંધાતાઓ સાથે સ્પર્ધાનો સામનો કરવો પડે નહીં? એવા ક્ષેત્રના અને વિષયોના વિડિયોઝ મૂકવા જેનાથી પ્લેટફોર્મની આગવી ઓળખ બને. જેમ કે યોગાસનોનું પ્લેટફોર્મ. જેમ કે સ્થાનિક ખાસિયતોનું પ્લેટફોર્મ. જેમ કે કોઈક કળાની દુનિયામાં રોચક લટાર મારવામાં મદદ કરતું પ્લેટફોર્મ. ખાસ પ્રતિભા ધરાવનારા લોકો અલાયદા પ્લેટફોર્મથી સારી સફળતા મેળવવાની આશા રાખી શકે છે. આ બિલકુલ એવું છે જેવું અમુક પ્રકારના લોકોએ પોતાની યુટ્યુબ ચેનલથી નામદામ કમાયાં છે.

આટલું વાંચીને ઓટીટી શરૂ કરવાને થનગનતા પહેલાં બીજી થોડી વાતો જાણી લો. આ ક્ષેત્ર નવું છે. સ્પર્ધા ઓછી છે. એમાં ઝંપલાવવાની ઉતાવળ કરતા પહેલાં પાકું આયોજન કરો. પછી કઈ કંપની સારામાં સારી સેસ જેવી સેવા આપે છે, ઓછા ખર્ચે અને ભરોસા સાથે આપે છે, એની તપાસ કરો. લાંબા ગાળે પ્લેટફોર્મને ટકાવી રાખવા શું કરવું પડી શકે છે એ સમજી લો. પડકારો ઝીલવાની તૈયારી કેળવો. પછી, બેશક, અખતરો કરી શકાય છે. બીજી વાત. સેસ થકી ઓટીટી શરૂ કરવામાં મદદરૂપ થતી કંપનીઓ હજી ઓછી છે. આગળ આવી કંપનીઓ વધશે ત્યારે વિકલ્પો અને લાભ બેઉ વધશે. અત્યાર પૂરતું એ અગત્યનું છે કે આ ક્ષેત્રની ક્રાંતિનો ખ્યાલ હોય અને પોતાનું સાહસ શરૂ કરવું હોય તો જરૂરી તૈયારી થવા માંડે.

વેબસાઇટ અને ઓટીટી પ્લેટફોર્મ બે અલગ ચીજ છે. વેબસાઇટની સામગ્રી આપણે સર્ફિંગ કરતા જઈએ આપણા માટે ડાઉનલોડ થતી જાય છે. ઓટીટી માટે કોન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક વપરાય છે. એના લીધે જે ફિલ્મ કે શો જોવા ચાહીએ એ આખો ડિવાઇસ પર ડાઉનલોડ થાય છે. એથી આપણે એને બફરિંગ વિના, વારંવાર એના અટક્યા વિના માણી શકીએ છીએ. વેબસાઇટમાં એવું થતું નથી, એટલે ઘણીવાર વેબસાઇટ પર ચાલતો વિડિયો અટકી અટકીને ચાલે છે. મોબાઇલ કે અન્ય ડિવાઇસ પર એપ ડાઉનલોડ કર્યા પછી જે કાર્યક્રમ ડાઉનલોડ કરીએ એ હંગામી ધોરણે અથવા એપ માન્ય મર્યાદા (ડાઉનલોડ ક્વોટા) અનુસાર આપણા સાધનમાં સચવાયેલો રહે છે. ઉપરાંત, યુઝર્સનો રેકોર્ડ, એમની પસંદગીઓ વગેરે યોગ્ય રીતે મેળવવા અને સમજવા માટે એપમાં જે સગવડ હોઈ શકે એ વેબસાઇટમાં એટલી સહેલાઈથી સચવાતી નથી.

નવું શું છે

  • આજે છેલ્લો દિવસ છે જ્યારે ડિઝની પ્લસ હોટસ્ટારના સબસ્ક્રાઇબર્સ આ ઓટીટી પ્લેટફોર્મ પર એચબીઓ મેક્સની ફિલ્મો અને શોઝ માણી શકશે. આવતીકાલથી બેઉ પ્લેટફોર્મ્સ વચ્ચેનો કરાર પૂરો થશે. સાથે, ‘ગેમ ઓફ થ્રોન્સ’, ‘સિક્સ ફીટ અન્ડર’, ‘સેક્સ એન્ડ ધ સિટી’ જેવા લોકપ્રિય શોઝ ડિઝની પરથી પાછા ખેંચી લેવામાં આવશે.
  • વાત એવી થઈ રહી છે કે એમેઝોનનું પ્રાઇમ વિડિયો ટાઇમ્સ ઇન્ટરનેટનું લોકપ્રિય પ્લેટફોર્મ એમએક્સ પ્લેયર ખરીદવાની વાટાઘાટો કરી રહ્યું છે. એમ થશે તો દેશના ટોચનાં ઓટીટી પ્લેટફોર્મમાંથી એકની બાદબાકી થશે. એમએક્સ હસ્તગત કરવાથી પ્રાઇમ વિડિયોના ગ્રાહકોની સંખ્યામાં એકઝાટકે ચારગણો વધારો થશે.
  • સરકારે ખુલાસો કર્યો છે કે સમાચારો માટેનાં ઓટીટી પ્લેટફોર્મ્સને વિદેશી રોકાણની 26 ટકા મર્યાદા લાગુ પડતી નથી. મનોરંજનલક્ષી ઓટીટી પ્લેટફોર્મ્સમાં વિદેશી રોકાણ 26 ટકાથી વધુ હોઈ શકે નહીં. સમાચારોનો સવાલ છે ત્યાં સુધી ઓનલાઇન ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને યુટ્યુબ અને ફેસબુક છે. ઓટીટી પ્લેટફોર્મ્સ આ કામમાં ઓછાં છે.
  • જેમ્સ કેમેરોનની ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ 28 માર્ચથી પ્રાઇમ વિડિયો અને એપલ ટીવી જેવા સહિતના ઓટીટી પર આવશે. બોક્સ ઓફિસ પર ચિક્કાર સફળતા મેળવનારી આ ફિલ્મ ભારતમાં ઇંગ્લિશ ઉપરાંત હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ હતી.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 31 માર્ચ 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/31-03-2023/6

Share: